અમદાવાદમાં આજે પહેલી મૅચ પહેલાં ૧૫૦૦થી વધુ ડ્રોન દ્વારા રચાશે આઇપીએલના લોગો અને ટ્રોફીનું ફૉર્મેશન, સ્પેશ્યલ ટેક્નૉલૉજીથી સર્જાશે અદ્ભુત આકાશી નઝારો
IPL 2023
પર્ફોર્મન્સ પહેલાંની ઝલક: આજે અમદાવાદમાં આઇપીએલની ઓપનિંગ સેરેમનીમાં સ્ટેજ પર પર્ફોર્મ કરનાર અભિનેત્રી તમન્ના ભાટિયાએ ગઈ કાલે રિહર્સલ કર્યું હતું. રશ્મિકા મંદાના પણ આજે પર્ફોર્મ કરશે અને લોકપ્રિય સિંગર અરિજિત સિંહ પોતાનાં મશહૂર ગીતોથી હજારો પ્રેક્ષકો અને કરોડો ટીવીદર્શકોને મંત્રમુગ્ધ કરી દેશે. તસવીર પી.ટી.આઇ.
‘હોમ ઍન્ડ અવે’ ફૉર્મેટના કમબૅક સાથે આજે શરૂ થતી આઇપીએલની ૧૬મી સીઝનમાં અમદાવાદમાં આજે (સાંજે ૭.૩૦ વાગ્યાથી) પ્રથમ મુકાબલો ગઈ સીઝનના ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચાર વખત વિજેતા બની ચૂકેલા ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે છે.
૭૦ લીગ મૅચો ૧૨ શહેરોમાં રમાશે. કોરોનાકાળના માહોલમાં ૨૦૨૨ની સીઝનની મૅચો મુંબઈ અને પુણેમાં રમાઈ હતી. ગઈ સીઝનની પહેલી મૅચમાં (વાનખેડેમાં) ચેન્નઈનો કલકત્તા સામે ૬ વિકેટે પરાજય થયો હતો, જ્યારે અમદાવાદની ફાઇનલમાં ગુજરાતે રાજસ્થાન રૉયલ્સને ૧૧ બૉલ બાકી રાખીને ૭ વિકેટે હરાવી ડેબ્યુમાં જ વિજેતાપદ મેળવી લીધું હતું.
ADVERTISEMENT
આજે ડેવિડ મિલર નથી, પરંતુ તેની ગેરહાજરીમાં ઇન્ફૉર્મ શુભમન ગિલ, કેન વિલિયમસન, રાહુલ તેવટિયા અને રાશિદ ખાન ધમાલ મચાવે તો નવાઈ નહીં. ધોનીની કદાચ આ છેલ્લી આઇપીએલ છે અને એમાં તે ખાસ કરીને બેન સ્ટોક્સ, રવીન્દ્ર જાડેજા, કૉન્વે, મોઇન અલી વગેરે ખેલાડીઓની મદદથી પાંચમી વાર ચૅમ્પિયન બનવામાં કોઈ કસર નહીં છોડે.
ટૉસ પછી પણ ઇલેવનની છૂટ
આઇપીએલમાં નવા નિયમની શરૂઆત કરવામાં આવી રહી છે જેમાં બન્ને ટીમના કૅપ્ટન ટૉસ પહેલાં જે ૧૧ ખેલાડીઓનું લિસ્ટ હરીફ કૅપ્ટનને આપશે ત્યાર બાદ તેઓ ટૉસ પછી પણ ઇલેવનમાં ફેરફાર કરીને નવું લિસ્ટ એકમેકને આપી શકશે.
ઇમ્પૅક્ટ પ્લેયરનું પણ આગમન
મૅચની મધ્યમાં બન્ને હરીફ ટીમ એક બોલર કે એક બૅટરને ટીમમાં સબસ્ટિટ્યુટ તરીકે સમાવી શકશે એવા ‘ઇમ્પૅક્ટ પ્લેયર’ના નવા નિયમની સાથે આજથી આઇપીએલ વધુ રોમાંચક બનશે.
આઇપીએલ ૨૦૨૩માં કોણ કયા ગ્રુપમાં?
ગ્રુપ-‘એ: મુંબઈ, કલકત્તા, રાજસ્થાન, દિલ્હી અને લખનઉ
ગ્રુપ-‘બે: ચેન્નઈ, બૅન્ગલોર, ગુજરાત, પંજાબ અને હૈદરાબાદ
ફૉર્મેટ : ગ્રુપની પ્રત્યેક ટીમ સામા ગ્રુપની પાંચ-પાંચ ટીમ સામે બે-બે મૅચ અને પોતાના ગ્રુપની ચાર ટીમ સામે એક-એક મૅચ રમશે. એ રીતે દરેક ટીમ કુલ ૧૪ લીગ મૅચ રમશે. કુલ મળીને ૭૦ લીગ મૅચ રમાશે અને પછી પ્લે-ઑફ શરૂ થશે.
આજની પહેલી અને એકમાત્ર મૅચની બન્ને ટીમમાં કોણ?
ગુજરાત ટાઇટન્સ : હાર્દિક પંડ્યા (કૅપ્ટન), શુભમન ગિલ, શ્રીકાર ભરત (વિકેટકીપર), વૃદ્ધિમાન સાહા (વિકેટકીપર), કેન વિલિયમસન, રાહુલ તેવટિયા, અભિનવ મનોહર, મોહમ્મદ શમી, પ્રદીપ સંગવાન, આર. સાઈ કિશોર, વિજય શંકર, સાઈ સુદર્શન, રાશિદ ખાન, શિવમ માવી, મૅથ્યુ વેડ, ઓડિયન સ્મિથ, ઉર્વીલ પટેલ, દર્શન નાલકંડે, ડેવિડ મિલર (પહેલી બે મૅચ માટે ઉપલબ્ધ નથી), જૉશ લિટલ (પ્રથમ મૅચમાં ઉપલબ્ધ નથી), મોહિત શર્મા, યશ દયાલ, જયંત યાદવ, નૂર અહમદ, અલ્ઝારી જોસેફ.
ચેન્નઈ સુપર કિંગ્સ : મહેન્દ્ર સિંહ ધોની (કૅપ્ટન), ડેવોન કૉન્વે, ઋતુરાજ ગાયકવાડ, અંબાતી રાયુડુ, મોઇન અલી, બેન સ્ટોક્સ, રવીન્દ્ર જાડેજા, અજિંક્ય રહાણે, દીપક ચાહર, સિસાન્દા ઍમ્ગાલા, શિવમ દુબે, ડ્વેઇન પ્રિટોરિયસ, અજય મોન્ડલ, નિશાંત સિંધુ, રાજ્યવર્ધન હંગારગેકર, મિચલ સૅન્ટનર, એસ. સેનાપતિ, સિમરજિત સિંહ, મથીશા પથીરાણા, મહેશ થીકશાના, ભગત વર્મા, પ્રશાંત સોલંકી, શેખ રાશિદ, તુષાર દેશપાંડે, આકાશ સિંહ.