હાર્દિકની ટીમ પહેલી જ વખત ઑલઆઉટ થઈ અને સીએસકે સામે પણ પ્રથમ વાર હારી : ઋતુરાજની હાફ સેન્ચુરી આ વખતે કારગત નીવડી
મંગળવારે ધોનીની પત્ની સાક્ષી પણ મૅચ જોવા આવી હતી. તસવીર iplt20.com
હાર્દિક પંડ્યાની જીટીની ટીમ આઇપીએલના ઇતિહાસમાં પહેલી જ વખત સીએસકે સામે હારી છે. ગઈ સીઝનમાં જીટીએ સીએસકેને બન્ને મુકાબલામાં અને આ વખતના એકમાત્ર મુકાબલામાં હરાવી હતી. મંગળવારે સીએસકેએ બૅટિંગ મળ્યા પછી ૭ વિકેટે ૧૭૨ રન બનાવ્યા ત્યાર બાદ જીટીની ટીમ ૨૦ ઓવરમાં ૧૫૭મા રને ઑલઆઉટ થઈ ગઈ હતી. એમાં શુભમન ગિલના ૪૨ રન હાઇએસ્ટ હતા અને તેની તેમ જ રાશિદ ખાન (૩૦ રન, ૧૬ બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)ની ઇનિંગ્સ પાણીમાં ગઈ હતી. વનડાઉનમાં આવેલો ખુદ હાર્દિક પંડ્યા ૮ રન બનાવીને આઉટ થયો હતો. ડેવિડ મિલર (૪ રન), ઇમ્પૅક્ટ પ્લેયર વિજય શંકર (૧૪ રન) અને રાહુલ તેવટિયા (૩ રન) પણ સારું પર્ફોર્મ નહોતા કરી શક્યા. દીપક ચાહર, મહીશ થીકશાના, રવીન્દ્ર જાડેજા અને મથીશા પથીરાનાએ બે-બે વિકેટ તેમ જ તુષાર દેશપાંડેએ એક વિકેટ લીધી હતી. ડેવૉન કૉન્વે સાથે ૮૭ રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરનાર અને વિજય શંકરનો કૅચ પકડનાર ઋતુરાજને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
છઠ્ઠી ઓવરમાં હાર્દિકની વિકેટ પડી એનાથી ચેન્નઈની જીત આસાન થઈ. ધોનીએ ઑફ સાઇડ પર છ ફીલ્ડર ઊભા રાખીને મોટું સર્કલ બનાવેલું અને થીકશાનાને સ્ટમ્પ્સ પર બૉલ ફેંકવા કહેલું. હાર્દિકે આ બધા ફીલ્ડર્સની ઉપરથી બૉલને બાઉન્ડરી તરફ મોકલવો પડે એ એકમાત્ર ઉપાય તેની પાસે હતો અને એમાં જ તેણે વિકેટ ગુમાવી. - પાર્થિવ પટેલ

