રાજસ્થાન સામેની આજની મૅચ હાઇ-સ્કોરિંગ થઈ શકે
IPL 2023
પંજાબનો કૅગિસો રબાડા અને રાજસ્થાનના કૅપ્ટન સંજુ સૅમસન સાથે જૉસ બટલર.
પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સ પોતાની પહેલી હાઇ-સ્કોરિંગ મૅચ જીત્યા પછી હવે આજે સામસામે આવી રહ્યાં છે. ગુવાહાટીમાં આજે તેમની વચ્ચે પણ હાઇ-સ્કોરિંગ મુકાબલો જોવા મળે તો નવાઈ નહીં. ઑક્ટોબર ૨૦૨૨માં આ સ્થળે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટી૨૦માં ફક્ત ૬ વિકેટ પડી હતી અને કુલ ૪૫૮ રન બન્યા હતા.
વાનખેડેનું ગુવાહાટીમાં પુનરાવર્તન?
ADVERTISEMENT
શનિવારે પંજાબે પાંચ વિકેટે ૧૯૧ રન બનાવ્યા બાદ કલકત્તાને ડકવર્થ/લુઇસ મેથડ લાગુ થયા બાદ ૭ રનથી હરાવ્યું હતું, જ્યારે રાજસ્થાને રવિવારે હૈદરાબાદને ૨૦૩ રન બનાવ્યા બાદ ૭૨ રનથી હરાવ્યું હતું. ગયા વર્ષની ૧૨ એપ્રિલે વાનખેડેમાં પંજાબ-રાજસ્થાન વચ્ચે જે તોતિંગ ટોટલવાળો મુકાબલો થયો હતો એનું આજે ગુવાહાટીમાં પુનરાવર્તન થઈ શકે. વાનખેડેની એ મૅચમાં પંજાબે ૬ વિકેટે ૨૨૧ રન બનાવ્યા બાદ રાજસ્થાને કૅપ્ટન સંજુ સૅમસનના ધમાકેદાર ૧૧૯ રનની મદદથી ૭ વિકેટે ૨૧૭ રન બનાવ્યા હતા અને ફક્ત ૪ રનથી પરાજય જોવો પડ્યો હતો.
રબાડાને બટલર મોંઘો પડ્યો છે
રાજસ્થાનના સંજુ સૅમસન પાસે ફુલ સ્ટ્રેન્ગ્થમાં ટીમ છે, પરંતુ પંજાબના શિખર ધવને લિઆમ લિવિંગસ્ટન વિના રમવું પડશે. જોકે સાઉથ આફ્રિકન ફાસ્ટ બોલર કૅગિસો રબાડા આવી ગયો હોવાથી તે પંજાબને આજે રાજસ્થાનની ટક્કર ઝીલવામાં ઘણો મદદરૂપ થશે. રાજસ્થાનના જૉસ બટલરને રબાડા કાબૂમાં રાખી શકે એમ નથી, કારણ કે અગાઉની ૧૧ ઇનિંગ્સમાં બટલરને રબાડા એક જ વખત આઉટ કરી શક્યો છે અને રબાડાના ૫૬ બૉલમાં ૯૬ રન બટલરે બનાવ્યા છે. જોકે પંજાબનો અર્શદીપ સિંહ કદાચ બટલરને કન્ટ્રોલમાં રાખી શકશે. અર્શદીપના ૨૦ બૉલમાં બટલર ફક્ત ૨૧ રન બનાવી શક્યો છે.
રાજસ્થાનને એકમાત્ર ઑબેડ મૅકોયની ખોટ વર્તાશે, કારણ કે તે હજી ઈજામાંથી બહાર નથી આવ્યો.