દિનેશ કાર્તિક આખી સીઝનમાં કુલ ૧૪૦ રન જ બનાવી શક્યો હતો અને ચાર-ચાર વાર તો એ ખાતું પણ ખોલી નહોતો શક્યો.
ફૅફ ડુ પ્લેસી
દર વર્ષની જેમ આ વર્ષે પણ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર ટીમના ડાઈ-હાર્ડ ચાહકોને ટીમ ચૅમ્પિયન બનશે એવી અપેક્ષા હતી, પણ રવિવારે ગુજરાત સામે પરાજય સાથે ફરી તેમનાં દિલ તૂટી ગયાં હતાં.
બૅન્ગલોર ટીમના આ સીઝનનો શાનદાર પર્ફોર્મન્સ તેમના ટૉપ થ્રી બૅટરો ફૅફ ડુ પ્લેસી (૭૩૦), વિરાટ કોહલી (૬૩૯) અને ગ્લૅન મૅક્સવેલ (૪૦૦ રન)ને જ આભારી હતો. રવિવારે વિરાટે ૧૦૧ની શાનદાર ઇનિંગ્સ સાથે જમાવટ કરી, પણ પ્લેસી ૨૮ અને મૅક્સવેલ ૧૧ રન સાથે વધુ ન ટકી શક્યા અને ટીમને બહાર થવું પડ્યુ. બૅન્ગલોરને આખી સીઝનમાં તેના મિડલ-ઑર્ડર બૅટરોની નિષ્ફળતા નડતી રહી અને રવિવારે હાર બાદ કૅપ્ટન ફૅફ ડુ પ્લેસીસે પણ ટીમની વિદાય માટે મુખ્યત્વે એને જ કારણભૂત ગણાવ્યા હતા. ટીમ વતી મૅક્સવેલના થર્ડ હાઇએસ્ટ ૪૦૦ બાદ કોઈએ ૧૫૦ રન પણ નથી બનાવ્યા. મૅક્સવેલ બાદ ચોથા નંબરે દિનેશ કાર્તિકના ૧૪૦ રન છે. દિનેશ કાર્તિકે ગઈ સીઝનમાં ટીમના સ્કોરને ફાઇનલ ટચ આપ્યો હતો એનો ૧૦ ટકા પણ આ વર્ષે જોવા નહોતો મળ્યો. જો કાર્તિકે કમાલ કરી હોત તો બૅન્ગલોરની સ્થિતિ આજે કંઈક અલગ જ હોત.
ADVERTISEMENT
મૅચ બાદ પ્લેસીએ કહ્યું હતું કે ‘અમે ખૂબ જ નિરાશ થયા છીએ. અમે આજે ખૂબ જ મજબૂત ટીમ મેદાનમાં ઉતારી હતી. વિરાટ એક યાદગાર ઇનિંગ્સ રમ્યો હતો, પણ અમને સીઝનમાં જે નડ્યું એ મિડલ ઑર્ડર નિષ્ફળતા આજે પણ નડી ગઈ. દિનેશ કાર્તિકે ગઈ સીઝનમાં શાનદાર ફૉર્મ બતાવ્યું હતું અને બધી રીતે ઉપયોગી થયો હતો, પણ આ વર્ષે એવું જોવા ન મળ્યું. ઉપરાંત સેકન્ડ ઇનિંગ્સ વખતે આઉટ ફીલ્ડ ખૂબ જ ભીની હતી અને બૉલ પર ગ્રીપ મેળવવી મુશ્કેલ બની રહી હતી. એ જ કારણોસર વારંવાર બૉલ પણ બદલવો પડતો હતો. જોકે શુભમન ગિલ અદ્ભુત રમ્યો હતો અને એકલા હાથે અમારી પાસેથી મૅચ ઝૂંટવી લીધી હતી.
રવિવારે બૅન્ગલોર ટીમ પ્લે-ઑફમાં પ્રવેશ કરે એ માટે ઉત્સાહ વધારવા ચાહકો મોટા પ્રમાણમાં ઊમટી પડ્યા હતા. અમુક ચાહકો તેમના પેટ ડૉગને પણ સાથે લઈ આવ્યા હતા.
કોહલી-પ્લેસીની જોડી દમદાર
વિરાટ કોહલી અને ફૅડ ડુ પ્લેસી આ સીઝનમાં કુલ ૯૩૯ રન બનાવીને એક જ સીઝનમાં સૌથી વધુ રનની પાર્ટનરશિપના રેકૉર્ડની બરોબરી કરી લીધી છે. આ પહેલાં આ રેકૉર્ડ કોહલી અને એબી ડિવિલયર્સના નામે હતો. ૨૦૧૬માં બન્નેએ આટલા જ ૯૩૯ રન બનાવ્યા હતા. આ ઉપરાંત આ સીઝનમાં બન્નેએ આઠમી વાર ૫૦ પ્લસની પાર્ટનરશિપ સાથે નવો રેકૉર્ડ પણ રચી દીધો હતો. સાતવાર ૫૦ પ્લસની પાર્ટનરશિપનો રેકૉર્ડ કોહલી અને ડિવિલિયર્સના નામે હતો, જે તેમણે ૨૦૧૬માં કર્યો હતો.
કિંગ ઍન્ડ પ્રિન્સેસ ઇન વાનખેડે
રવિવારે વાનખેડેમાં શાનદાર જીત બાદ મેદાનમાં મુંબઈના કૅપ્ટન રોહિત શર્મા સાથે તેની પ્રિન્સેસ ડૉટર સમાઇરા પણ જોવા મળી હતી. આ ફોટો ચાહકોને ખૂબ ગમ્યો હતો અને સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ પણ થયો હતો. એક ચાહકે કમેન્ટ પણ કરી હતી કે ‘કિંગ ઍન્ડ પ્રિન્સેસ ઇન વાનખેડે’. તસવીર : iplt20.com
લાસ્ટ ડે, બેસ્ટ ડે, એક દિવસમાં ત્રણ સેન્ચુરી
આ ૧૬મી સીઝનના લીગ રાઉન્ડનો છેલ્લો દિવસ ભારે યાદગાર બની રહ્યો હતો. ડુ ઑર ડાય સમાન આ દિવસે એક નહીં, બે નહીં પણ ત્રણ-ત્રણ સેન્ચુરી જોવા મળી હતી. આવું પહેલાં ક્યારે જોવા નહોતું મળ્યું. રવિવારે પહેલી મૅચમાં મુંબઈ વતી કૅમરુન ગ્રીને અને રાતે બૅન્ગલોર વતી વિરાટ કોહલીએ અને છેલ્લે ગુજરાત વતી શુભમન ગિલે સેન્ચુરી ફટકારી હતી.
આ સીઝનમાં કુલ ૯ બૅટરો દ્વારા ૧૧ સેન્ચુરી જોવા મળી હતી.
દિનેશ કાર્તિક આખી સીઝનમાં કુલ ૧૪૦ રન જ બનાવી શક્યો હતો અને ચાર-ચાર વાર તો એ ખાતું પણ ખોલી નહોતો શક્યો. રવિવારે પણ પહેલાં જ બૉલે આઉટ થઈ ગયો હતો. આઇપીએલમાં એ ૧૭મી વાર ખાતું ખોલાવી નહોતો શક્યો અને નવો શૂન્ય-વીર બની ગયો હતો. તેણે રોહિત શર્મા (૧૬ વાર)ને પાછળ રાખી દીધો હતો.

