મૅક્સવેલે પચીસ બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી અને કુલ ૩૩ બૉલમાં ૪ સિક્સર અને ૮ ફોર સાથે ૬૮ રન બનાવ્યા હતા
ગ્લેન મૅક્સવેલ
બીજી એપ્રિલે બૅન્ગલોરમાં મુંબઈએ આપેલો ૧૭૨ રનનો ટાર્ગેટ મોટા ભાગે કોહલી (૮૨ અણનમ) અને ડુ પ્લેસી (૭૩)ની ૧૪૮ રનની ઓપનિંગ ભાગીદારીથી મેળવી લેવાયો હતો અને મૅક્સવેલના ભાગે ફક્ત ૩ બૉલ આવ્યા હતા. એમાં તેણે બે સિક્સરની મદદથી અણનમ ૧૨ રન બનાવ્યા હતા, પરંતુ મુંબઈ સામે મોટી ઇનિંગ્સ રમવાની તેની ઇચ્છા અધૂરી રહી ગઈ હતી જે તેણે ગઈ કાલે વાનખેડેમાં પૂરી કરી હતી. તેણે પચીસ બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી અને કુલ ૩૩ બૉલમાં ૪ સિક્સર અને ૮ ફોર સાથે ૬૮ રન બનાવ્યા હતા. જૉર્ડનના એક બૉલમાં તેણે રિવર્સ શૉટમાં ડીપ થર્ડમૅન પરથી ફટકારેલી સિક્સર અજોડ હતી. આ સીઝનમાં મૅક્સવેલની આ પાંચમી હાફ સેન્ચુરી હતી. તેની અને ડુ પ્લેસી વચ્ચે ૬૨ બૉલમાં ૧૨૦ની પાર્ટનરશશિપ થઈ હતી. ડુ પ્લેસીએ ૪૧ બૉલમાં ૩ સિક્સર અને ૫ ફોર સાથે ૬૫ રન બનાવ્યા હતા.
બૅન્ગલોરે ગઈ કાલે બૅટિંગ મળ્યા પછી ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૯૯ રન બનાવ્યા હતા.
ADVERTISEMENT
જૉર્ડનનું સિક્સરથી સ્વાગત
મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં ઇંગ્લૅન્ડના ઈજાગ્રસ્ત જોફ્રા આર્ચરને બદલે રમવા આવેલા ઇંગ્લૅન્ડના જ ક્રિસ જૉર્ડનનું ગઈ કાલે તેના પહેલા જ બૉલમાં સિક્સરથી સ્વાગત થયું હતું. પાંચમી આઇપીએલ ટીમમાં રમી રહેલા જૉર્ડનના પ્રથમ બૉલમાં છગ્ગો લાગ્યો હતો. એ ઓવરમાં એક નહીં બે સિક્સર ફટકારાઈ હતી. આર્ચર આ સીઝનમાં પહેલી મૅચ બૅન્ગલોર સામે રમ્યો હતો અને તેની પ્રથમ ઓવરમાં કોહલીએ તેની ખબર લઈ નાખી હતી. તેની ૪ ઓવરમાં ૩૩ રન બન્યા હતા અને બૅન્ગલોર જીતી ગયું હતું.
વઢેરાના હાથે મળેલું જીવતદાન ૧૨૦ રન મોંઘું પડ્યું
મુંબઈના વઢેરાએ બેહરન્ડોર્ફની મૅચની પહેલી જ ઓવરમાં ડુ પ્લેસીનો મિડવિકેટ પર કૅચ છોડ્યો ત્યારથી માંડીને ૧૩મી ઓવર જે બેહરન્ડોર્ફની જ હતી એમાં મૅક્સવેલનો સીધો કૅચ તો પકડ્યો, પણ મૅક્સવેલ અને પ્લેસી વચ્ચેની ૧૨૦ રનની ભાગીદારી મુંબઈને નડી હતી. ડુ પ્લેસી એ જીવતદાન પછી ૬૫ રન બનાવી ગયો હતો.

