દિલ્હીની ઇનિંગ્સ દરમ્યાન સિરાજની ઉશ્કેરણીથી સૉલ્ટ એકાગ્રતા ગુમાવીને વિકેટ વહેલી ગુમાવવાને બદલે મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમવા પ્રેરાયો હતો.
IPL 2023
સિરાજે ઉશ્કેર્યા પછી સૉલ્ટે જિતાડ્યા
આઇપીએલની ૧૬મી સીઝનમાં મોટા ભાગે સાવ તળિયે રહેલી દિલ્હી કૅપિટલ્સની ટીમને શનિવારે દિલ્હીના મુકાબલામાં ૧૦મા નંબર પરથી ૯મા સ્થાને લાવવામાં ઇંગ્લૅન્ડના વિકેટકીપર-બૅટર ફિલ સૉલ્ટ (૮૭ રન, ૪૫ બૉલ, છ સિક્સર, આઠ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું જ, હરીફ ટીમ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરના આક્રમક પેસ બોલર મોહમ્મદ સિરાજ (૨-૦-૨૮-૦)નું દિલ્હીની આ જીતમાં આડકતરી રીતે મોટું યોગદાન હતું. દિલ્હીની ઇનિંગ્સ દરમ્યાન સિરાજની ઉશ્કેરણીથી સૉલ્ટ એકાગ્રતા ગુમાવીને વિકેટ વહેલી ગુમાવવાને બદલે મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમવા પ્રેરાયો હતો.
દિલ્હીની પાંચમી ઓવર બૅન્ગલોરના સિરાજે કરી હતી જેના પહેલા ત્રણ બૉલમાં સૉલ્ટે ૬, ૬, ૪ની મદદથી કુલ ૧૬ રન ખડકી દીધા હતા. ચોથો બૉલ વાઇડ હતો જેને પગલે સિરાજની વૉર્નર અને સૉલ્ટ સાથે બોલાચાલી થઈ હતી. સિરાજને કૅપ્ટન ડુ પ્લેસી દૂર લઈ ગયો હતો અને મામલો ઠંડો પાડ્યો હતો. ત્યાર પછીના ત્રણ બૉલમાં ફક્ત બે રન બન્યા હતા, પરંતુ એ ઓવરમાં કુલ ૧૯ રન બન્યા પછી સિરાજને બાકીની બે ઓવર નહોતી આપવામાં આવી.
એ ઓવરમાં એક તબક્કે સિરાજે સૉલ્ટને બાઉન્સર ફેંક્યા બાદ પૅવિલિયન તરફ આંગળી બતાવતાં જે વિવાદ થયો હતો એ વિશે સૉલ્ટે મૅચ પછી કહ્યું કે હું મારી ઇનિંગ્સથી બેહદ સંતુષ્ટ છું. હરીફ ટીમના બેસ્ટ બોલરની જ્યારે ખબર લઈ નાખવામાં આવે અને તેની સાથેનો જંગ જીતી જઈએ એટલે ડગ-આઉટમાં શાંતિ છવાઈ જાય છે અને ત્યારે સાથીઓ વધુ આત્મવિશ્વાસથી રમવા માંડે છે. આપણે જોયું કે મિચલ માર્શે પોતાના બીજા જ બૉલમાં સિક્સર ફટકારી અને રિલી રોસોઉએ ક્રીઝ પર આવતાં જ એવી રીતે રમવાનું શરૂ કર્યું જાણે તે ઑલરેડી ૩૦ બૉલ રમી ચૂક્યો હોય.’