બૅન્ગલોરના ફીલ્ડિંગ અને કૅચિંગમાં પણ ઘણો સુધારો જરૂરી છે જે ખુદ કોહલીએ જ કહ્યું છે.
IPL 2023
વિરાટ કોહલી ફાઇલ તસવીર
રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરની ટીમે આ સીઝનમાં મોટા ભાગની મૅચોમાં વિરાટ કોહલી, ફૅફ ડુ પ્લેસી અને ગ્લેન મૅક્સવેલની બૅટિંગ પર મદાર રાખ્યો છે અને એટલે જ પૉઇન્ટ્સ-ટેબલમાં એ પાંચમા સ્થાનની આસપાસ રહી છે. માત્ર આ ત્રણ બૅટર્સ પર જ ભરોસો ન રાખી શકાય અને બીજું, બૅન્ગલોરના ફીલ્ડિંગ અને કૅચિંગમાં પણ ઘણો સુધારો જરૂરી છે જે ખુદ કોહલીએ જ કહ્યું છે. આજે બૅન્ગલોરે આઠમાંથી પાંચ મૅચ જીતનાર લખનઉ સુપર જાયન્ટ્સનો મુકાબલો કરવાનો છે એટલે ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ જરૂરી બનશે.
બૅન્ગલોરના ખાસ કરીને મહિપાલ લોમરોર, શાહબાઝ અહમદ અને દિનેશ કાર્તિકે સારું રમવું જ પડશે. ડુ પ્લેસી મુખ્ય કૅપ્ટન છે, પણ ફુલ ફિટનેસ ફરી હાંસલ ન કરે ત્યાં સુધી તે ‘ઇમ્પૅક્ટ પ્લેયર’ તરીકે જ રમશે તેના પર તેમ જ બોલિંગમાં મોહમ્મદ સિરાજ પર તથા હર્ષલ પટેલ પર સૌથી વધુ બોજ છે. જોકે બોલિંગમાં વેઇન પાર્નેલ, વૈશાક, હસરંગા અને ડેવિડ વિલી પણ વિજય અપાવી શકે.
ADVERTISEMENT
માયર્સ, પૂરનથી સાવધાન
ગઈ કાલે ચેન્નઈ સામે માંડ-માંડ જીતનાર પંજાબને લખનઉએ શુક્રવારે ૫૬ રનના તોતિંગ માર્જિનથી હરાવ્યું હતું એટલે કે. એલ. રાહુલની ટીમ બુલંદ જોશમાં ઘરઆંગણે આજે બૅન્ગલોર સામે રમવા આવી છે. બૅન્ગલોરના બોલર્સે આજે લખનઉના કાઇલ માયર્સ, આયુષ બદોની, નિકોલસ પૂરન અને માર્કસ સ્ટોઇનિસથી ખાસ ચેતવું પડશે.
લખનઉના ૯ બોલર્સે કરી બોલિંગ
શુક્રવારે લખનઉએ ૨૫૭ રન બનાવ્યા ત્યાર બાદ પંજાબને ટાર્ગેટની નજીક પણ ન પહોંચવા દેવા રાહુલે નવ બોલર્સને કામે લગાડ્યા હતા અને લખનઉને જીત અપાવી હતી. પંજાબ વતી અથર્વ ટૈડે સૌથી વધુ ૬૬ રન બનાવ્યા હતા. લખનઉના એ દિવસના ૯ બોલર્સમાં સ્ટોઇનિસ, માયર્સ, બદોની, નવીન-ઉલ-હક, અવેશ, અમિત મિશ્રા, બિશ્નોઈ, યશ ઠાકુર અને કૃણાલનો સમાવેશ હતો.