આજે પંજાબના ગઢ મોહાલીમાં જંગ : રાહુલે ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરી અહીં જ ફટકારેલી!
IPL 2023
કે એલ રાહુલ ફાઇલ તસવીર
પંજાબ કિંગ્સના ગઢ મોહાલીમાં આજે લખનઉ સુપર કિંગ્સની ટીમ સ્વાભાવિક રીતે જીતવાના આશયથી જ મેદાન પર ઊતરશે, પણ એ ઉપરાંત ટીમને ઇન્તેજાર એ હશે કે તેમના કૅપ્ટન કે. એલ. રાહુલનો સ્ટ્રાઇક-રેટ સુધરશે કે નહીં! રાહુલનો આ સીઝનમાં માત્ર ૧૧૩.૯૧નો સ્ટ્રાઇક-રેટ છે. જોકે મોહાલીનો એક અત્યંત રસપ્રદ ઇતિહાસ રાહુલની ફેવરમાં છે. તેના દોસ્તો અને ચાહકો તેને યાદ અપાવતા હશે કે તે ૨૦૧૮માં પંજાબની ટીમમાં હતો ત્યારે તેણે દિલ્હી સામે આઇપીએલની ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરી (૫૧ રન, ૧૬ બૉલ, ચાર સિક્સર, છ ફોર) મોહાલીમાં જ ફટકારી હતી. બીજું, રાહુલે એ પણ યાદ રાખવું પડશે કે બે અઠવાડિયાં પહેલાં લખનઉમાં તેની ટીમ પંજાબ સામેની લીગ મૅચ છેલ્લી ઓવરમાં હારી ગઈ હતી, પરંતુ તેણે એમાં ૭૪ રનનું જે યોગદાન લખનઉની ટીમને આપ્યું હતું એવું જ અથવા એના કરતાં પણ સારું તેણે આજે મોહાલીમાં પર્ફોર્મ કરવાનું છે.
બીજી તરફ, પંજાબની ટીમ કૅપ્ટન શિખર ધવન અને કૅગિસો રબાડાના કમબૅકથી વધુ સ્ટ્રૉન્ગ બની છે. જોકે ધવનને કાબૂમાં રાખી શકે એ માટે અમિત મિશ્રા તૈયાર જ છે. તેણે પાંચમાંથી ત્રણ મુકાબલામાં ધવનને આઉટ કર્યો છે. લખનઉ માટે એક બૅડ ન્યુઝ એ છે કે તેમનો ફાસ્ટ બોલર ૧૫મી એપ્રિલે રમ્યા પછી બીમાર હોવાથી આજે કદાચ નહીં રમે.