જૂનમાં ૩૫ વર્ષ પૂરાં કરનાર ચેન્નઈના બૅટરે કલકત્તા સામેની અણનમ ૭૧ રનની ઇનિંગ્સ પછી કહ્યું, ‘ધોનીની કૅપ્ટન્સીમાં રમો એટલે ઘણું નવું શીખવા મળે’
IPL 2023
રવિવારે ઈડનમાં ફુલ ફૉર્મમાં રમી રહેલા ચેન્નઈના અજિંક્ય રહાણેની બૂટની દોરી નીકળી જતાં કલકત્તા નાઇટ રાઇડર્સની ટીમનો વરુણ ચક્રવર્તી તેની મદદે આવ્યો હતો.
કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સે આપેલા ૨૩૬ રનના ટાર્ગેટ સામે કલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ ૮ વિકેટે ૧૮૬ રન સુધી મર્યાદિત રહેતાં ચેન્નઈનો ૪૯ રનથી વિજય થયો હતો અને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મેળવતી વખતે ચેન્નઈના બૅટર અજિંક્ય રહાણે (૭૧ અણનમ, ૨૯ બૉલ, પાંચ સિક્સર, છ ફોર)એ પોતાના ધમાકેદાર પર્ફોર્મન્સ વિશે અને મહેન્દ્ર સિંહ ધોનીની કૅપ્ટન્સીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ‘મેં આ સીઝનમાં પ્રત્યેક ઇનિંગ્સ એન્જૉય કરી છે. મને લાગે છે કે મારો બેસ્ટ પર્ફોર્મન્સ હજી હવે જોવા મળશે. એમએસની કૅપ્ટન્સીમાં રમવાથી ઘણું શીખવા મળે. ભારત વતી માહીભાઈના સુકાનમાં મને ઘણી મૅચો રમવાનું ગૌરવ મળ્યું છે અને હવે પહેલી વાર સીએસકે વતી રમી રહ્યો છું. મને સીએસકેએ મેળવ્યો ત્યારે હું ખૂબ ખુશ થઈ ગયો હતો. તે જે કંઈ કહે એ ધ્યાનથી સાંભળવાનું મન થાય અને એમાંથી ઘણું શીખવા મળે જે મેદાન પર ખૂબ કામ લાગે.’
રહાણે પર ધોની આફરીન
ADVERTISEMENT
એમએસ ધોનીએ રહાણેના અણનમ ૭૧ રનની બેમિસાલ ઇનિંગ્સનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ‘સીએસકે ટીમની થિન્ક-ટૅન્ક રહાણેની ક્ષમતાને બરાબર સમજી શકી અને તેને તેની રીતે રમવાની છૂટ આપી એટલે જ તેનો આ સુંદર પર્ફોર્મન્સ જોવા મળ્યો. કોઈ પણ ખેલાડીની તાકાત ભલે ગમે એમાં હોય, તેણે પૉઝિટિવ અપ્રોચ રાખીને અને ગેમને એન્જૉય કરતાં-કરતાં રમવું જોઈએ.’
સીઝનના હાઇએસ્ટ હવે ચેન્નઈના
ચેન્નઈનો ૨૩૫/૪નો સ્કોર આ સીઝનનો નવો હાઇએસ્ટ સ્કોર છે. ચેન્નઈએ હૈદરાબાદનો (૨૨૮/૪) કલકત્તા સામેનો વિક્રમ તોડ્યો છે. ચેન્નઈના તોતિંગ સ્કોરમાં રહાણે ઉપરાંત ટૉપ-ઑર્ડરમાં ઓપનર ડેવોન કૉન્વે (૫૬ રન, ૪૦ બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર)નું પણ મોટું યોગદાન હતું. કૉન્વેની ઓપનર ઋતુરાજ ગાયકવાડ (૩૫ રન, ૨૦ બૉલ, ત્રણ સિક્સર, બે ફોર) સાથે ૭૩ રનની ભાગીદારી થઈ હતી, પરંતુ રહાણે સાથે ૩૬ રનની સાધારણ પાર્ટનરશિપ થઈ ત્યારે કૉન્વેએ વરુણ ચક્રવર્તીના બૉલમાં વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ રહાણે અને શિવમ દુબે (૫૦ રન, ૨૧ બૉલ, પાંચ સિક્સર, બે ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે ૮૫ રનની ભાગીદારી થઈ હતી જે કલકત્તાને સૌથી વધુ ભારે પડી હતી. રહાણેએ રવીન્દ્ર જાડેજા (૧૮ રન, ૮ બૉલ, બે સિક્સર) સાથે ચોથી વિકેટ માટે ૩૮ રનની ભાગીદારી કરી હતી. આમ મિડલમાં આધારસ્તંભ બની ગયેલા રહાણેની ત્રણ મહત્ત્વની ભાગીદારીથી જ ચેન્નઈની ટીમ સીઝનના નવા ટૉપ સ્કોર સુધી પહોંચી શકી હતી. કલકત્તાના બોલર્સમાં લેફ્ટ-આર્મ પેસ બોલર કુલવંત ખેજરોલિયાએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી.
રૉય, રિન્કુના ફિફ્ટી પાણીમાં
કલકત્તાની ટીમે ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૮૬ રન બનાવ્યા હતા. એણે પહેલા એક રનમાં જ બે વિકેટ (સુનીલ નારાયણ અને એન. જગદીશનની) ગુમાવી હતી અને ત્યાર પછી પણ ખાસ કોઈ મોટી પાર્ટનરશિપ નહોતી થઈ જે કલકત્તાની ટીમને ભારે પડ્યું હતું. જેસન રૉય (૬૧ રન, ૨૬ બૉલ, પાંચ સિક્સર, પાંચ ફોર) અને રિન્કુ સિંહ (૫૩ અણનમ, ૩૩ બૉલ, ચાર સિક્સર, ત્રણ સિક્સર)ની હાફ સેન્ચુરીએ થોડી આશા જગાડી હતી, પણ આન્દ્રે રસેલ (૯ રન) અને ડેવિડ વીસ (૧ રન) ફ્લૉપ જતાં છેવટે રૉય-રિન્કુના પર્ફોર્મન્સિસ પાણીમાં ગયા હતા. ચેન્નઈના તુષાર દેશપાંડે અને મહીશ થીકશાનાએ બે-બે તેમ જ આકાશ સિંહ, મોઇન, જાડેજા અને પથીરાણાએ એક-એક વિકેટ લીધી હતી. જોકે તેમણે કલકત્તાના બૅટર્સને કાબૂમાં રાખવામાં મોટી ભૂમિકા ભજવી હતી.
સીએસકેએની ટીમ આ મૅચ જીતીને પૉઇન્ટ્સ-ટેબલમાં રાજસ્થાનના સ્થાને મોખરે આવી ગઈ હતી.
ઈડનમાં હજારો પ્રેક્ષકો મને ફેરવેલ આપવાના હેતુથી યલો ડ્રેસમાં આવ્યા હતા. આ સપોર્ટ બદલ એ બધાનો હું આભારી છું. આ બધા પ્રેક્ષકો હવે પછીની કલકત્તાની મૅચમાં કેકેઆરની ટીમ-જર્સીમાં આવશે. - મહેન્દ્ર સિંહ ધોની
રવિવારે ઈડનમાં ફુલ ફૉર્મમાં રમી રહેલા ચેન્નઈના અજિંક્ય રહાણેની બૂટની દોરી નીકળી જતાં કલકત્તા નાઇટ રાઇડર્સની ટીમનો વરુણ ચક્રવર્તી તેની મદદે આવ્યો હતો.
7
અજિંક્ય રહાણે આઇપીએલમાં છેક આટલાં વર્ષ બાદ ફરી મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. તે કુલ ૧૨ અવૉર્ડ જીત્યો છે.
અજિંક્ય રહાણેને જૂનમાં ‘બર્થ-ડે ગિફ્ટ’ મળશે?
અજિંક્ય રહાણે છેલ્લે સવા વર્ષ પહેલાં ટેસ્ટ-મૅચ રમ્યો હતો. વન-ડેમાં તેને પાંચ વર્ષથી અને ટી૨૦ ઇન્ટરનૅશનલમાં સાત વર્ષથી નથી રમવા મળ્યું. જોકે આઇપીએલ પછી ૭ જૂને લંડનના ઓવલમાં ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટના વર્લ્ડ કપની જે ફાઇનલ રમાવાની છે એમાં રહાણેને રમવાનો મોકો મળશે કે નહીં એની ક્રિકેટપ્રેમીઓમાં ચર્ચા છે. ૮૨ ટેસ્ટમાં ૩૮.૫૨ની સરેરાશે કુલ ૪૯૩૧ રન બનાવનાર રહાણેને ઓવલની ફાઇનલમાં રમવા મળશે તો તેને માટે એ બર્થ-ડેની ગિફ્ટ ગણાશે, કારણ કે મૅચના આરંભના આગલા દિવસે (૬ જૂને) રહાણે ૩૫ વર્ષ પૂરાં કરીને ૩૬મા વર્ષમાં પ્રવેશશે.