પંજાબના ફાસ્ટ બોલરે શનિવારે છેલ્લી કાતિલ ઓવરમાં યૉર્કરમાં તિલક અને વઢેરાનો મિડલ સ્ટમ્પ તોડી નાખ્યો હતો : એક એલઈડી સ્ટમ્પ અંદાજે ૨૫ લાખ રૂપિયાનો મળે છે
IPL 2023
અર્શદીપ સિંહ
શનિવારે પંજાબ કિંગ્સે આપેલો ૨૧૫ રનનો લક્ષ્યાંક મેળવવાની દિશામાં આગળ વધી રહેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમે ૨૦મી ઓવરની શરૂઆત વખતે વિજયની ઘણી આશા રાખી હતી, કારણ કે ત્યારે એનો સ્કોર ૧૯૯/૪ હતો અને જીતવા બાકીના માત્ર ૧૬ રન બનાવવાના હતા. ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ (૪-૦-૨૯-૪)ની એ ઓવરના પહેલા બે બૉલમાં એક રન બન્યા બાદ મુંબઈની ટીમનું પતન શરૂ થઈ ગયું હતું. અર્શદીપે ત્રીજા બૉલમાં તિલક વર્મા (૩ રન, ૪ બૉલ)નો યૉર્કરમાં મિડલ સ્ટમ્પ ઊખેડી તોડી નાખ્યો હતો. ચોથા બૉલમાં અર્શદીપે બેહરનડૉર્ફના સ્થાને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે બોલાવવામાં આવેલા નેહલ વઢેરા (૦, એક બૉલ)નો પણ એવા જ યૉર્કરમાં મિડલ સ્ટમ્પ ઊખેડી નાખ્યો હતો.
ADVERTISEMENT
અર્શદીપના બે ક્લીન બોલ્ડને લીધે અંદાજે ૫૦ લાખ રૂપિયાનું નુકસાન થયું એમ કહી શકાય, કારણ કે એલઈડીવાળા સ્ટમ્પ્સનો એક સેટ ૨૫-૩૦ લાખ રૂપિયાનો બનતો હોય છે. કહેવાય છે કે બે સ્ટમ્પ તૂટતાં જેટલા સ્ટમ્પ સ્ટૅન્ડ-બાય તરીકે રાખવામાં આવ્યા હતા એ પણ તૈયાર રાખવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : સચિનમય વાનખેડેમાં ‘તેન્ડુલકર’નો ફ્લૉપ શો
શિખર ધવન ખભાની ઈજાને કારણે શનિવારે પણ નહોતો રમ્યો અને પંજાબના ૨૧૪/૮ના સ્કોરમાં કૅપ્ટન સૅમ કરૅન (પંચાવન રન, ૨૯ બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર)ની જ હાફ સેન્ચુરી હતી. હરપ્રીત સિંહે બે સિક્સર, ચાર ફોરની મદદથી ૪૧ રન બનાવ્યા હતા અને અથર્વ ટૈડના ૨૯ રન હતા. તેના સહિત બીજો કોઈ બૅટર ૩૦ રન સુધી પણ નહોતો પહોંચી શક્યો. મુંબઈ વતી કૅમેરન ગ્રીન અને પીયૂષ ચાવલાએ બે-બે વિકેટ લીધી હતી.
મુંબઈના ૨૦૧/૬ના સ્કોરમાં કૅમેરન ગ્રીન (૬૭ રન, ૪૩ બૉલ, ત્રણ સિક્સર, છ ફોર), સૂર્યકુમાર યાદવ (૫૭ રન, ૨૬ બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર), રોહિત શર્મા (૪૪ રન, ૨૭ બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) અને ટિમ ડેવિડ (પચીસ અણનમ, ૧૩ બૉલ, બે સિક્સર)નાં મહત્ત્વનાં યોગદાનો હતાં. પંજાબ વતી લિવિંગસ્ટન અને નૅથન એલિસે એક-એક વિકેટ લીધી હતી. ટિમ ડેવિડે અર્શદીપની ૨૦મી કાતિલ ઓવરના પ્રથમ બૉલમાં એક રન દોડીને તિલકને ક્રીઝ પર લાવવાની ભૂલ કરી એ જ મુંબઈને ભારે પડી એમ કહેવું ખોટું નહીં કહેવાય.