ચેન્નઈએ ૨૦ લાખમાં ખરીદેલા ફાસ્ટ બોલરનો બૉલ વિરાટના પગ અને બૂટને વાગીને સ્ટમ્પ્સમાં ગયો
IPL 2023
વિરાટ કોહલીને આવેશભર્યા સેલિબ્રેશન બદલ ૧૦ ટકા મૅચ ફીનો દંડ થયો છે. સોમવારે તેણે ચેન્નઈના ઋતુરાજ ગાયકવાડ પછી શિવમ દુબેની વિકેટ વખતે અગ્રેસિવ મૂડમાં સેલિબ્રેશન કર્યું હતું.
સોમવારે બૅન્ગલોરમાં બૅન્ગલોર સામે ચેન્નઈએ ૨૨૬/૬ના સ્કોર સાથે ઇનિંગ્સ પૂરી કરી કે તરત જ કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ બૅટર અંબાતી રાયુડુના સ્થાને ૨૦ વર્ષના લેફ્ટ-આર્મ મિડિયમ ફાસ્ટ બોલર આકાશ સિંહને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે ઇલેવનમાં સમાવ્યો અને ધોનીએ તેને ટ્રમ્પ કાર્ડ બનાવીને પહેલી જ ઓવર આપી હતી, જેમાં ચોથા જ બૉલમાં આકાશે વિરાટ કોહલી (૬ રન, ૪ બૉલ, એક ફોર)ને ક્લીન બોલ્ડ કરી દીધો હતો. કોહલીની કમનસીબી હતી કે આકાશનો બૉલ તેના આગળના પગને વાગ્યા બાદ બૅટના પાછલા ભાગને અડ્યા બાદ સીધો સ્ટમ્પ્સમાં ગયો હતો અને એ સાથે જ આકાશ સિંહે ઊંચો કૂદકો માર્યો હતો. તે સામાન્ય રીતે કલાકે ૧૪૫ કિલોમીટરની ઝડપે બૉલ ફેંકે છે.
આકાશ મહારાજ સિંહ મૂળ રાજસ્થાન રાજ્યનો છે. ઑક્શનમાં આકાશને એક પણ ટીમને નહોતો ખરીદ્યો, પરંતુ મુકેશ ચૌધરીને ઈજા થતાં ચેન્નઈના ફ્રૅન્ચાઇઝીએ આકાશને ૨૦ લાખમાં મેળવી લીધો હતો. આકાશને ડોમેસ્ટિક ક્રિકેટમાં ૨૦૨૨-’૨૩ની સીઝનમાં રાજસ્થાન વતી રમવાનો મોકો ન મળતાં તે નાગાલૅન્ડ જતો રહ્યો હતો. તેણે સૈયદ મુશ્તાક અલી ટી૨૦ ટ્રોફીમાં પાંચ વિકેટ, રણજી ટ્રોફીમાં ૧૦ વિકેટ અને ડોમેસ્ટિક વન-ડે ટુર્નામેન્ટમાં ૧૪ વિકેટ લીધી હતી. ૨૦૨૦ની અન્ડર-૧૯ વર્લ્ડ કપની ફાઇનલમાં તે રમ્યો હતો. ૨૦૧૭માં આકાશે રાજસ્થાનની એક સ્થાનિક ટી૨૦ મૅચમાં ૪ મેઇડન ઓવરમાં તમામ ૧૦ વિકેટ લીધી હતી. ત્યાર બાદ રાજસ્થાનની અન્ડર-૧૬ અને અન્ડર-૧૯ ટીમમાં સ્થાન મેળવનાર આકાશને ૨૦૨૧માં ઝટકો લાગ્યો હતો. તેના કોચ વિવેકનું કોરોનાને કારણે મૃત્યુ થયું હતું. જોકે આકાશે ત્યાર બાદ કેટલાક સ્થાનિક ક્રિકેટર્સની મદદથી ડોમેસ્ટિક ક્રિકેટમાં કમબૅક કર્યું હતું.
ADVERTISEMENT
કોહલી સસ્તામાં આઉટ, બૅન્ગલોર પરાજિત
વિરાટ કોહલી આઇપીએલની આ સીઝનમાં શરૂઆતથી બહુ સારા ફૉર્મમાં છે. તેના કુલ ૨૨૦ રન તમામ બૅટર્સમાં છઠ્ઠા નંબરે અને બૅન્ગલોરની ટીમમાં કૅપ્ટન ડુ પ્લેસી (૨૫૯) પછી બીજા ક્રમે છે. સોમવારે કોહલી પાછલી ચાર મૅચમાંથી ત્રણમાં હાફ સેન્ચુરી (૮૨*, ૨૧, ૬૧, ૫૦) ફટકારીને ઘરઆંગણે ચેન્નઈ સામે બૅટિંગ કરવા મેદાન પર ઊતર્યો હતો. તેના હજારો ચાહકોને તેની પાસે ઘણી અપેક્ષા હતી, પણ કોહલીએ પહેલી જ ઓવરમાં ચાલતી પકડવી પડી હતી. તેની વહેલી વિકેટની બૅન્ગલોરની બૅટિંગ પર વિપરીત અસર થઈ હતી.
ડુ પ્લેસી-મૅક્સના જબરદસ્ત ફાઇટબૅક
૨૨૭ રનનો ટાર્ગેટ મળ્યા પછી બૅન્ગલોરે કોહલી અને મહિપાલ લૉમરોરની વિકેટ માત્ર ૧૫ રનમાં ગુમાવી હતી, પણ ડુ પ્લેસી (૬૨ રન, ૩૩ બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર) અને ગ્લેન મૅક્સવેલ (૭૬ રન, ૩૬ બૉલ, આઠ સિક્સર, ત્રણ ફોર) વચ્ચેની ત્રીજી વિકેટ માટેની ૧૨૬ રનની ભાગીદારીએ બૅન્ગલોરની ટીમ માટે ઘણી આશા જગાડી હતી. જોકે ૧૩મી ઓવરમાં ૧૪૧ રનના સ્કોર પર મૅક્સવેલની વિકેટ પડતાં મૅચમાં ટર્ન આવી ગયો હતો, પછીથી કોઈ મોટી ભાગીદારી નહોતી બની અને છેવટે ૨૧૮/૮ના સ્કોર પર બૅન્ગલોરની ઇનિંગ્સ પૂરી થતાં ચેન્નઈનો ૮ રનથી વિજય થયો હતો. ચેન્નઈના તુષાર દેશપાંડેએ ત્રણ, મથીશા પથીરાણાએ બે અને આકાશ સિંહ, થીકશાના, મોઇન અલીએ એક-એક વિકેટ લીધી હતી. જાડેજાને ૩૭ રનમાં વિકેટ નહોતી મળી.
ચેન્નઈની પાંચ મૅચમાં આ ત્રીજી જીત હતી, જ્યારે બૅન્ગલોરની પાંચ મૅચમાં ત્રીજી હાર હતી.
કૉન્વે મૅન ઑફ ધ મૅચ
ચેન્નઈ વતી ૪૫ બૉલમાં છ સિક્સર, છ ફોર સાથે ૮૩ રન બનાવ્યા હતા જે મૅચ-વિનિંગ નીવડ્યા હતા. તેને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
કોહલીને ઘા ભેગા બે ઘસરકા
કોહલી સોમવારે ફક્ત ૬ રન બનાવીને આઉટ થઈ ગયો ત્યાર પછી બૅન્ગલોરની ટીમ જરાક માટે હારી જતાં તે નિરાશ થયો હતો અને ગઈ કાલે મળેલા સમાચાર મુજબ ચેન્નઈના શિવમ દુબેની વિકેટના સેલિબ્રેશનમાં અતિરેકભરી આક્રમકતા બતાવવા બદલ તેને ૧૦ ટકા મૅચ ફીનો દંડ ફટકારાયો હતો.
કોહલીને ગાંગુલીએ ફૉલો કરવાનું બંધ કર્યું
દોઢ વર્ષથી કોહલી અને સૌરવ ગાંગુલી વચ્ચે ખટરાગ ચાલે છે. દિલ્હી સામે બૅન્ગલોરે જે મૅચ જીતી એમાં એક કૅચ પકડ્યા પછી ડગઆઉટમાં બેઠેલા ગાંગુલી સામે ખુન્નસથી જોયું ત્યાર પછી મૅચ બાદ ગાંગુલીએ તેની સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું. ત્યાર બાદ ઇન્સ્ટાગ્રામ પર કોહલીએ ગાંગુલીને ફૉલો કરવાનું બંધ
કર્યું, ત્યાર પછી ગઈ કાલે ગાંગુલીએ કોહલીને ફૉલો કરવાનું સ્ટૉપ કરી દીધું હોવાનો અહેવાલ મળ્યો હતો.
વિરાટ કોહલી સોમવારે પોતાની જ ભૂલને લીધે પહેલી જ ઓવરમાં ક્લીન બોલ્ડ થયો ત્યારે એક સ્ટૅન્ડમાં બેઠેલી તેની પત્ની અનુષ્કા સ્તબ્ધ થઈ ગઈ હતી. બીજી તરફ, કોહલીને આઉટ કરનાર આકાશ સિંહે સેલિબ્રેશનમાં ઊંચી છલાંગ મારી હતી.