રાજસ્થાનના પરિવારે અમદાવાદની મૅચ ભરપૂર માણી
IPL 2023
રાજસ્થાનથી હાર્દિક પંડ્યાને રમતો જોવા અને તેની ટીમને સપોર્ટ કરવા આવેલા તેના લિટલ ફૅન્સ અથર્વ અને તેની મોટી બહેન વંશી દ્વિવેદી.
અમદાવાદમાં ગઈ કાલે રમાયેલી ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચેની મૅચમાં રાજસ્થાનના બાંસવાડાના એક ગામમાંથી હાર્દિકના લિટલ ફૅન્સ મૅચ જોવા આવ્યા હતા, જેમાં આશ્ચર્યની વાત એ હતી કે પિતા સાથે છેક રાજસ્થાનથી મૅચ જોવા આવેલાં બાળકો ગુજરાત ટાઇટન્સના, જ્યારે તેમના ફાધર રાજસ્થાન રૉયલ્સના ફૅન્સ હતા. હાર્દિક પંડ્યા સિક્સર મારે છે એ જોવા તેના નાનકડા ફૅન્સ રાજસ્થાનથી આવ્યા હતા. હાર્દિકે ૨૮ રનની ઇનિંગ્સમાં એક સિક્સર અને ત્રણ ફોર ફટકારી હતી.
રાજસ્થાન સામે ગુજરાતે બૅટિંગ મળ્યા પછી ૭ વિકેટે ૧૭૭ રન બનાવ્યા હતા, જેમાં મિલર (૪૬ રન, ૩૦ બૉલ, બે સિક્સર, ત્રણ ફોર), ગિલ (૪૫ રન, ૩૪ બૉલ, એક સિક્સર, ચાર ફોર), અભિનવ મનોહર (૨૭ રન, ૧૩ બૉલ, ત્રણ સિક્સર)નાં મહત્ત્વનાં યોગદાનો હતાં.
ADVERTISEMENT
રાજસ્થાનના બાંસવાડાના ગડીપ્રતાપપુરા ગામથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મૅચ જોવા આવેલો ૧૦ વર્ષનો અથર્વ દ્વિવેદી અને ૧૪ વર્ષની તેની મોટી બહેન વંશીએ ‘મિડ ડે’ને કહ્યું કે ‘અમને તો હાર્દિક પંડ્યા ગમે છે. તે જે સ્ટાઇલમાં સિક્સર મારે છે એ જોવા અમે ખાસ આવ્યાં છીએ. મારા ફાધર ભલે રાજસ્થાન રૉયલ્સને સપોર્ટ કરે, પણ અમને તો હાર્દિક પસંદ છે.’
આ બાળકોના ફાધર ભુપેશ દ્વિવેદીએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રૉયલ્સનો મુકાબલો વિશાળ સ્ટેડિયમમાં બેસીને જોવાની મજા જુદી જ હોય છે.’