મુંબઈ કે દિલ્હીને આજે કોણ અપાવશે પ્રથમ બે પૉઇન્ટ?
IPL 2023
મુંબઈ ઇન્ડિયન્સના કૅમેરન ગ્રીને કહ્યું છે કે હેડ-કોચ માર્ક બાઉચર ઇચ્છે એક્રમે બૅટિંગ કરવાનું મને ગમશે.
આઇપીએલનાં સૌથી વધુ પાંચ ટાઇટલ જીતનાર મુંબઈ ઇન્ડિયન્સની ટીમ હોય કે એક પણ ટ્રોફીથી વંચિત રહેલી દિલ્હી કૅપિટલ્સની ટીમ હોય, એ બેમાંથી એકેય ટીમ આ વખતની સીઝનમાં હજી સુધી એક મૅચ પણ નથી જીતી, પરંતુ હવે આજે બન્ને એકમેકની સામે આવી ગઈ છે એટલે (કોઈ અણધાર્યા કારણસર મૅચ ન રમાય તો વાત અલગ છે) બેમાંથી એક ટીમની જીત પાકી છે. જોકે મુંબઈ કે દિલ્હીમાંથી કોને એનો કયો ખેલાડી આજે જીત અપાવશે એ સાંજે ૭.૩૦ વાગ્યે મુકાબલો શરૂ થયા બાદના ત્રણ-સાડાત્રણ કલાકમાં સ્પષ્ટ થઈ જશે.
મુંબઈ અને દિલ્હી બન્ને ટીમે પોતાના કેટલાક ખેલાડીઓની ઈજા અને અંગત કારણોને લીધે આ સીઝનમાં શરૂઆતથી ઝઝૂમવું પડ્યું છે. બન્ને ટીમની બેસ્ટ ઇલેવન (કે પછી કહો કે બેસ્ટ ટ્વેલ્વ) હજી સુધી નથી બની શકી અને તાકીદે ઉકેલ પણ દેખાતો નથી. ડેવિડ વૉર્નરે બે હાફ સેન્ચુરી ફટકારી છે, પણ તેનો ૧૧૭.૦૩નો સ્ટ્રાઇક-રેટ ટીમ માટે ચિંતાજનક છે. પૃથ્વી શૉ ત્રણ મૅચમાં કુલ ૧૭ બૉલ રમી શક્યો છે.
ADVERTISEMENT
મુંબઈને જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં અસરહીન બોલિંગની સમસ્યા હજી પણ સતાવે છે. જોફ્રા આર્ચર પર વધુ પડતો મદાર રખાયો અને તે કોણીની ઈજાને લીધે ગઈ મૅચમાં નહોતો રમી શક્યો. રોહિતે કહ્યું છે કે ‘સિનિયર્સે સારું રમવાનું શરૂ કરવું જ પડશે અને એની શરૂઆત મારાથી થવી જોઈએ.’ જોકે ટી૨૦ ક્રિકેટમાં રોહિતને (દિલ્હી કૅપિટલ્સનો) અક્ષર પટેલ ખૂબ નડ્યો છે.
મુંબઈ લેફ્ટ-આર્મ પેસ બોલર અર્શદ ખાનને બદલે આજે કદાચ રાઇટ-આર્મ પેસ બોલર સંદીપ વૉરિયરને લેશે અથવા અર્જુન તેન્ડુલકરને મોકો મળી શકે. દિલ્હીને હજી પણ ખલીલ અહમદની ઈજા સતાવે છે અને ઑલરાઉન્ડર મિચલ માર્શ લગ્ન કરવા ગયો છે અને હજી થોડા દિવસ નથી રમવાનો.
100
વર્ષ ૨૦૨૨ની શરૂઆત બાદ જે ચાર પ્લેયર્સે કુલ આટલી કે એનાથી વધુ સિક્સર ફટકારી છે એ ચારેય (ટિમ ડેવિડ, રિલી રોસોઉ, રૉવમૅન પૉવેલ, સૂર્યકુમાર યાદવ) આજે રમવાના છે.
24
આઇપીએલમાં રોહિતની છેલ્લી હાફ સેન્ચુરી આટલી ઇનિંગ્સ પહેલાં હતી.