અમદાવાદમાં ઐતિહાસિક વિજય અને પાંચમી ટ્રોફી મેળવ્યા પછી માહીએ આપી ઇમોશનલ સ્પીચ : ‘કૅપ્ટન કૂલ’ કેમ હમણાં રિટાયર નહીં થાય?
IPL 2023
ધોની સોમવારે તેના પહેલા જ બૉલમાં કૅચ આપી બેઠો હતો. જોકે પછીથી સીએસકેએ ટ્રોફી જીતી લેતાં તેની આ કચાશ ઢંકાઈ ગઈ હતી.
‘કૅપ્ટન કૂલ’ તરીકે જગવિખ્યાત મહેન્દ્ર સિંહ ધોનીએ સોમવારે અમદાવાદમાં ઐતિહાસિક ફાઇનલ અને મુંબઈ ઇન્ડિયન્સના વિક્રમની બરાબરી કરીને આઇપીએલની પાંચમી ટ્રોફી મેળવતી વખતે ઇમોશનલ સ્પીચ આપી હતી. તેણે કહ્યું કે ‘આ ઐતિહાસિક અવસર મારી દૃષ્ટિએ રિટાયરમેન્ટ જાહેર કરી દેવા માટે સર્વશ્રેષ્ઠ સમય છે. થૅન્ક યુ કહીને નિવૃત્ત થઈ જવું અત્યારે મારા માટે ખૂબ જ સહેલું છે, જ્યારે હવે પછીના ૯ મહિના હાર્ડ વર્ક કરીને આઇપીએલની વધુ એક સીઝન માટે રમવા પ્રયત્નશીલ રહેવું કઠિન તો છે, પરંતુ સીએસકેના ફૅન્સ તરફથી મને જે પ્રેમ મળી રહ્યો છે એ જોતાં વધુ એક સીઝન રમવી મારા તરફથી તેમના માટેની ગિફ્ટ કહેવાશે. તેમણે જે રીતે પ્રેમ અને સ્નેહ બતાડ્યા એ મને લાગે છે કે તેમના માટે મારે કંઈક કરવું જોઈએ. જોકે શરીરનો સાથ પણ જરૂરી છે. મારી કરીઅરનો આ છેલ્લો હિસ્સો અહીંથી (અમદાવાદમાંથી) જ શરૂ થયો હતો અને ફુલ-હાઉસમાં બેઠેલા પ્રેક્ષકો મોટે-મોટેથી મારું નામ બોલતા હતા. મારી આંખ હર્ષનાં આસુંથી છલકાઈ ગઈ હતી. ડગઆઉટમાં હું બેઠો ત્યારે એટલો બધો ભાવુક થઈ ગયો કે એમાંથી બહાર આવતાં મને ઘણો સમય લાગ્યો હતો. ચેન્નઈમાં પણ મને એવું જ દૃશ્ય જોવા મળ્યું હતું.
જોકે મેં એ ક્ષણોને એન્જૉય કરવાનું નક્કી કરી લીધું હતું. મારી ટીમ વિશે કહું તો પ્રેશરવાળી મૅચમાં ખેલાડીઓને વ્યક્તિગત રીતે તેમની ક્ષમતા અને કાબેલિયત પ્રમાણે તૈયાર રાખવા પડે. અજિંક્ય (રહાણે) અનુભવી છે, પણ જો કોઈ યુવા ખેલાડી કન્ફ્યુઝ્ડ હતો તો હું તેની પાસે બેસીને તેની સમસ્યા ઉકેલતો હતો. આઇપીએલની મૅચ ખૂબ પડકારરૂપ હોય છે. આ મૅચમાં અમારી બોલિંગ બહુ કારગત ન નીવડી, પરંતુ બૅટિંગમાં અમારા બધાના માથેથી બોજ દૂર થઈ ગયો હતો. (નિવૃત્ત થઈ રહેલા) અંબાતી રાયુડુ વિશે કહું તો તે મેદાન પર હંમેશાં ૧૦૦ ટકા ક્ષમતાથી પર્ફોર્મ કરતો હતો. અમે ઇન્ડિયા ‘એ’ વતી સાથે રમ્યા હતા. તે સ્પિન અને ફાસ્ટ બન્ને પ્રકારના બોલર સામે સારું રમી શક્તો હતો. હું હંમેશાં વિચારતો હતો કે તે કંઈક તો સ્પેશ્યલ કરશે જ (સોમવારે રાયુડુએ ૮ બૉલમાં બે સિક્સર, એક ફોર સાથે ૧૯ રનનું ઉપયોગી યોગદાન આપ્યું હતું). તે મારા જેવો જ છે. તે પણ ફોન બહુ નથી વાપરતો.’
ADVERTISEMENT
માહી હમણાં રિટાયર નહીં થાય એ માટેનાં કેટલાંક કારણોમાંનું એક કારણ તેણે જ બતાડ્યું હતું. ચાહકોનો પ્રેમ તેની દૃષ્ટિએ સૌથી મોટું કારણ છે. બીજું, કેટલીક કંપનીઓ સાથેના તેના એન્ડોર્સમેન્ટ કૉન્ટ્રૅક્ટ પૂરા થવામાં હજી થોડો સમય બાકી હશે એટલે તે હમણાંથી નિવૃત્તિ જાહેર કરે તો એ કૉન્ટ્રૅક્ટ્સને ઊલટી અસર થાય એટલે તેણે રિટાયરમેન્ટ મુલતવી રાખ્યું હોઈ શકે. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી તે નિવૃત્તિ લઈ ચૂક્યો છે અને હવે આઇપીએલમાંથી પણ પ્લેયર તરીકે રિટાયર થઈ જાય તો માત્ર કોચ કે મેન્ટર બનીની રહી જાય એટલે તેણે હમણાં રિટાયરમેન્ટ જાહેર નહીં કરવાનું વિચાર્યું હશે.