માયર્સ, બદોની, સ્ટૉઇનિસ, પૂરનની ફટકાબાજીથી એલએસજીના ૨૫૭/૫ ઃ આરસીબીનો ૨૬૩/૫નો સ્કોર આઇપીએલમાં સર્વોચ્ચ છે
અર્શદીપે લખનઉને વિક્રમથી વંચિત રાખ્યું
મોહાલીમાં ગઈ કાલે પંજાબે બૅટિંગ આપ્યા પછી લખનઉના બૅટર્સે રનોત્સવ ઊજવ્યો હતો. કૅપ્ટન રાહુલ (૧૨ રન) ફરી ફૉર્મમાં ન આવી શક્યો, પણ કાઇલ માયર્સ (૫૪ રન, ૨૪ બૉલ, ચાર સિક્સર, સાત ફોર), આયુષ બદોની (૪૩ રન, ૨૪ બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર), માર્કસ સ્ટૉઇનિસ (૭૨ રન, ૪૦ બૉલ, પાંચ સિક્સર, છ ફોર), વિકેટકીપર નિકોલસ પૂરને (૪૫ રન, ૧૯ બૉલ, એક સિક્સર, સાત ફોર) ધમાલ મચાવી દીધી હતી. તેમની આ ફટકાબાજીને લીધે લખનઉની ટીમે ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૨૫૭ રન બનાવ્યા હતા. જોકે તેઓ આઇપીએલના ઇતિહાસમાં બૅન્ગલોરનો ૨૬૩/૫નો જે હાઇએસ્ટ સ્કોર છે એનાથી છ ડગલાં દૂર રહી ગયા હતા. બૅન્ગલોરે રનનું એ રમખાણ ૨૦૧૩માં પુણે વૉરિયર્સ સામે મચાવ્યું હતું, જેમાં ક્રિસ ગેઇલે ૧૭ સિક્સર, ૧૩ ફોરની મદદથી ૬૬ બૉલમાં અણનમ ૧૭૫ રન બનાવ્યા હતા.
ગઈ કાલે લખનઉનો સ્કોર ૧૯ ઓવરને અંતે ૨૪૫/૪ હતો અને ૨૬૩ રનના હાઇએસ્ટ સ્કોર સુધી પહોંચવા ૧૮ રન બનાવવાના હતા. પંજાબના અર્શદીપ સિંહે એ ઓવરમાં પૂરનની વિકેટ લીધી હતી અને એ ઓવરમાં માત્ર ૧૨ રન બની શક્યા હતા. અર્શદીપે હૂડા (૧૧ અણનમ) અને કૃણાલ પંડ્યા (૫ અણનમ)ને રેકૉર્ડ સુધી ન પહોંચવા દીધા અને લખનઉનો સ્કોર (૨૫૭/૫) સેકન્ડ હાઇએસ્ટ તરીકે લખાયો હતો. પંજાબના સાત બોલર્સમાં રબાડાને બે વિકેટ મળી હતી, જ્યારે અર્શદીપને સૌથી વધુ ૫૪ રનના ખર્ચે એક વિકેટ મળી હતી. પંજાબની ટીમ શરૂઆતથી જ ૨૫૮ રનના ટાર્ગેટના બોજ નીચે દબાઈ ગયું હતું.