સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટર માર્ક બાઉચર મુંબઈ ઇન્ડિયન્સનો નવો હેડ-કોચ છે અને તેના કોચિંગમાં પહેલી વાર આઉટડોર સેશન યોજાયું હતું;
IPL 2023
મુંબઈમાં ગઈ કાલે મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓએ (ડાબે) નવા હેડ-કોચ માર્ક બાઉચર અને બોલિંગ-કોચ શેન બૉન્ડના કોચિંગમાં પ્રૅક્ટિસ શરૂ કરી હતી.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં સૌથી વધુ પાંચ વખત ચૅમ્પિયન બનેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમના ખેલાડીઓએ ૨૦૨૩ની નવી સીઝન માટે ગઈ કાલે નવી મુંબઈના ઘણસોલી વિસ્તારમાં પ્રૅક્ટિસ શરૂ કરી હતી. સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટર માર્ક બાઉચર મુંબઈ ઇન્ડિયન્સનો નવો હેડ-કોચ છે અને તેના કોચિંગમાં પહેલી વાર આઉટડોર સેશન યોજાયું હતું; જેમાં પીયૂષ ચાવલા, અર્જુન તેન્ડુલકર, તિલક વર્મા, રિતિક શોકીન, કુમાર કાર્તિકેય, મોહમ્મદ અર્શદ ખાન, રમણદીપ સિંહ, નેહલ વાઢેરા, રાઘવ ગોયલ, વિષ્ણુ વિનોદ, આકાશ મધવાલ અને શમ્સ મુલાનીએ તાલીમ લીધી હતી. બે વિદેશી ખેલાડીઓ ડેવાલ્ડ બ્રેવિસ અને ડુઆન યેન્સેન પણ આ કૅમ્પમાં હતા.
બાઉચર ૨૦૧૨માં છેલ્લી ઇન્ટરનૅશનલ મૅચ રમ્યા હતા. તેમણે ૪૬૭ ઇન્ટરનૅશનલ મૅચમાં કુલ ૧૦,૩૦૦થી વધુ રન બનાવ્યા હતા અને વિકેટની પાછળથી ૯૫૦થી વધુ કૅચ પકડ્યા હતા તેમ જ ૪૬ સ્ટમ્પિંગ કર્યાં હતાં.
ADVERTISEMENT
ન્યુ ઝીલૅન્ડનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શેન બૉન્ડ મુંબઈ ઇન્ડિયન્સનો બોલિંગ-કોચ અને જેમ્સ પામેન્ટ ફીલ્ડિંગ-કોચ છે. ભૂતપૂર્વ ખેલાડી કીરોન પોલાર્ડ ટીમનો બૅટિંગ-કોચ છે, જે થોડા દિવસમાં મુંબઈ આવશે. આઇપીએલનો આરંભ ૩૧ માર્ચે થશે, પરંતુ મુંબઈ ઇન્ડિયન્સની પ્રથમ મૅચ બીજી એપ્રિલે બૅન્ગલોરમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર સામે રમાશે.