બૅટિંગ-લેજન્ડના મતે મુંબઈના કૅપ્ટને ટેસ્ટની ફાઇનલ માટે ફિટ અને ફ્રેશ તો રહેવું જ પડશે
રોહિત શર્મા સાત મૅચમાં માત્ર ૧૮૧ રન બનાવી શક્યો છે. તસવીર iplt20.com
૨૮ મેએ આઇપીએલની ફાઇનલ રમાશે અને ત્યાર બાદ માત્ર ૯ દિવસ પછી (૭ જૂને) લંડનના ઓવલમાં ભારતની ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ શરૂ થશે જેના માટે આઇપીએલમાં રમી રહેલા ભારતની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી) ફાઇનલ માટેની ટેસ્ટ ટીમના પ્રત્યેક ખેલાડીએ ફિટ ઍન્ડ ફ્રેશ રહેવું પડશે. પી. ટી. આઇ.ના અહેવાલ મુજબ ભારતના બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકરે સ્ટાર સ્પોર્ટ્સને ત્યાં સુધી કહ્યું છે કે ‘ભારતની ટેસ્ટ ટીમના કૅપ્ટન રોહિત શર્માએ આઇપીએલની વર્તમાન સીઝનમાંથી નાનો બ્રેક લેવો જોઈએ કે જેથી તે ડબ્લ્યુટીસીની ફાઇનલ માટે પોતાને ફ્રેશ રાખી શકે. તે ઇચ્છે તો આઇપીએલમાં છેલ્લી ત્રણ-ચાર મૅચ માટે કમબૅક કરી શકે કે જેથી ટેસ્ટની ફાઇનલ માટેનું તેનું રિધમ પણ જળવાય.’
રોહિતની ૭ મૅચમાં એક હાફ સેન્ચુરી
ADVERTISEMENT
મુંબઈ ઇન્ડિયન્સની સાત મૅચ રમાઈ છે અને હજી બીજી સાત લીગ મૅચ બાકી છે. પ્લે-ઑફ અને ફાઇનલ મળીને એની બીજી સંભવિત ત્રણ મૅચ ઉમેરીએ તો મુંબઈની હજી કુલ ૧૦ મૅચ બાકી કહી શકાય. સાત મૅચમાં રોહિતે એકમાત્ર હાફ સેન્ચુરીની મદદથી કુલ ૧૮૧ રન બનાવ્યા છે જે સાધારણ પર્ફોર્મન્સ કહેવાય. સનીએ કહ્યું કે ‘મને લાગે છે કે રોહિત અત્યારથી જ કંઈક પ્લાન બનાવી રહ્યો છે. કદાચ તે ડબ્લ્યુટીસીની ફાઇનલ વિશે વિચારી રહ્યો હોય એવું લાગે છે.’
ચમત્કાર જ મુંબઈને ઉગારશે : સની
મુંબઈ ઇન્ડિયન્સની ટીમ અત્યારે સાતમા નંબર પર છે. સુનીલ ગાવસકરના મતે રોહિતની મુંબઈ ઇન્ડિયન્સ ટીમ પ્લે-ઑફમાં પહોંચશે તો એ ચમત્કાર કહેવાશે. સનીએ ક્હ્યું કે ‘મુંબઈની ટીમ અત્યારે જે સ્થિતિમાં છે એ જોતાં મને લાગે છે કે એ ચોથા નંબર પર રહી જશે. જોકે બૅટિંગ અને બોલિંગ બન્નેમાં અસાધારણ પર્ફોર્મ કરશે તો પ્લે-ઑફમાં પહોંચી શકે એમ છે.’