રોહિતની ટીમ છેલ્લી ત્રણેય મૅચ જીતી છે ઃ પંજાબ છેલ્લી ચારમાંથી ત્રણ મૅચ હાર્યું છે અને ધવન મોટા ભાગે આજે પણ નહીં રમે
વાનખેડે ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ
વાનખેડે ચેઝિંગ ગ્રાઉન્ડ તરીકે જાણીતું છે. ૨૦૨૧ની શરૂઆત બાદ અહીં ૩૨ ડે/નાઇટ ટી૨૦માંથી બાવીસ મૅચમાં સેકન્ડ બૅટિંગ કરનાર ટીમે વિજય મેળવ્યો છે. બીજું, આઇપીએલની આ સીઝનમાં અહીં સ્પિનર્સ વધુ સફળ રહ્યા છે. તેમની ૧૩ વિકેટ અને ૭.૬૪ના ઇકૉનૉમી રેટ સામે પેસ બોલર્સની ૯ વિકેટ તથા ૧૦.૧૭નો ઇકૉનૉમી રેટ છે.
આજે વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે સાંજે ૭.૩૦ વાગ્યા પછી મુકાબલો છે. મુંબઈની ટીમ લાગલગાટ ત્રણ મૅચ જીતીને આજે રમવા ઊતરવાની હોવાથી રોહિત ઍન્ડ કંપનીનો જુસ્સો બુલંદ હશે, પરંતુ પંજાબ કિંગ્સના ખેલાડીઓ છેલ્લી ૪માંથી ૩ મૅચ હાર્યા હોવાથી આજે તેઓ પાંચ ટાઇટલ જીતી ચૂકેલી મુંબઈની ટીમ સામે જીતવા માટે જરૂરી એક પણ તક જતી નહીં કરે. તેમના ફીલ્ડિંગ-કોચ ટ્રેવર ગોન્સાલ્વિઝે ગુરુવારે કહ્યું કે ધવનને ખભાની ઈજામાંથી પૂર્ણપણે મુક્ત થતાં હજી બે-ત્રણ દિવસ લાગશે. એ જોતાં આજે સૅમ કરૅને કદાચ ફરી સુકાન સંભાળવું પડશે અને કૅપ્ટન્સી સંભાળવાની સાથે ૧૮.૫૦ કરોડ રૂપિયાવાળા આ સૌથી મોંઘા ખેલાડીએ ઑલરાઉન્ડ પર્ફોર્મ પણ કરી દેખાડવું પડશે.