તેણે મુંબઈના કૅમેરન ગ્રીનનો જે કૅચ પકડ્યો એ પણ અદ્ભુત હતો.
News In Short
રવીન્દ્ર જાડેજા ફાઇલ તસવીર
કૅપ્ટનની જેમ જાડેજા પણ નીડર છે : ગાવસકર
શનિવારે વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સને જિતાડવામાં મોટી ભૂમિકા ભજવનાર રવીન્દ્ર જાડેજા (૨૦ રનમાં ત્રણ વિકેટ) વિશે ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સુનીલ ગાવસકરે કહ્યું કે ‘જાડેજા તેના કૅપ્ટન ધોનીની જેમ તદ્દન નીડર છે. જાડેજાનાં વખાણ કરીએ એટલાં ઓછાં છે. તેણે મુંબઈના કૅમેરન ગ્રીનનો જે કૅચ પકડ્યો એ પણ અદ્ભુત હતો. તેણે અસંભવને સંભવ બનાવ્યું.’ હરભજન સિંહે સ્ટાર સ્પોર્ટ્સ પરની પૅનલ-ચર્ચામાં જાડેજાને સુપરહીરો તરીકે ઓળખાવ્યો હતો.
ADVERTISEMENT
૧૨ વર્ષના તેન્ડોલકરે ચેસસ્પર્ધાના ટૉપ-સીડેડ સામેની મૅચ ડ્રૉ કરાવી
મુંબઈના ૧૨ વર્ષની ઉંમરના ચેસ વન્ડરબૉય ઈશાન તેન્ડોલકરે ગઈ કાલે કુલ ત્રણ લાખ રૂપિયાના ઇનામવાળી ઑલ ઇન્ડિયા ફિડે રેટિંગ ચેસ ટુર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં સ્પર્ધાના ટૉપ-સીડેડ ઇન્ટરનૅશનલ માસ્ટર વિક્રમાદિત્ય કુલકર્ણીને ગેમ ડ્રૉમાં લઈ જવાની ફરજ પાડી હતી. વિક્રમાદિત્યે કાળાં મહોરાંથી રમી રહેલા ઈશાનને હરાવવા પોતાનો બધો અનુભવ કામે લગાડ્યો હતો, પરંતુ ઈશાને પરાજય સ્વીકારવાને બદલે ૯૬મી ચાલ પછી વિક્રમાદિત્યે ગેમને ડ્રૉમાં લઈ જવા મજબૂર કર્યો હતો.
બૅડ્મિન્ટન સ્પર્ધામાં રાજાવતનો રાજા-વટઃ ચૅમ્પિયન બની ગયો
મધ્ય પ્રદેશના ૨૧ વર્ષના બૅડ્મિન્ટન ખેલાડી પ્રિયાંશુ રાજાવતે ફ્રાન્સના ઑર્લિયન્સ શહેરની બૅડ્મિન્ટન માસ્ટર્સ સ્પર્ધાની ફાઇનલમાં ડેન્માર્કના મૅગ્નસ યોહાનસેનને હરાવી પહેલી વાર બીડબ્લ્યુએફ વર્લ્ડ ટૂર સુપર ૩૦૦ ટાઇટલ જીતી લીધું હતું. રાજાવતે વિશ્વના ૪૯મા ક્રમના મૅગ્નસને ૬૮ મિનિટમાં ૨૧-૧૫, ૧૯-૨૧, ૨૧-૧૬થી હરાવી દીધો હતો અને કરીઅરનું પોતાનું સૌથી મોટું ટાઇટલ જીતી લીધું હતું.