મુંબઈ ગઈ સીઝનને ભૂલીને છઠ્ઠી વાર ચૅમ્પિયન બનવા મક્કમ
IPL 2023
મુંબઈમાં ગઈ કાલે પત્રકાર-પરિષદ દરમ્યાન મુંબઈ ઇન્ડિયન્સનો કૅપ્ટન રોહિત શર્મા અને હેડ-કોચ માર્ક બાઉચર. તસવીર શાદાબ ખાન
પાંચ વખતનું ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ ગઈ સીઝનમાં આશ્ચર્યજનક રીતે સૌથી છેલ્લા ૧૦મા નંબરે રહ્યું હતું. જોકે આવતી કાલથી શરૂ થતી ૧૬મી સીઝનમાં મુંબઈ શાનદાર કમબૅક કરીને ફરી પોતાનો પાવર બતાવશે એવી ટીમ મૅનેજમેન્ટ અને ચાહકો અપેક્ષા રાખી રહ્યા છે. બીજું, હાલમાં પૂરી થયેલી વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)માં મુંબઈ ઇન્ડિયન્સની મહિલા ટીમે શાનદાર પર્ફોર્મન્સ સાથે ચૅમ્પિયન બનીને કમાલ કરી હોવાથી રોહિત ઍન્ડ કંપની પાસેથી પણ હવે એવા જ પર્ફોર્મન્સની આશા રખાઈ રહી છે. જોકે આ બધી અપેક્ષાઓનો ભાર લઈને કૅપ્ટન રોહિત શર્મા મેદાનમાં ઊતરવા નથી માગતો. તે કહે છે કે ‘ટુર્નામેન્ટ કોઈ પણ હોય, અપેક્ષાઓનો ભાર તો રહેવાનો જ છે, પણ હું એના પર જરાય ધ્યાન નથી આપતો. વર્ષોથી રમી રહ્યો છું એટલે હવે એની કોઈ અસર મને નથી થતી. લોકો શું ઇચ્છે છે એની હું જરાય ચિંતા નથી કરતો. જો અમે એની ચિંતા કર્યા કરીશું તો અમારા પર વધારાનું પ્રેશર આવી જશે. અમે જાણીએ છીએ કે અમારે બેસ્ટ પર્ફોર્મ કરવાનું છે અને ટ્રોફી જીતવાની છે.’
મુંબઈ વતી ડેવાલ્ડ બ્રેવિસ અને તિલક વર્મા બીજી સીઝન રમશે અને ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર કૅમેરન ગ્રીન પહેલી વાર જોડાઈ રહ્યો છે. આ યુવા ખેલાડીઓ વિશે ગઈ કાલે રોહિતે પત્રકારોને કહ્યું કે ‘હું હમણાં આ યુવા ખેલાડીઓ પર કોઈ પ્રેશર નાખવા નથી માગતો. અમારી પહેલી મૅચના એકાદ-બે દિવસ પહેલાં હું એ દરેકને તેમના સ્પેસિફિક રોલ વિશે માહિતગાર કરીશ.’
ADVERTISEMENT
બુમરાહના સ્થાને યુવાઓને તક
મુંબઈ ઇન્ડિયન્સે તેમના સૌથી અસરદાર ખેલાડી જસપ્રીત બુમરાહ વગર મેદાનમાં ઊતરવાનું છે. રોહિતે આ બાબતે કહ્યું કે ‘બુમરાહની ગેરહાજરી મોટી ખોટ છે, પણ એ અન્ય ખેલાડીઓ માટે એક મોટી તક છે. ટીમમાં એકાદ-બે ખેલાડીઓ છે જેઓ છેલ્લાં બે વર્ષથી ટીમ સાથે છે અને હવે તેમની ટૅલન્ટ બતાવવા તૈયાર છે.’
આ પણ વાંચો: બેરસ્ટૉ-પાટીદાર પણ ઈજાગ્રસ્તોમાં જોડાતાં આઇપીએલની ‘ઇન્જર્ડ સ્ક્વૉડ’ તૈયાર!
અર્જુન તેન્ડુલકરને મોકો
અર્જુન તેન્ડુલકર ફરી એક વાર મુંબઈની ટીમમાં છે અને બુમરાહની ગેરહાજરીમાં તેને રમવાનો મોકો મળે તો નવાઈ નહીં. જોકે તેને નજીવી ઈજા પછીના કમબૅકમાં તેની ફિટનેસ કેવી રહેશે એ જોવું પડશે એવું હેડ-કોચ માર્ક બાઉચરે કહ્યું હતું.
વર્કલોડના મુદ્દે રોહિત-બાઉચરના મતભેદ?
આઇપીએલ બાદ ટીમ ઇન્ડિયા જૂનમાં ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ રમવાની હોવાથી દરેક ફ્રૅન્ચાઇઝી સામે ભારતીય સ્ટાર ખેલાડીઓના વર્કલોડને મોનિટર કરવાની કપરી કામગીરી છે. મુંબઈએ પણ જરૂર પડી તો કૅપ્ટન રોહિતને એકાદ-બે મૅચ આરામ આપવો પડી શકે છે. કોચ માર્ક બાઉચરે પણ એ વિશે કહ્યું કે ‘આશા રાખું કે રોહિત ફૉર્મમાં આવે અને આરામ નહીં ઇચ્છે, પણ માગણી કરશે તો અમે તેને એકાદ-બે મૅચમાં આરામ આપીશું.’ જોકે રોહિતની ગેરહાજરીમાં ટીમની કમાન કોણ સંભાળશે એ વિશે ઑફિશ્યલી હજી કોઈ સ્પષ્ટતા નથી થઈ, પણ ચર્ચા પ્રમાણે સૂર્યકુમારને જવાબદારી સોંપી શકાય. બાઉચરે કહ્યું કે ‘ટી૨૦ ક્રિકેટમાં વર્કલોડ વિશે ચર્ચા જ ન થવી જોઈએ.’ રોહિતે ભારતના વ્યસ્ત ક્રિકેટ કૅલેન્ડરને ધ્યાનમાં લેતાં બાઉચરથી ભિન્ન લાગતા મંતવ્યમાં પ્લેયર્સના વર્કલોડની હિમાયત કરતાં કહ્યું, ‘જરૂર લાગશે તો અમુક પ્લેયર્સને આરામ આપીશું. જોઈએ, પરિસ્થિતિ કેવી રહે છે.’