ગુજરાત ટાઇટન્સના કૅપ્ટને કહ્યું કે ‘ચેઝિંગ વખતે મૅચને હું છેલ્લી ઓવર સુધી ખેંચી જવામાં માનતો જ નથી’
મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ બે વિકેટ લેનાર મોહિત શર્મા (જમણે)ને મળ્યો, પરંતુ એ પુરસ્કાર ફાઇટિંગ ૬૭ રન બનાવનાર શુભમન ગિલ (ડાબે)ને મળવો જોઈતો હતો એવું કૉમેન્ટેટર આકાશ ચોપડાનું માનવું છે. પી. ટી. આઇ.
ગુરુવારે મોહાલીમાં પંજાબ કિંગ્સ સામેનો ૧૫૪ રનનો સાધારણ ટાર્ગેટ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સે છેક ૨૦મી ઓવરના પાંચમા બૉલમાં મેળવ્યો એ વિશે ખુદ ગુજરાતનો કૅપ્ટન હાર્દિક પંડ્યા મૂંઝવણમાં છે. તેણે મૅચ પછી કહ્યું કે ‘મૅચ આટલી બધી ક્લોઝ કેવી રીતે થઈ ગઈ એ જ મને નથી સમજાતું. અમારે બધાએ બેસીને કારણ શોધવાં પડશે. અમે જે સારી સ્થિતિમાં હતા ત્યાર પછી મૅચ આટલી બધી રસાકસીવાળી બની ગઈ એ મને જરાય નથી ગમ્યું. આ મૅચમાંથી અમારે ઘણું શીખવા જેવું છે. મને લાગે છે કે મિડલ ઓવર્સમાં અમે થોડાં વધુ જોખમ ઉઠાવી શકીએ. ખરું કહું તો હું ચેઝિંગ વખતે મૅચને છેલ્લી ઓવર સુધી લઈ જવામાં માનતો જ નથી.’
મોહિત મૅન ઑફ ધ મૅચ
ત્રણ વર્ષે આઇપીએલમાં ફરી રમવાની તક મેળવનાર ગુજરાત ટાઇટન્સના ૩૪ વર્ષની ઉંમરના પેસ બોલર મોહિત શર્માએ ૧૮ રનમાં બે વિકેટ લીધી હતી. તેણે જિતેશ શર્મા (૨૫) અને સૅમ કરૅન (૨૨)ની વિકેટ લીધી હતી. તેને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.
પંજાબે ૮ વિકેટે ૧૬૩ રન બનાવ્યા પછી ગુજરાતે ૧૯.૫ ઓવરમાં ચાર વિકેટે ૧૫૪ રન બનાવ્યા હતા, જેમાં ઓપનર્સ શુભમન ગિલ (૬૭ રન, ૪૯ બૉલ, એક સિક્સર, સાત ફોર) અને વૃદ્ધિમાન સહા (૩૦ રન, ૧૯ બૉલ, પાંચ ફોર)નાં સૌથી મોટાં યોગદાનો હતાં. સુદર્શને ૨૦ બૉલમાં ૧૯ રન, ડેવિડ મિલરે ૧૮ બૉલમાં અણનમ ૧૭ રન અને તેવટિયાએ બે બૉલમાં એક ફોર સાથે અણનમ પાંચ રન બનાવ્યા હતા. પંજાબના અર્શદીપ સિંહ, કૅગિસો રબાડા, હરપ્રીત બ્રાર અને સૅમ કરૅને એક-એક વિકેટ લીધી હતી.
અવૉર્ડનો હકદાર ગિલ હતો ઃ આકાશ
ગુજરાત ટાઇટન્સના પેસ બોલર મોહિત શર્માને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો, પણ એ પુરસ્કાર માટે ૬૭ રન બનાવીને જીતનો પાયો નાખનાર શુભમન ગિલ પણ હકદાર હતો. ગિલ મૅચની છેલ્લી ઓવરમાં આઉટ થયો હતો. ભૂતપૂર્વ ભારતીય ઓપનર અને જાણીતા કૉમેન્ટેટર આકાશ ચોપડાએ મૅચ પછી કહ્યું કે ‘મોહાલીની પિચ ફ્લૅટ હોવાની વાતો થતી હતી, પણ એના પર ૨૦૦ રન તો ન જ બન્યા, ૧૫૦ની આસપાસનો ટાર્ગેટ પણ મુશ્કેલીથી મેળવવામાં આવ્યો. મૅચના રિઝલ્ટ પરથી બધાએ જોયું કે આ પિચ પર બૅટર્સ કરતાં બોલર્સને જલસો પડી ગયો હતો. બે ટીમમાં માત્ર એક જ બૅટરે (શુભમન ગિલે) હાફ સેન્ચુરી કરી એ જોતાં તેને જ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળવો જોઈતો હતો.’
ADVERTISEMENT
મૅચ ફિનિશરને શાબાશીઃ પંજાબના સૅમ કરૅનની ૨૦મી ઓવરમાં ગુજરાતે ૭ રન બનાવવાના હતા, મિલરના એક રન પછી બીજા બૉલમાં ગિલ આઉટ થયો, ત્રીજા બૉલમાં તેવટિયાએ એક રન બનાવ્યા પછી ચોથા બૉલમાં મિલરે ફરી એક રન લીધો અને પાંચમા બૉલમાં તેવટિયાએ ચોક્કો ફટકારીને ગુજરાતને જિતાડી
દીધું એટલે મિલર આવીને તેવટિયાને ભેટી પડ્યો હતો.
ગુરુવારે મોહાલીમાં પંજાબ કિંગ્સની કો-ઓનર પ્રીતિ ઝિન્ટા ગુજરાત ટાઇટન્સના રાશિદ ખાનને મળી ત્યારે તેમણે ઘણી વાતો કરી હતી. મોહમ્મદ શમી સાથે પણ ઝિન્ટાએ ખૂબ વાતો કરી હતી. twitter.com/rashidkhan