આઇપીએલમાં નિયમ બદલાયો : કૅપ્ટન બે અલગ ટીમ-શીટ સાથે મેદાન પર ઊતરશે અને ટૉસ પછી ફાઇનલ ઇલેવનનું લિસ્ટ સોંપી શકશે : બીજા ત્રણ નિયમ પણ બની ગયા
IPL 2023
એક ટૉસ, બે ટીમ-લિસ્ટ
આગામી ૩૧ માર્ચે શરૂ થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)થી કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હોવાનું ગઈ કાલે બીસીસીઆઇએ જણાવ્યું હતું. સૌથી મોટો ફેરફાર એ છે કે હવેથી દરેક મૅચમાં બન્ને કૅપ્ટન બે અલગ-અલગ ટીમ-શીટ સાથે મેદાન પર ઊતરશે. અત્યાર સુધી બન્ને કૅપ્ટને ટૉસ થાય એ પહેલાં જ એ મૅચ માટેના પોતાના ૧૧ ખેલાડીઓનાં નામ એકમેકને અને ટૉસ માટે મોજુદ મૅચ-રેફરીને આપી દેવા પડતાં હોય છે, પરંતુ હવે ૨૦૨૩ની આઇપીએલથી નિયમ બદલાયો છે જે મુજબ બન્ને કૅપ્ટન ટૉસ પછી ફાઇનલ-ઇલેવનનું લિસ્ટ આપી શકશે.
આઇપીએલની નવી પ્લેઇંગ કન્ડિશન્સ મુજબ કૅપ્ટનને ટૉસ પછી પ્લેઇંગ-ઇલેવનનું લિસ્ટ આપવાની છૂટ આપવા પાછળનો હેતુ એ છે કે બન્ને કૅપ્ટન ટૉસ થયા પછી પોતાની બૅટિંગ હોય કે બોલિંગ, એ નક્કી થવાને આધારે પોતાની બેસ્ટ-ઇલેવનને મેદાન પર ઉતારી શકશે અને લિસ્ટમાં યોગ્ય ‘ઇમ્પૅક્ટ પ્લેયર’નો પણ સમાવેશ કરી શકશે.
ADVERTISEMENT
‘ટૉસ જીતો, મૅચ જીતો’ હવે નહીં?
અત્યાર સુધી દરેક ટીમે ટૉસ વખતે મૅચ માટેના ૧૧ ખેલાડીઓનાં નામ આપવાની સાથે ચાર સબસ્ટિટ્યૂટનાં નામ આપવા પડે છે અને એમાંથી કોઈ એક ખેલાડીને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમાડી શકે છે. જોકે નવા નિયમને પગલે હવે ‘ટૉસ જીતો, મૅચ જીતો’નું પ્રમાણ કદાચ ઘટી જશે.
એસએ૨૦માં ફેરફાર ફળ્યો હતો
ટૉસ પછી ફાઇનલ-ઇલેવન આપવાની નવી પ્રથા અપનાવનાર આઇપીએલ બીજી લીગ બનશે. તાજેતરમાં સાઉથ આફ્રિકાની એસએ૨૦ નામની ટુર્નામેન્ટમાં આ નિયમ અપનાવવાની પહેલી ઘટના બની હતી. એ ફેરફારનું પરિણામ એ આવ્યું હતું કે એસએ૨૦માં ૩૩ મૅચમાંથી ટૉસ જીતનારી ટીમ ૧૫ મૅચ જીતી હતી અને ૧૬ મૅચ હારી હતી. બે મૅચનાં પરિણામ નહોતાં આવ્યાં.
ભારતીય પ્લેયર્સને શૉર્ટ બ્રેક
ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝ રમનાર ભારતીય ખેલાડીઓને પોતાપોતાના આઇપીએલ ટીમ-કૅમ્પમાં જોડાતાં પહેલાં ત્રણથી ચાર દિવસનો બ્રેક આપવામાં આવશે. દરમ્યાન, શ્રેયસ ઐયર પીઠની સર્જરી કરાવશે એટલે આખી આઇપીએલ ગુમાવશે એમ એક અહેવાલમાં જણાવાયું હતું.
આઇપીએલમાં બીજા કયા ફેરફારો કરાયા?
(૧) નિર્ધારિત સમયમાં ઓવર પૂરી ન કરવામાં આવે તો એવી પ્રત્યેક ઓવરમાં ફીલ્ડિંગ ટીમ (ઓવર-રેટની પેનલ્ટી તરીકે) ૩૦ યાર્ડના સર્કલની બહાર ફક્ત ચાર ફીલ્ડર ઊભા રાખી શકશે.
(૨) વિકેટકીપર જો અવ્યવહારું મૂવમેન્ટ કરશે તો અમ્પાયર ડેડ બૉલ જાહેર કરશે અને બૅટિંગ –સાઇડને પાંચ પેનલ્ટી રન મળશે.
(૩) જો કોઈ ફીલ્ડર અવ્યવહારું મૂવમેન્ટ કરશે તો અમ્પાયર ડેડ બૉલ જાહેર કરશે અને બૅટિંગ –સાઇડને પાંચ પેનલ્ટી રન મળશે.