૧૮.૫૦ કરોડ રૂપિયામાં ખરીદીને સરજ્યો ઇતિહાસ : કૅમેરન ગ્રીનને મુંબઈએ ૧૭.૫૦ કરોડમાં અને બેન સ્ટોક્સને ચેન્નઈએ ૧૬.૨૫ કરોડમાં ખરીદ્યો : ગુરુવાર સુધીનો સૌથી મોંઘો ક્રિસ મૉરિસ પહોંચી ગયો ચોથા નંબર પર : ભારતીયોમાં મયંક ૮.૨૫ કરોડમાં ખરીદાયો
IPL 2023
સૅમ કરૅનને પંજાબે ૧૮.૫૦ કરોડ રૂપિયાના સૌથી ઊંચા ભાવે ખરીદ્યો
ઇંગ્લૅન્ડનો ૨૪ વર્ષનો ઑલરાઉન્ડર સૅમ કરૅન ગઈ કાલે આઇપીએલનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. તેને પંજાબ કિંગ્સે બે કરોડ રૂપિયાની મૂળ કિંમત સામે ૧૮.૫૦ કરોડ રૂપિયામાં મેળવીને પંદર વર્ષ જૂની ક્રિકેટજગતની આ સૌથી લોકપ્રિય લીગમાં નવો વિક્રમ સ્થાપિત કર્યો હતો. ગઈ કાલે બપોરે કોચીમાં મિની ઑક્શન શરૂ થયું ત્યાર બાદ થોડી જ વારમાં સૅમ કરૅને ૧૮.૫૦ કરોડ રૂપિયાના ભાવ સાથે ગુરુવાર સુધીના મોસ્ટ-એક્સપેન્સિવ પ્લેયર સાઉથ આફ્રિકાના ક્રિસ મૉરિસનો ૧૬.૨૫ કરોડ રૂપિયાનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો. પંજાબે સૅમને મેળવવામાં તીવ્ર હરીફાઈ વચ્ચે ચેન્નઈ અને મુંબઈના ફ્રૅન્ચાઇઝીને પાછળ રાખી દીધા હતા અને સૅને સૌથી ઊંચા બિડ સાથે ખરીદવામાં સફળતા મેળવી હતી.
તાજેતરમાં ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં માત્ર ૧૨ રનમાં મોહમ્મદ રિઝવાન, શાન મસૂદ અને મોહમ્મદ નવાઝની વિકેટ લઈને પાકિસ્તાનના પરાજયનું મૂળ કારણ બનનાર સૅમ કરૅને ત્યારે મૅન ઑફ ધ ફાઇનલ અને મૅન ઑફ ધ ટુર્નામેન્ટનો અવૉર્ડ જીતી લીધો ત્યારે જ લાગતું હતું કે આઇપીએલમાં તે સૌથી મોંઘો ખેલાડી બની શકે. ખરેખર એવું જ બન્યું. તેણે ગઈ કાલે મૉરિસને ઝાંખો પાડ્યો ત્યાર બાદ ઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર કૅમેરન ગ્રીને પણ મૉરિસનો વિક્રમ તોડ્યો હતો. તેને મુંબઈ ઇન્ડિયન્સે બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસ સામે ૧૭.૫૦ કરોડ રૂપિયામાં ખરીદીને આઇપીએલના ઇતિહાસનો બીજા નંબરનો સૌથી મોંઘો પ્લેયર બનાવ્યો હતો.
ADVERTISEMENT
ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર બેન સ્ટોક્સે પણ મૉરિસને ઝાંખો પાડી દીધો હતો. તેને ચેન્નઈ સુપર કિંગ્સે બે કરોડ રૂપિયાની મૂળ કિંમત સામે ૧૬.૨૫ કરોડ રૂપિયામાં મેળવીને મૉરિસ જેટલો જ મોંઘો બનાવ્યો હતો.
ઑક્શન પછીના રાઉન્ડમાં વેસ્ટ ઇન્ડીઝના સાધારણ બૅટિંગ પર્ફોર્મન્સ ધરાવતા નિકોલસ પૂરને આશ્ચર્ય ફેલાવ્યું હતું. તેને લખનઉ સુપર જાયન્ટ્સે બે કરોડની બેઝ પ્રાઇસ સામે ૧૬ કરોડ રૂપિયાના તોતિંગ ભાવે મેળવ્યો હતો.
એ પહેલાં થોડા દિવસથી ક્રિકેટજગતમાં ધૂમ મચાવનાર ઇંગ્લૅન્ડના બૅટર હૅરી બ્રુકને સનરાઇઝર્સ હૈદરાબાદે ૧.૫૦ કરોડ રૂપિયાની મૂળ કિંમત સામે ૧૩.૨૫ કરોડ રૂપિયામાં મેળવીને ઑક્શનની
ધમાકેદાર શરૂઆત કરી હતી. ભારતીયોમાં ગઈ કાલે શરૂઆતમાં સૌથી મોંઘા નીવડેલા મયંક અગરવાલને હૈદરાબાદે ૧ કરોડ રૂપિયાની મૂળ કિંમત સામે ૮.૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
ભારતીયોમાં કોણે ધૂમ મચાવી?
રણજી ટ્રોફીની ગઈ સીઝનમાં બંગાળ વતી ચમકેલા મુકેશ કુમારને દિલ્હી કૅપિટલ્સે ૫.૫૦ કરોડ રૂપિયામાં, જમ્મુના સ્પિનિંગ-ઑલરાઉન્ડર વિવ્રાન્ત શર્માને હૈદરાબાદે ૨.૬૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે એ બધાની વચ્ચે ફાસ્ટ બોલર શિવમ માવીને ડિફેન્ડિંગ ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સે માત્ર ૪૦ લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ સામે ૬.૦૦ કરોડ રૂપિયાના તોતિંગ ભાવે ખરીદીને હલચલ મચાવી હતી.
આઇપીએલના મિની આૅક્શનમાં કઈ ટીમે કયા પ્લેયરને કેટલા રૂપિયામાં મેળવ્યો?