પંજાબની ટીમ મોટો સ્કૉર બનાવવામાં નિષ્ફળ જતા મેચ ગુમાવી હતી
ફાઈલ તસવીર
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૪મી સીઝનનો એકવીસમો મુકાબલો આજે સાંજે ૭.૩૦ વાગ્યે પંજાબ કિંગ્સ (Punjab Kings) અને કલકત્તા નાઇડ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયો હતો. અમદાવાદના સ્ટેડિયમમાં આ વર્ષે આઈપીએલની ૧૪મી સીઝનની પહેલી મેચ રમાઈ હતી. ટૉસ જીતીને કલકત્તા નાઇડ રાઇડર્સના કૅપ્ટન ઓઈન મોર્ગને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે ૨૦ ઓવરમાં ૯ વિકેટના નુકસાને ૧૨૩ રન બનાવ્યા હતા. જેના જવાબમાં કલકત્તા નાઇડ રાઇડર્સની ટીમે ૧૬.૪ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કર્યું હતું. આ જીત સાથે કલકત્તા નાઇડ રાઇડર્સની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી હતી અને પંજાબ કિંગ્સની ટીમ છઠ્ઠા સ્થાને પહોંચી હતી.
આજે મેચમાં કલકત્તા નાઇડ રાઇડર્સના કૅપ્ટન ઓઈન મોર્ગને ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે ૨૦ ઓવરમાં ૯ વિકેટના નુકસાને ૧૨૩ રન બનાવ્યા હતા. પંજાબે ૧૦૦ રનની અંદર ૮ વિકેટ ગુમાવી હતી. જેના પરિણામે ટીમ ૧૨૩ રન જ બનાવી શકી હતી. પંજાબ માટે સર્વાધિક ૩૧ રન મયંક અગ્રવાલ અને ૩૦ રન ક્રિસ જોર્ડને કર્યા હતા. બાકી કોઈ બેટ્સમેન ૨૦ રનના આંકને પાર નહોતો કરી શક્યો. કે એલ રાહુલ ૧૯ રન, ક્રિસ ગેલ ૦ રન, દિપક હુડા ૧ રન, નિકોલસ પૂરન ૧૯ રન, મોઇઝિસ હેન્રીક્સ ૨ રન, શાહરુખ ખાન ૧૩ રન, રવિ બિશ્નોઇ ૧ રન, મોહમ્મદ શમી ૧* રન અને અર્શદિપ સિંહે ૧* રન કર્યા હતા. કલકત્તા માટે પ્રસિદ્ધ કૃષ્ણાએ ૩ વિકેટ, પેટ કમિન્સ અને સુનિલ નરેને ૨-૨ વિકેટ જ્યારે વરૂણ ચક્રવર્તી અને શિવમ માવીએ ૧-૧ વિકેટ લીધી હતી. પંજાબની ટીમે અનુક્રમે ૩૬, ૩૮, ૪૨, ૬૦, ૭૫, ૭૯, ૯૫, ૯૮ અને ૧૨૧ રને વિકેટ ગુમાવી હતી..
ADVERTISEMENT
૧૨૪ રનના લક્ષ્યાંક સામે કલકત્તા નાઇડ રાઇડર્સની ટીમે ૧૬.૪ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૧૨૬ રન કર્યા હતા. આ સાથે જ ટીમે મેચ પણ જીતી અને પ્લેઑફમાં જવાની આશા જીવંત રાખી હતી. કલકત્તા માટે નીતીશ રાણા ૦ રન, રાહુલ ત્રિપાઠી ૪૧ રન, સુનીલ નરેન ૦ રન, ઓઈન મોર્ગન ૪૭* રન, આન્દ્રે રસેલ ૧૦ રન અને દિનેશ કાર્તિકે ૧૨* રન કર્યા હતા. પંજાબ માટે મોઇઝિસ હેન્રીક્સ, દિપક હુડા, મોહમ્મદ શમી અને અર્શદિપ સિંહે ૧-૧ વિકેટ લીધી હતી. કલકત્તાએ અનુક્રમે ૫, ૯, ૧૭, ૮૩ અને ૯૮ રને વિકેટ ગુમાવી હતી.
આજની મેચમાં પંજાબ કિંગ્સની પ્લેઈંગ 11માં લોકેશ રાહુલ (કૅપ્ટન), મયંક અગ્રવાલ, ક્રિસ ગેઇલ, મોઇઝિસ હેન્રીક્સ, નિકોલસ પૂરન, દિપક હુડા, શાહરૂખ ખાન, ક્રિસ જોર્ડન, રવિ બિશ્નોઇ, મોહમ્મદ શમી અને અર્શદિપ સિંહનો સમાવેશ હતો.
જ્યારે કલકત્તા નાઇડ રાઇડર્સની પ્લેઈંગ 11માં ઓઈન મોર્ગન (કૅપ્ટન), નીતીશ રાણા, શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક, સુનીલ નરેન, આંદ્રે રસેલ, પેટ કમિન્સ, વરૂણ ચક્રવર્તી, શિવમ માવી, પ્રસિદ્ધ કૃષ્ણાનો સમાવેશ હતો.
તમને જણાવી દઈએ કે, પંજાબ કિંગ્સની પ્લેઈંગ 11માં એલનની જગ્યાએ ક્રિસ જોર્ડનનો સમાવેશ કરાયો હતો. જ્યારે આજની મેચમાં કલકત્તા નાઇડ રાઇડર્સની પ્લેઈંગ 11માં એકપણ ફેરફાર કરવામાં નહોતો આવ્યો.