ન્યુ ઝીલૅન્ડનો ખેલાડી કેન વિલિયમસન ઘૂંટણની ઈજાને કારણે બહાર થઈ જાય એવી શક્યતા છે.
કેન વિલિયમસન
ન્યુ ઝીલૅન્ડનો ખેલાડી કેન વિલિયમસન ઘૂંટણની ઈજાને કારણે બહાર થઈ જાય એવી શક્યતા છે. શુક્રવારે ચેન્નઈ સામેની મૅચમાં ફીલ્ડિંગ દરમ્યાન ગુજરાતના આ ખેલાડીના જમણા ઘૂંટણમાં ઈજા થઈ હતી. ૧૩મી ઓવર દરમ્યાન બાઉન્ડરી પર હતો ત્યારે તેને આ ઈજા થઈ હતી. આ ઈજા સામાન્ય નથી એવા રિપોર્ટ છે. વિલિયમસને ઋતુરાજ ગાયકવાડે ફટકારેલા શૉટને જે સંભવિત સિક્સર હતો એને બચાવ્યો હતો, પરંતુ એ દરમ્યાન તે મેદાનમાં ખરાબ રીતે પડ્યો હતો. ત્યાર બાદ તે રમવા માટે પણ આવ્યો નહોતો. તેને બદલે બી. સાઈ સુદર્શનને પહેલાં સબ્સ્ટિટ્યુટ ખેલાડી તરીકે અને ત્યાર બાદ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ટીમમાં લેવાયો હતો. આઇપીએલનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે તે લાંબા સમય સુધી સ્પર્ધાત્મક ક્રિકેટ નહીં રમી શકે. ઑકલૅન્ડમાં ન્યુ ઝીલૅન્ડના કોચ ગૅરી સ્ટેડે કહ્યું હતું કે ‘વિલિયમસનની ઈજા નૅશનલ ટીમ માટે બહુ મોટો ઝટકો છે. ૨૪થી ૪૮ કલાકમાં ચિત્ર સ્પષ્ટ થશે.’