ઑસ્ટ્રેલિયાથી આવી રહેલા અહેવાલ અનુસાર ઍડીલેડ ઍરપોર્ટથી ભારતીય ટીમની ફ્લાઇટ સવારે ૧૦.૦૫ વાગ્યે હતી
બસ હોટેલની બહાર ૨૦ મિનિટ રાહ જોયા બાદ તેને લીધા વગર ઍરપોર્ટ રવાના થઈ
ભારતીય મેન્સ ક્રિકેટ ટીમ બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT)ની ત્રીજી ટેસ્ટ રમવા માટે ગઈ કાલે બ્રિસબેન પહોંચી હતી. વાદળછાયા વાતાવરણ વચ્ચે ત્રણ વર્ષ બાદ ભારતીય ક્રિકેટ ટીમ બ્રિસબેન પહોંચી હતી. જાન્યુઆરી ૨૦૨૧માં ભારતીય ટીમે ધ ગૅબા સ્ટેડિયમમાં ઐતિહાસિક ટેસ્ટ-જીત મેળવી હતી, પણ અહીં પહોંચતાં પહેલાં ભારતીય ઓપનર યશસ્વી જાયસવાલને કારણે ટીમને ઍડીલેડના ઍરપોર્ટ પર પહોંચવામાં મોડું થયું હતું.
ઑસ્ટ્રેલિયાથી આવી રહેલા અહેવાલ અનુસાર ઍડીલેડ ઍરપોર્ટથી ભારતીય ટીમની ફ્લાઇટ સવારે ૧૦.૦૫ વાગ્યે હતી. ભારતીય ટીમ પોતાની હોટેલથી સવારે ૮.૩૦ વાગ્યે ઍરપોર્ટ માટે રવાના થવાની હતી. સવારે ૮.૨૦ વાગ્યાથી ટીમના પ્લેયર્સે હોટેલની બહાર બસમાં બેસવાનું શરૂ કર્યું હતું. ૨૦ મિનિટ સુધી યશસ્વી જાયસવાલની રાહ જોવામાં આવી પણ તેને મોડું થતાં કૅપ્ટન રોહિત શર્મા નારાજ થયો અને બસ યશસ્વીને લીધા વગર ઍરપોર્ટ જવા રવાના થઈ હતી. યશસ્વી ટીમના સિક્યૉરિટી ઑફિસર સાથે પછી કારમાં ઍરપોર્ટ પહોંચ્યો હતો.
ADVERTISEMENT
ત્રીજી ટેસ્ટમાં કેવી હશે ધ ગૅબાની પિચ?
બ્રિસબેનના ધ ગૅબા સ્ટેડિયમના પિચ-ક્યુરેટરે ગઈ કાલે ભારત અને ઑસ્ટ્રેલિયાની ત્રીજી ટેસ્ટની પિચને લઈને મહત્ત્વપૂર્ણ અપડેટ આપી હતી. તેણે કહ્યું હતું કે ‘અમારું લક્ષ્ય એ જ પ્રકારની વિકેટ બનાવવાનું છે જ્યાં બૅટ અને બૉલ વચ્ચે સારું સંતુલન હોય. આશા છે કે એમાં દરેક માટે કંઈક હશે. અમે એને દર વર્ષની જેમ પરંપરાગત ગતિ અને બાઉન્સવાળી જ પિચ તૈયાર કરી છે.’
ગયા મહિને આ પિચ પર સ્થાનિક પિન્ક બૉલ ટેસ્ટના પહેલા દિવસે ૧૫ વિકેટ પડી હતી.