ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ પહેલાં ભારતીય T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવ કહે છે... મને દુ:ખ છે કે વન-ડે ફૉર્મેટમાં મેં સારું પ્રદર્શન નથી કર્યું, જો સારું પ્રદર્શન કર્યું હોત તો ચૅમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં હોત
સુર્યકુમાર યાદવ
ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચની T20 ઇન્ટરનૅશનલ સિરીઝની શરૂઆતની પૂર્વસંધ્યાએ જ્યારે T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવને પૂછવામાં આવ્યું કે શું તે ચૅમ્પિયન્સ ટ્રોફી ટીમમાં સ્થાન ન મળવાથી નિરાશ છે ત્યારે તેણે કહ્યું કે ‘કોઈ કેમ નિરાશ થશે? જો હું (વન-ડેમાં) સારું
પ્રદર્શન કરીશ તો મને ટીમમાં સ્થાન મળશે. જો હું સારું નહીં કરું તો આવું બનશે નહીં. આ સ્વીકારવામાં કોઈ નુકસાન નથી. જો તમે ચૅમ્પિયન્સ ટ્રોફી માટે પસંદ કરાયેલી ટીમ જુઓ તો એ શાનદાર છે. આ ટીમમાં જે પણ છે, તેઓ સારું પ્રદર્શન કરનારા પ્લેયર્સ છે. તે બધાએ આ ફૉર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને હું તેમના માટે ખૂબ જ ખુશ છું. મને દુ:ખ છે કે મેં આ ફૉર્મેટમાં સારું પ્રદર્શન કર્યું નથી. જો મેં સારું પ્રદર્શન કર્યું હોત તો હું એ ટીમમાં હોત.’
ADVERTISEMENT
૩૪ વર્ષના સૂર્યકુમાર યાદવે છેલ્લે ૨૦૨૩ની ૧૯ નવેમ્બરે વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ મૅચ રમી હતી. ત્યાર બાદ તે વન-ડે ફૉર્મેટની ઇન્ટરનૅશનલ મૅચ રમી શક્યો નથી. તે T20 ફૉર્મેટ જેવું પ્રદર્શન વન-ડે ફૉર્મેટમાં કરવામાં સફળ નથી રહ્યો. તેણે ૩૭ વન-ડે મૅચમાં ૨૫.૭૬ની સરેરાશથી ૭૭૩ રન બનાવ્યા છે.