શનિવારે ભારતે બીજી વન-ડેમાં ન્યુ ઝીલૅન્ડને હરાવીને સિરીઝ જીતી લીધી હતી
રાયપુરમાં ઉમરાન મલિકે લીધો મોહમ્મદ શમીનો ઇન્ટરવ્યુ.
ફાસ્ટ બોલર ઉમરાન મલિકે માત્ર થોડાક સમયમાં જ સારી છાપ છોડી છે. તેણે પોતાની સ્પીડથી ઘણાને પ્રભાવિત કર્યા છે. ૬ ટી૨૦ અને ૭ વન-ડે મૅચના કરીઅરમાં સૌથી ફાસ્ટ બોલિંગ કરનાર ભારતીય બોલર બની ગયો છે. જમ્મુ એક્સપ્રેસના નામથી જાણીતો મલિક હંમેશાં પોતાની સ્પીડને કારણે ચર્ચામાં રહે છે. શનિવારે ભારતે બીજી વન-ડેમાં ન્યુ ઝીલૅન્ડને હરાવીને સિરીઝ જીતી લીધી હતી. ત્યાર બાદ ઉમરાન મલિકે પોતાના ફેવરિટ બોલર મોહમ્મદ શમીનો ઇન્ટરવ્યુ લીધો હતો. શમીએ તેની સ્પીડની પ્રશંસા કરી હતી અને ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ આપી હતી. સાથે જ તેણે એને સલાહ આપતાં કહ્યું હતું કે ‘તારી ઝડપ સામે રમવું સરળ નથી, પરંતુ લાઇન અને લેન્ગ્થ પર કામ કરવું પડશે. જો એને કન્ટ્રોલ કરી લીધી તો તું દુનિયા પર રાજ કરીશ.’
ભારતીય ક્રિકેટ બોર્ડે શમી અને ઉમરાન મલિકના ઇન્ટરવ્યુને શૅર કર્યો હતો. શમીએ ન્યુ ઝીલૅન્ડ સામે બીજી વન-ડેમાં શાનદાર બોલિંગ કરી હતી. તેણે ૬ ઓવરમાં ૧૮ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી. ન્યુ ઝીલૅન્ડની ટીમ ૧૦૮ રનમાં જ ઑલઆઉટ થઈ ગઈ હતી. મલિકે શમીને પૂછ્યું હતું કે દરેક મૅચમાં તે કઈ રીતે આટલો શાંત અને ખુશ રહે છે. શમીએ કહ્યું કે ‘જ્યારે તમે દેશ તરફથી રમતા હો તો તમારી જાત પર બહુ દબાણ લાવવું ન જોઈએ. તમારી કુશળતા પર વિશ્વાસ રાખવો જોઈએ, જેને કારણે તમે તમારી યોજના મુજબ મળેલી તકનો ભરપૂર ઉપયોગ કરી શકો છે. વળી મર્યાદિત ઓવરોની મૅચમાં કોઈ પણ બોલર સામે ફટકાબાજી થઈ શકે છે. પિચની પરિસ્થિતિ મુજબ બોલિંગ કરવી જોઈએ.’