આયરલૅન્ડની વિમેન્સ ટીમ પહેલી વાર ભારત-ટૂર પર આવી, ભારતીય વિમેન્સ ટીમ સામે ક્યારેય મૅચ જીતી નથી
સ્મૃતિ માન્ધના
આજે સવારે ૧૧ વાગ્યાથી ભારત અને આયરલૅન્ડની વિમેન્સ ટીમ વચ્ચે ત્રણ મૅચની વન-ડે સિરીઝ શરૂ થઈ રહી છે. રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં પહેલી વાર વિમેન્સ ઇન્ટરનૅશનલ મૅચનું આયોજન કરવામાં આવ્યું છે. સિરીઝની ત્રણેય મૅચ આ જ સ્ટેડિયમમાં રમાવાની છે. આયરલૅન્ડ ક્રિકેટ ટીમ માટે પણ આ પહેલી ભારત-ટૂર છે. પહેલી વાર બન્ને ટીમ વચ્ચે ભારતની ધરતી પર દ્વિપક્ષીય સિરીઝ રમાશે.
બન્ને ટીમ વચ્ચે ૧૨ વન-ડે મૅચ અને બે T20 મૅચ રમાઈ છે જેમાં ભારતીય ટીમે ક્યારેય હારનો સામનો કર્યો નથી અને તમામ મૅચ જીતી છે. બન્ને ટીમની ટક્કર મોટા ભાગે ICC ઇવેન્ટમાં જ થઈ છે. બન્ને વચ્ચે ક્યારેય T20 સિરીઝ રમાઈ નથી. વન-ડે ફૉર્મેટમાં ૨૦૦૨માં ત્રણ મૅચની અને ૨૦૦૬માં બે મૅચની સિરીઝ રમાઈ હતી.
ADVERTISEMENT
આ રેકૉર્ડને જોતાં આયરલૅન્ડની ટીમ નબળી લાગી રહી છે, પણ ૨૦૨૪માં એણે લિમિડેટ ઓવર્સના ફૉર્મેટમાં શ્રીલંકા, ઇંગ્લૅન્ડ અને બંગલાદેશ જેવી મજબૂત ટીમ સામે મૅચ જીતીને સૌને ચોંકાવ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝ સામે વડોદરામાં વન-ડે સિરીઝ જીતેલી ભારતીય ટીમ હવે સ્મૃતિ માન્ધનાના નેતૃત્વમાં વિજયરથ આગળ ધપાવવા આતુર હશે. બન્ને ટીમે છેલ્લા ત્રણ દિવસ કડકડતી ઠંડી વચ્ચે પ્રૅક્ટિસ-સેશનમાં બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગની પ્રૅક્ટિસ કરી હતી.