અમદાવાદના આ સ્ટેડિયમમાં પહેલી વાર વિમેન્સ વન-ડે ક્રિકેટ રમાવાનું છે એટલે એને પ્રમોટ કરવા ગર્લ્સને ઇન્વાઇટ કરવામાં આવી: તમામ માટે ફ્રી એન્ટ્રી: ભારત અને ન્યુ ઝીલૅન્ડની વિમેન્સ ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમાશે, તમામ મૅચ ડે-નાઇટ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
ભારત અને ન્યુ ઝીલૅન્ડની વિમેન્સ ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ વન-ડે મૅચની સિરીઝ અમદાવાદમાં રમાવાની છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી વાર વિમેન્સ વન-ડે ક્રિકેટ ઇવેન્ટ યોજાઈ હોવાથી વિમેન્સ ક્રિકેટને પ્રમોટ કરવા સ્કૂલ-કૉલેજની વિદ્યાર્થિનીઓને મૅચ જોવા ઇન્વાઇટ કરવામાં આવી છે અને આ ત્રણ મૅચ દરમ્યાન અંદાજે સવા લાખથી વધુ વિદ્યાર્થિનીઓ મૅચ જોવા આવશે. તમામ માટે ત્રણેય મૅચમાં ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે.
ત્રણ વન-ડે મૅચની આ સિરીઝની પહેલી મૅચ ૨૪ ઑક્ટોબરે રમાવાની છે ત્યારે ગુજરાત ક્રિકેટ અસોસિએશનના ઓનરરી સેક્રેટરી અનિલ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહેલી વાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિમેન્સ ક્રિકેટની ઇવેન્ટ થઈ રહી છે ત્યારે વિમેન્સ ક્રિકેટને પ્રમોટ કરવા માટે જય શાહ આગળ આવ્યા છે. ગુજરાત ક્રિકેટ અસોસિએશને ઇનિશ્યેટિવ લઈને વિમેન્સ ક્રિકેટને પ્રમોટ કરવા ગુજરાતની ૧૦૦થી વધુ સ્કૂલ-કૉલેજ, ઇન્સ્ટિટ્યૂટ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સંપર્ક કરીને વિદ્યાર્થિનીઓ તેમ જ મહિલાઓને મૅચ જોવા આવે એ માટે આમંત્રણ આપ્યું છે. જે સ્કૂલ-કૉલેજમાંથી અમને રિકવેસ્ટ મળી છે તેમને ફ્રી પાસ ઇશ્યુ કરવામાં આવ્યા છે. ત્રણ વન-ડે મૅચ દરમ્યાન અંદાજે સવા લાખથી વધુ વિદ્યાર્થિનીઓ તેમની ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે ફ્રીમાં મૅચ જોવા આવશે. એક મૅચમાં અંદાજે ૩૦થી ૩૫ હજાર કરતાં વધુ વિદ્યાર્થિનીઓ આવે એવી અપેક્ષા રાખી રહ્યા છીએ. આ ત્રણેય મૅચમાં તમામ માટે એન્ટ્રી ફી છે.’