શ્રીલંકા સામેની વન-ડે શ્રેણી માટેની ટીમમાં અમદાવાદી એક્સપ્રેસનો સમાવેશ
India VS Sri Lanka
જસપ્રીત બુમરાહ
શ્રીલંકા સામે ઘરઆંગણે આગામી ૧૦, ૧૨ અને ૧૫ જાન્યુઆરીએ રમાનારી ત્રણ મૅચની વન-ડે સિરીઝ માટેની ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહનો સમાવેશ થયો છે. પીઠની ઈજાને કારણે તે સપ્ટેમ્બર મહિનાથી ટીમની બહાર હતો. ત્રણ મહિનાના બ્રેક દરમ્યાન તેણે ટી૨૦ વર્લ્ડ કપ ગુમાવ્યો હતો અને એ સમયગાળા દરમ્યાન તે બૅન્ગલોરની નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (એનસીએ)ના રિહૅબિલિટેશન સેન્ટરમાં હતો. તેને એનસીએ તરફથી ફિટનેસ ક્લિયરન્સ મળી ગયું છે. ઈએસપીએનક્રિકઇન્ફોના અહેવાલ મુજબ નૅશનલ સિલેક્ટર્સ બુમરાહની રિકવરીથી સંતુષ્ટ છે. છેલ્લા એક અઠવાડિયાથી તે ટ્રેઇનિંગમાં વધુ સમય આપે છે અને બોલિંગ-પ્રૅક્ટિસ પણ કરે છે. ૨૭ ડિસેમ્બરે ટીમ જાહેર કરવામાં આવી ત્યારે સિલેક્ટર્સને તેની ફિટનેસ વિશે સાવચેત હોવાથી તેને ટીમમાં નહોતો સમાવ્યો. રવિવારની બીસીસીઆઇની પર્ફોર્મન્સ રિવ્યુ મીટિંગમાં બુમરાહ પર ઘણી ચર્ચા થઈ હતી અને તેને રોહિત શર્માની કૅપ્ટન્સી હેઠળની વન-ડે ટીમમાં સમાવવાનું નક્કી કરાયું હતું. આગામી ઑક્ટોબરમાં ભારતમાં વન-ડે વર્લ્ડ કપ હોવાથી બુમરાહનું કમબૅક ટીમ ઇન્ડિયા માટે અત્યંત જરૂરી છે.
બુમરાહના કમબૅકથી શ્રીલંકા સામેની વન-ડે ટીમમાં સામેલ ફાસ્ટ બોલર્સની સંખ્યા પાંચથી વધીને છ થઈ ગઈ છે : જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ અને હાર્દિક પંડ્યા. ટીમમાં ચાર સ્પિનર્સ પણ છે : કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, વૉશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ.