ભારતે ૩૧૭ રનના રેકૉર્ડબ્રેક માર્જિનથી મેળવી જીત : કિંગ કોહલી અણનમ ૧૬૬, ગિલના ૧૧૬ રન પછી સિરાજનો ૪ વિકેટનો તરખાટ : ભારતની ૩-૦થી ક્લીન સ્વીપ
India VS Sri Lanka
વિરાટ કોહલી
ભારતે ગઈ કાલે તિરુવનંતપુરમમાં શ્રીલંકાને સિરીઝની ત્રીજી અને અંતિમ વન-ડેમાં ૩૧૭ રનના વિક્રમી તફાવતથી હરાવીને દાસુન શનાકાની ટીમનો ૩-૦થી વાઇટવૉશ કર્યો હતો. વન-ડે ક્રિકેટમાં અગાઉ વધુમાં વધુ ૨૯૦ રનનો વિજયી-માર્જિન (૨૦૦૮માં ન્યુ ઝીલૅન્ડની આયરલૅન્ડ સામે ૨૯૦ રનથી જીત) હતો જે વર્લ્ડ રેકૉર્ડ ભારતે ગઈ કાલે તોડી નાખ્યો હતો. ખુદ ભારતનો વિજયી-માર્જિનનો જે રેકૉર્ડ (૨૦૦૭માં બર્મુડા સામે ૨૫૭ રનથી જીત) હતો એ ગઈ કાલે ક્યાંય દૂર રહી ગયો હતો.
ભારતે બૅટિંગ લીધા બાદ ૪૬મી ઓડીઆઇ સેન્ચુરી ફટકારનાર વિરાટ કોહલી (૧૬૬ અણનમ, ૧૧૦ બૉલ, ૧૭૩ મિનિટ, ૮ સિક્સર, ૧૩ ફોર) તેમ જ ઓપનર શુભમન ગિલ (૧૧૬ રન, ૯૭ બૉલ, ૧૪૭ મિનિટ, બે સિક્સર, ૧૪ ફોર) વચ્ચેની બીજી વિકેટ માટેની ૧૩૧ રનની ભાગીદારીની મદદથી પાંચ વિકેટે ૩૯૦ રન બનાવ્યા હતા, જેમાં રોહિત શર્માના ૪૨ રન અને શ્રેયસ ઐયરના ૩૮ રન હતા. વિકેટકીપર રાહુલ ફક્ત ૭ રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે અક્ષર પટેલ બે રને અણનમ રહ્યો હતો. ૭ શ્રીલંકન બોલર્સમાંથી કાસુન રજિતા અને લાહિરુ કુમારાને બે-બે વિકેટ મળી હતી.
ADVERTISEMENT
સૂર્યાના ફક્ત ૪ રન, સુંદરને બોલિંગ નહીં
ભારતે હાર્દિક પંડ્યાના સ્થાને સૂર્યકુમાર યાદવને રમાડ્યો હતો, પરંતુ સૂર્યા ફક્ત ૪ રન બનાવીને આઉટ થયો હતો. ઉમરાન મલિકના સ્થાને વૉશિંગ્ટન સુંદરને લેવામાં આવ્યો હતો, પરંતુ શ્રીલંકન ટીમનો શરૂઆતથી જ ધબડકો થતાં સુંદરને તેમ જ અક્ષરને બોલિંગ જ નહોતી અપાઈ.
આ પણ વાંચો : વિશ્વમાં ટોપ-10 બેટ્સમેનોની યાદીમાં 4 ભારતીયો, આ ખેલાડીઓએ માહીભાઈને પણ આપી ટક્કર
શ્રીલંકા ૭૩ રનમાં ઑલઆઉટ
શ્રીલંકાની ટીમ ૭૩ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી, જેમાં નુવાનિડુ ફર્નાન્ડોના ૧૯ રન હાઇએસ્ટ હતા. શ્રીલંકાએ ૩૯ રનમાં ૬ વિકેટ ગુમાવી દીધી હતી. ૫૦મા રને કૅપ્ટન શનાકાની સાતમી વિકેટ ૫૧મા રને વેલાલાગેની આઠમી વિકેટ પડી ગઈ હતી, પરંતુ લાહિરુ કુમારા (૯ રન, ૧૯ બૉલ, ૨૯ મિનિટ, બે ફોર) અને કાસુન રજિતા (૧૩ અણનમ, ૧૯ બૉલ, ૩૩ મિનિટ, બે ફોર)ની જોડીએ જ્વલંત વિજયની તલાશમાં રહેલા ભારતીયોને ઘણી રાહ જોવડાવી હતી. બન્ને વચ્ચે નવમી વિકેટ માટે બાવીસ રનની પાર્ટનરશિપ થઈ હતી. તેઓ શ્રીલંકાના સ્કોરને ૫૧ ઉપરથી ૭૩ સુધી ખેંચી ગયા હતા. કુલદીપ યાદવે કુમારાને ક્લીન બોલ્ડ કર્યો એ સાથે શ્રીલંકન ઇનિંગ્સનો અંત આવ્યો હતો, કારણ કે અશેન બંડારા ફીલ્ડિંગ દરમ્યાન ઈજા પામ્યો હોવાથી બૅટિંગમાં નહોતો આવ્યો.
મોહમ્મદ સિરાજ (૧૦-૧-૩૨-૪) ભારતનો સૌથી સફળ બોલર હતો. મોહમ્મદ શમીએ ૨૦ રનમાં બે અને કુલદીપે ૧૬ રનમાં બે વિકેટ લીધી હતી.
કોહલીને મળ્યા બન્ને અવૉર્ડ
વિરાટ કોહલીને મૅન ઑફ ધ મૅચનો તેમ જ શ્રેણીમાં સૌથી વધુ ૨૮૩ રન બદલ મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર અપાયો હતો.
3
કોહલીની બૅટમાંથી હવે શ્રેણીબદ્ધ સેન્ચુરી આવી રહી છે. છેલ્લી ચારમાંથી આટલી ઇનિંગ્સમાં તેણે સદી ફટકારી છે.
10,000
તિરુવનંતપુરમના સ્ટેડિયમમાં ગઈ કાલે ૫૫,૦૦૦ સીટની ક્ષમતા સામે આટલા જ પ્રેક્ષકો હાજર રહ્યા હોવા બદલ યુવરાજ સિંહે વન-ડે ક્રિકેટના ભાવિ વિશે ચિંતા વ્યક્ત કરી છે.
કોહલી હવે સચિનની ૪૯ સદીથી ત્રણ ડગલાં દૂર, રનમાં માહેલાને ઓળંગ્યો
વિરાટ કોહલીએ ગઈ કાલે ૪૬મી વન-ડે સેન્ચુરી ફટકારી હતી. તે હવે સચિન તેન્ડુલકરની હાઇએસ્ટ ૪૯ સદીથી ફક્ત ત્રણ ડગલાં દૂર છેઃ (૧) સચિન, ૪૯ સદી (૨) કોહલી, ૪૬ સદી (૩) પૉન્ટિંગ, ૩૦ સદી (૪) રોહિત, ૨૯ સદી (૫) જયસૂર્યા, ૨૮ સદી અને (૬) અમલા, ૨૭ સદી.
સચિને ૪૯ સદી ૪૫૨ ઇનિંગ્સમાં કરી હતી, જ્યારે કોહલીએ ૪૬ સદી માત્ર ૨૫૯ ઇનિંગ્સમાં બનાવી છે.
કોહલી વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારાઓમાં પાંચમા નંબરે છે : (૧) સચિન, ૧૮,૪૨૬ રન (૨) સંગકારા, ૧૪,૨૩૪ (૩) પૉન્ટિંગ, ૧૩,૭૦૪ (૪) જયસૂર્યા, ૧૩,૪૩૦ રન (૫) કોહલી, ૧૨,૭૫૪ (૬) જયવર્દને, ૧૨૬૫૦ રન.
શ્રીલંકાના બે ફીલ્ડર ટકરાયા, બન્નેને સ્ટ્રેચરમાં લઈ જવાયા
ગઈ કાલે ભારતની ઇનિંગ્સમાં ૪૩મી ઓવરમાં કોહલીએ ફટકારેલા શૉટમાં શ્રીલંકાના ફીલ્ડર જેફરી વૅન્ડરસે અને આશેન બંડારા બાઉન્ડરી લાઇન નજીક બૉલને અટકાવવા જતાં જોશભેર ટકરાયા હતા. બન્નેને ગંભીર ઈજા થઈ હતી અને બન્નેને સ્ટ્રેચરમાં લઈ જવાયા હતા. વૅન્ડરસે ડીપ બૅકવર્ડ સ્ક્વેર લેગમાંથી પોતાની ડાબી તરફ દોડીને આવ્યો હતો અને સામેથી બંડારા ડીપ મિડવિકેટમાંથી જમણી દિશામાં દોડીને આવતાં બન્ને ટકરાતાં વૅન્ડરસે તેની ઉપર આવી ગયો હતો અને બૉલ બાઉન્ડરી લાઇનની બહાર જતો રહ્યો હતો.