શ્રીલંકા સામે પ્રથમ ટી૨૦ વાનખેડેમાં : ૨૦૨૨માં ભારત ૪૦માંથી ૨૮ ટી૨૦ જીત્યું
India vs Sri Lanka
ગુજરાત ટાઇટન્સને ટ્રોફી અપાવ્યા બાદ હવે ટી૨૦ના રેગ્યુલર કૅપ્ટન તરીકે હાર્દિક પંડ્યાના માથે ટીમ ઇન્ડિયાને જિતાડવાની જવાબદારી છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રણ મૅચની ટી૨૦ સિરીઝ શરૂ થઈ રહી છે અને એની પહેલી મૅચ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. હાર્દિક પંડ્યા અગાઉ આયરલૅન્ડ, વેસ્ટ ઇન્ડીઝ અને ન્યુ ઝીલૅન્ડ સામે ટી૨૦માં સુકાન સંભાળી ચૂક્યો છે અને ત્રણેયમાં વિજેતા નીવડ્યો છે, પરંતુ રેગ્યુલર ટી૨૦ સુકાની તરીકે તેની ૨૦૨૩ના નવા વર્ષથી હવે પહેલી જ સિરીઝ છે જેમાં તેને કેટલાક સિનિયર ખેલાડીઓની બાદબાકી સાથે ન્યુ લુક ટીમ મળી છે અને એ ટીમને સિરીઝમાં જિતાડીને ૨૦૨૪ના ટી૨૦ વર્લ્ડ કપ માટેના સફળ રિહર્સલનો આરંભ કરી શકશે. ૨૦૨૨ના ટી૨૦ એશિયા કપ અને ટી૨૦ વર્લ્ડ કપમાં ટ્રોફી જીતવામાં નિષ્ફળ ગયું હોવાથી હવે આગામી ટુર્નામેન્ટ્સ જીતવા માટે નવસર્જિત ટીમ પર કદાચ મદાર રાખી શકાશે.
સિનિયર પ્લેયર્સ માટે કમબૅક મુશ્કેલ
ADVERTISEMENT
જો હાર્દિકની નવી ફોજ ટી૨૦ના નવા અભિયાનમાં સફળ થશે તો વિરાટ કોહલી, રોહિત શર્મા અને કે. એલ. રાહુલ માટે ટી૨૦ ટીમમાં કમબૅક કરવું મુશ્કેલ બની જશે. ૨૦૦૭ના સૌપ્રથમ ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં સચિન તેન્ડુલકર, સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ માટે ટી૨૦ની કરીઅર પર પડદો પડી ગયો હતો એનું પુનરાવર્તન આવનારા કેટલાક મહિનામાં જોવા મળી શકે.
આ વર્ષના ઑક્ટોબરમાં ભારતમાં વન-ડે વર્લ્ડ કપ રમાવાનો હોવાથી શ્રીલંકા સામેની ટી૨૦ સિરીઝમાંથી કેટલાક ઊભરતા સિતારા ટીમ ઇન્ડિયાને ૫૦ ઓવરની ક્રિકેટ માટે મળી શકે એમ છે.
કિશન-ગાયકવાડની જોડી ચમકશે?
જો ઓપનિંગમાં ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડની જોડી હિટ થશે તો શુભમન ગિલે ટી૨૦ ડેબ્યુ માટે થોડી રાહ જોવી પડશે. છેલ્લે ન્યુ ઝીલૅન્ડ સામે ઈશાન કિશન સાથે રિષભ પંતે ઓપનિંગ કર્યું હતું, પરંતુ પંતને ફિટનેસની સમસ્યાને કારણે શ્રીલંકા સામેની ટીમમાં નહોતો લેવાયો અને હવે તો તે કાર-ઍક્સિડન્ટનો ભોગ બન્યો હોવાથી કદાચ ઓછામાં ઓછા ૬ મહિના નથી રમી શકવાનો. તેની ગેરહાજરીમાં કિશન સાથે ઋતુરાજ ગાયકવાડને દાવની શરૂઆત કરવાનો મોકો મળી શકે. તેઓ આઇપીએલમાં ચમકી ચૂક્યા હોવાથી હવે જોડીમાં ભારત વતી પણ ચમકશે તો સિલેક્ટરોનું કામ આસાન થઈ જશે.
ટી૨૦ વર્લ્ડ કપમાં અવગણવામાં આવેલા યુઝવેન્દ્ર ચહલને આજે ઇલેવનમાં મોકો મળશે તો નવાઈ નહીં. જોકે બૅટિંગમાં ડેપ્થની ટીમ ઇન્ડિયાને તલાશ હશે તો ચહલે પણ થોડી રાહ જોવી પડશે.
શ્રીલંકાએ ટી૨૦ વર્લ્ડ કપમાં છેલ્લે ઇંગ્લૅન્ડનો સામનો કરવા જે ટીમ રાખી હતી મોટા ભાગે એ જ જાળવી રાખવામાં આવશે. ૨૦૨૧ના વર્ષની શરૂઆતથી ભારતનો શ્રીલંકા સામેની ૭ ટી૨૦માં ૪-૩નો જીત-હારનો રેશિયો છે.
શ્રીલંકા : દાસુન શનાકા (કૅપ્ટન), કુસાલ મેન્ડિસ (વિકેટકીપર), પથુમ નિસન્કા, ધનંજય ડિસિલ્વા, ચરિથ અસલન્કા, ભાનુકા રાજાપક્સા, વનિન્દુ હસરંગા, ચામિકા કરુણારત્ને, મહીશ થીકશાના, દિલશાન મદુશન્કા, લાહિરુ કુમારા, અશેન બંડારા, અવિષ્કા ફર્નાન્ડો, પ્રમોદ મદુશાન, કાસુન રજિતા, સદીરા સમરવિક્રમા, નુવાન થુશારા અને દુનિથ વેલાલાગે.
40
૨૦૨૨ના વર્ષમાં ભારત આટલી ટી૨૦ મૅચ રમ્યું જે તમામ દેશોને ગણતરીમાં લેતાં કોઈ પણ વર્ષ માટેનો નવો વિક્રમ છે. ભારત ૨૮ ટી૨૦માં વિજયી બન્યું હતું.
9
૨૦૨૨ની સાલમાં ભારત આટલી ટી૨૦ સિરીઝ રમ્યું અને એમાંથી ૮ દ્વિપક્ષી શ્રેણી જીત્યું. જોકે એશિયા કપ અને ટી૨૦ વર્લ્ડ કપની ટ્રોફી ન મળી શકી.