Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજે ન્યુ ઝીલૅન્ડને ૧૦૭ રનની અને ભારતને ૧૦ વિકેટની જરૂર

આજે ન્યુ ઝીલૅન્ડને ૧૦૭ રનની અને ભારતને ૧૦ વિકેટની જરૂર

Published : 20 October, 2024 08:56 AM | Modified : 20 October, 2024 09:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૫૦ રન ફટકારનાર સરફરાઝ ખાન અને એક રન માટે સદી ચૂકેલા રિષભ પંતને બીજા કોઈનો સાથ ન મળ્યો

ગઈ કાલે અમ્પાયરોએ બૅડ લાઇટને કારણે રમત વહેલી થંભાવી ત્યારે ભારતીય ક્રિકેટરો તેમને ઘેરી વળ્યા હતા અને વિરાટ કોહલી બધામાં વધુ આક્રમક જણાતો હતો.

India vs New Zealand

ગઈ કાલે અમ્પાયરોએ બૅડ લાઇટને કારણે રમત વહેલી થંભાવી ત્યારે ભારતીય ક્રિકેટરો તેમને ઘેરી વળ્યા હતા અને વિરાટ કોહલી બધામાં વધુ આક્રમક જણાતો હતો.


પહેલી ઇનિંગ્સમાં ૪૬ રનમાં ખખડેલી ભારતીય ટીમે બીજી ઇનિંગ્સમાં છેલ્લી ૭ વિકેટ માત્ર ૫૪ રનમાં ગુમાવી, ૪૬૨ રનમાં ઑલઆઉટ થઈને ૧૦૬ રનની જ લીડ મેળવી : કિવીઓ પાસે ૩૬ વર્ષ બાદ ભારતની ધરતી પર ટેસ્ટ જીતવાની તક


બૅન્ગલોરમાં પહેલી ટેસ્ટ જીતવા માટે આજે પાંચમા દિવસે ન્યુ ઝીલૅન્ડની ટીમ હૉટ ફેવરિટ છે, કારણ કે ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝની પહેલી ટેસ્ટ જીતવા ન્યુ ઝીલૅન્ડને માત્ર ૧૦૭ રનની જરૂર છે. ભારતે જીત માટે ઝડપથી હરીફ ટીમને ઑલઆઉટ કરવી પડશે. મહેમાન ટીમ ન્યુ ઝીલૅન્ડ પાસે ૩૬ વર્ષ બાદ અને એકવીસમી સદીમાં પહેલી વાર ભારતની ધરતી પર ટેસ્ટ જીતવાની સ્વર્ણિમ તક છે. ન્યુ ઝીલૅન્ડે છેલ્લે ૧૯૮૮માં મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત સામે ભારતની ધરતી પર ટેસ્ટ-મૅચ જીતી હતી. ભારતે ૨૦ વર્ષ પહેલાં મુંબઈના વાનખેડેમાં જ ઑસ્ટ્રેલિયા સામે ૧૦૭ રનનો ટાર્ગેટ ડિફેન્ડ કર્યો હતો.



ચોથા દિવસે સરફરાઝ ખાન (૧૫૦ રન) અને રિષભ પંતે (૯૯ રન) ચોથી વિકેટ માટે ૧૭૭ રનની પાર્ટનરશિપ કરીને ભારતનો સ્કોર ૨૩૧/3થી ૪૦૮/૪ સુધી પહોંચાડ્યો હતો. કરીઅરની પહેલવહેલી ઇન્ટરનૅશનલ સેન્ચુરી ફટકારનાર સરફરાઝ ખાન ૮૫મી ઓવરમાં આઉટ થયો ત્યાર બાદ ૯૯.૩ ઓવર સુધીમાં ભારતીય ટીમે વધુ ૬ વિકેટ ગુમાવી અને ૪૬૨ના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમે ૫૪ રન અને ૧૫.૨ ઓવરની અંદર છેલ્લી સાત વિકેટ ગુમાવી હતી.


વરસાદથી પ્રભાવિત દિવસની રમત દરમ્યાન ભારતીય ઇનિંગ્સની ૮૦મી ઓવર બાદ કૅપ્ટન ટૉમ લૅધમે નવો બૉલ લેવાનો નિર્ણય કર્યો અને તેના ફાસ્ટ બોલરોએ એ નિર્ણયને સાચો સાબિત કરી બતાવ્યો. ભારતની બીજી ઇનિંગ્સની ૮૦ ઓવર સુધીમાં એનો સ્કોર ૪૦૦/૩ હતો પણ ૮૧થી ૯૯.૩ ઓવરની વચ્ચે ભારતે સાત વિકેટ ગુમાવીને ૬૨ રન જ ફટકાર્યા હતા. ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર્સ મૅટ હૅન્રી અને વિલિયમ ઓ’રોર્કે બીજી ઇનિંગ્સમાં સૌથી વધુ ૩-૩ વિકેટ ઝડપી હતી.

ન્યુ ઝીલૅન્ડ બીજી ઇનિંગ્સની શરૂઆતમાં એક પણ રન બનાવ્યા વગર ચાર બૉલ રમ્યું એ પછી ખરાબ પ્રકાશને કારણે અમ્પાયરોએ મૅચ અટકાવી દીધી હતી. આ પછી ભારે વરસાદ શરૂ થયો અને દિવસની રમત સમાપ્ત જાહેર કરવામાં આવી. ભારતીય કૅપ્ટન રોહિત શર્મા ખરાબ પ્રકાશને કારણે મૅચ રોકવાના અમ્પાયરોના નિર્ણયથી નારાજ દેખાયો. ટીમના કેટલાક ખેલાડી મેદાન પરના અમ્પાયરો સાથે થોડા કડક સ્વરમાં વાત કરતા પણ જોવા મળ્યા હતા. ગઈ કાલે વરસાદને કારણે સમય બગડતાં ત્રીજું સેશન સાંજે ૫.૧૫ વાગ્યે સમાપ્ત થશે એવું નક્કી થયું હતું, પણ મૅચ ૪.૫૦ વાગ્યે જ અટકાવવી પડી હતી.


ફાસ્ટેસ્ટ ૫૦૦, ૧૦૦૦, ૧૫૦૦, ૨૦૦૦ ટેસ્ટ-રન બાદ હવે...

ફાસ્ટેસ્ટ ૨૫૦૦ રન ફટકારનાર ભારતીય વિકેટકીપર બન્યો રિષભ પંત

ન્યુ ઝીલૅન્ડ સામે પહેલી ઇનિંગ્સમાં ૨૦ રન ફટકારનાર રિષભ પંતને સર્જરીવાળા પગમાં ઈજા થઈ હોવા છતાં બીજી ઇનિંગ્સમાં ૯૪.૨૯ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને તેણે ધમાલ મચાવી હતી. ૮૭મી ઓવરમાં ટિમ સાઉધી સામે તેણે ૧૦૭ મીટરની સિક્સર ફટકારીને સ્ટેડિયમની બહાર બૉલ પહોંચાડ્યો હતો. એ સમયે તે ૯૦ રનના સ્કોર પર રમી રહ્યો હતો. જોકે ૯૯ રનના સ્કોર પર કૅચઆઉટ થતાં તે સાતમી ટેસ્ટ-સેન્ચુરી એક રનથી ચૂકી ગયો હતો. તે સાતમી વાર ટેસ્ટ-ક્રિકેટમાં નર્વસ નાઇન્ટીનો શિકાર બન્યો છે. સૌથી વધુ ૧૦ વાર નર્વસ નાઇન્ટીનો શિકાર બનવાનો રેકૉર્ડ સચિન તેન્ડુલકરના નામે છે.

ટેસ્ટમાં ૯૯ રને આઉટ થનાર તે ઓવરઑલ અગિયારમો ભારતીય ક્રિકેટર છે. રિષભ પંત (૬૨ ઇનિંગ્સ) ભૂતપૂર્વ કૅપ્ટન એમ. એસ. ધોની (૬૯ ઇનિંગ્સ)ને પછાડીને ફાસ્ટેસ્ટ ૨૫૦૦ ટેસ્ટ-રન ફટકારનાર ભારતીય વિકેટકીપર પણ બન્યો છે. આ પહેલાં તે ફાસ્ટેસ્ટ ૫૦૦, ૧૦૦૦, ૧૫૦૦, ૨૦૦૦ ટેસ્ટ-રન ફટકારનાર ભારતીય વિકેટકીપર પણ હતો.

સરફરાઝ ખાનની પહેલવહેલી ઇન્ટરનૅશનલ સેન્ચુરી ભારતીય ટીમની ટેસ્ટ-ક્રિકેટમાં ૫૫૦મી સેન્ચુરી બની- ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા બાદ ભારત ત્રીજા નંબરે

મુંબઈમાં જન્મેલા ૨૬ વર્ષના સરફરાઝ ખાને બીજી ઇનિંગ્સમાં ૧૫૦ રનની ઇનિંગ્સ રમીને કિવી બોલર્સના હાલ બેહાલ કર્યા હતા. ૭૬.૯૨ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરનાર સરફરાઝ ખાને ફેબ્રુઆરી ૨૦૨૪માં ઇન્ટરનૅશનલ ડેબ્યુ કર્યું હતું અને આ તેની કરીઅરની પહેલી ઇન્ટરનૅશનલ સેન્ચુરી હતી. તેની આ પહેલવહેલી સેન્ચુરી ટેસ્ટ-ક્રિકેટમાં ભારતની ૫૫૦મી ટેસ્ટ-સેન્ચુરી બની હતી. 

ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ સેન્ચુરી ફટકારનાર દેશ
ઇંગ્લૅન્ડ૯૨૭
ઑસ્ટ્રેલિયા૮૯૨
ભારત૫૫૦
વેસ્ટ ઇન્ડીઝ૫૦૧
પાકિસ્તાન૪૩૨

ટેસ્ટ-ક્રિકેટમાં ભારત માટે માઇલસ્ટોન સેન્ચુરી કોણે-કોણે ફટકારી?
૦૧ - લાલા અમરનાથ (વર્ષ ૧૯૩૩)
૫૦ - પૉલી ઉમરીગર (વર્ષ ૧૯૬૧)
૧૦૦ - સુનીલ ગાવસકર (વર્ષ ૧૯૭૭)
૧૫૦ - સુનીલ ગાવસકર (વર્ષ ૧૯૮૩)
૨૦૦ - મોહમ્મદ અઝહરુદ્દીન (વર્ષ ૧૯૯૦)
૨૫૦ - સચિન તેન્ડુલકર (વર્ષ ૧૯૯૮)
૩૦૦ - સચિન તેન્ડુલકર (વર્ષ ૨૦૦૨)
૩૫૦ - વીવીએસ લક્ષ્મણ (વર્ષ ૨૦૦૭)
૪૦૦ - રાહુલ દ્રવિડ (વર્ષ ૨૦૧૦)
૪૫૦ - અજિંક્ય રહાણે (વર્ષ ૨૦૧૫)
૫૦૦ - વિરાટ કોહલી (વર્ષ ૨૦૧૮)
૫૫૦ - સરફરાઝ ખાન (વર્ષ ૨૦૨૪)

Whatsapp-channel Whatsapp-channel

20 October, 2024 09:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK