બૅન્ગલોરમાં પ્રથમ ટેસ્ટના બીજા દિવસે નંબર વન ટીમ ઇન્ડિયાની ભારે નામોશી, વિરાટ, સરફરાઝ, રાહુલ, જાડેજા અને અશ્વિન ખાતું પણ ન ખોલાવી શક્યા, પંચાવન વર્ષ બાદ પાંચ-પાંચ બૅટરો ઝીરોમાં: દિવસના અંતે ન્યુ ઝીલૅન્ડે બનાવ્યા ૩ વિકેટે ૧૮૦ રન
મૅટ હેન્રીએ આક્રમક બોલિંગ કરી ૧૫ રનમાં પાંચ વિકેટ લીધી હતી
બંગલાદેશનો વાઇટવૉશ કર્યા બાદ ન્યુ ઝીલૅન્ડને પણ ચીત કરવાના ઇરાદાથી ઊતરેલી ટીમ ઇન્ડિયાના ગઈ કાલે બૅન્ગલોરમાં બેહાલ થઈ ગયા હતા. ત્રણ ટેસ્ટની સિરીઝની પ્રથમ ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદે ધોઈ નાખ્યા બાદ ગઈ કાલે બીજા દિવસે ભારતીય બૅટરો પણ ધોવાઈ ગયા હતા અને ભારતમાં જ નહીં, એશિયા ખંડના સૌથી લોએસ્ટ માત્ર ૪૬ રનમાં ઑલઆઉટ થઈ ગયા હતા. એક, બે કે ત્રણ નહીં, પાંચ-પાંચ ભારતીય ધુરંધરો ખાતું પણ નહોતા ખોલાવી શક્યા. જે પિચ પર ભારતીય બૅટરો માત્ર ૩૧.૧ ઓવર જ ટકી શક્યા હતા ત્યાં કિવીઓએ ૫૦ ઓવર રમીને ૩ વિકેટે ૧૮૦ રન બનાવીને ૧૩૪ રનની લીડ લઈ લીધી હતી. ડેવોન કૉન્વે ૯૧ રન પર આઉટ થઈ જતાં સેન્ચુરી ચૂકી ગયો હતો. કૅપ્ટન ટૉમ લૅથમ ૧૫ અને વીલ યંગે ૩૩ રન કર્યા હતા. દિવસના અંતે રાચિન રવીન્દ્ર ૨૨ અને ડૅરિલ મિચલ ૧૪ રન સાથે અણનમ રહ્યા હતા. અશ્વિન, જાડેજા અને કુલદીપે એક-એક વિકેટ લીધી હતી.
ભેજવાળી કન્ડિશનમાં કૅપ્ટન રોહિત શર્મા ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાની મોટી ભૂલ કરી બેઠો હતો અને ટીમે નામોશી જોવી પડી હતી. સોશ્યલ મીડિયામાં રોહિતના ઓવર-કૉન્ફિડન્સની અને ભારતીય બૅટરોની ભારે ટીકા થઈ હતી અને અનેક મીમ્સ વાઇરલ થયાં હતાં.
ADVERTISEMENT
પાંચ બૅટર્સ ખાતું પણ ન ખોલાવી શક્યા
ટૉસ જીતીને પહેલાં બૅટિંગ પસંદ કર્યા બાદ ભારતે સાતમી ઓવરમાં કૅપ્ટન રોહિત શર્મા (બે રન)ની પહેલી વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ એક રન ઉમેરીને વિરાટ કોહલી કોહલી (ઝીરો) અને શુભમન ગિલ ફિટ ન થતાં છેલ્લી ઘડીએ ટીમમાં સામેલ થયેલા સરફરાઝ ખાન (ઝીરો)ની વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર યશસ્વી જાયસવાલે ૬૩ બૉલમાં ૧૩ રન સાથે થોડો સંઘર્ષ કર્યા બાદ ૩૧ રનના સ્કોરે ભારતની ચોથી વિકેટ પડી ગઈ હતી. ત્યાર બાદ ફરી ધબડકો થયો હતો અને ૩૩ રનના સ્કોરે કે. એલ. રાહુલ (ઝીરો), ૩૩ રનના જ સ્કોરે રવીન્દ્ર જાડેજા (ઝીરો) અને એ જ સ્કોરે રવિચન્દ્રન અશ્વિન (ઝીરો) પણ પૅવિલિયનમાં પાછા ફર્યા હતા. ટીમમાં હાઇએસ્ટ ૨૦ રન બનાવીને રિષભ પંતની ૩૯ રનના સ્કોરે આઠમી વિકેટ પડી હતી. ૪૦ રનના સ્કોરે નવમી અને ૩૧.૧ ઓવરમાં ૪૬ રનના સ્કોરે છેલ્લી વિકેટ પડતાં ટીમ ઇન્ડિયા સામે સૌથી મોટી નામોશી લખાઈ ગઈ હતી.
ઘરઆંગણે ટેસ્ટમાં બીજી વાર પાંચ-પાંચ ભારતીય બૅટરો ખાતું ખોલાવી નહોતા શક્યા. આ પહેલાં ૧૯૯૯માં ન્યુ ઝીલૅન્ડ સામે આવી જ હાલત થઈ હતી. જોકે એ ટેસ્ટ આખરે ડ્રૉ ગઈ હતી.
ટેસ્ટ-ક્રિકેટમાં ટૉપ આઠ બૅટર્સમાંથી પાંચ ખાતું પણ ન ખોલાવી શક્યા હોય એવી આ બીજી ઘટના હતી. આ પહેલાં ૧૮૮૮માં ઇંગ્લૅન્ડ સામે ઑસ્ટ્રેલિયાની આવી હાલત થઈ હતી. ભારતે ૩૫ રનમાં ૮ વિકેટ ગુમાવી દીધી હતી, જ્યારે ઑસ્ટ્રેલિયાએ ૬૩ રનમાં ૮ વિકેટ ગુમાવી હતી.
ટેસ્ટમાં એક જ ઇનિંગ્સમાં સૌથી વધુ ૬ ખેલાડીઓ ખાતું ન ખોલાવી શક્યાની નામોશીની બરોબરી કરવાથી જોકે ટીમ ઇન્ડિયા બચી ગઈ હતી. ૨૦૧૪માં ઇંગ્લૅન્ડ સામે અને ૨૦૨૪માં સાઉથ આફ્રિકા સામે ભારતના છ-છ બૅટર્સ ખાતું નહોતા ખોલાવી શક્યા. બંગલાદેશે સૌથી વધુ ૩ વાર આવી નામોશી જોઈ છે; જ્યારે પાકિસ્તાન, સાઉથ આફ્રિકા અને ન્યુ ઝીલૅન્ડની ટેસ્ટમાં એક-એક વાર છ-છ ખેલાડીઓ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયા છે.
શૂન્યવીરો
ગઈ કાલે વિરાટ કોહલી (૯ બૉલ), સરફરાઝ ખાન (૩ બૉલ), કે. એલ. રાહુલ (૬ બૉલ), રવીન્દ્ર જાડેજા (૬ બૉલ) અને રવીચન્દ્રન અશ્વિન (૧ બૉલ) ખાતું ખોલાવ્યા વિના પૅવિલિયન પાછા ફર્યા હતા.
પેસર્સ સામે ઝૂકી ગયા
ભારતની બધી વિકેટો ન્યુ ઝીલૅન્ડના પેસ બોલરોએ લીધી હતી. મૅટ હેન્રીએ ૧૫ રનમાં પાંચ, વિલિયમ ઓ’રુર્કે બાવીસ રનમાં ચાર અને ટીમ સાઉધીએ ૮ રનમાં એક વિકેટ લીધી હતી. ૨૦૧૨ બાદ પહેલી વાર ભારતમાં કોઈ ટીમના પેસ બોલરોએ દસેદસ વિકેટ લીધી છે. નવાઈની વાત એ છે કે ૧૯૮૮ બાદ આવા સાત બનાવમાંથી પાંચ વાર કિવી પેસરોએ કમાલ કરી છે.
લોએસ્ટ ઇન એશિયા
ભારતનો ૪૬ રનનો સ્કોર માત્ર ઘરઆંગણે નહીં, એશિયામાં ટેસ્ટમાં કોઈ પણ ટીમે બનાવેલો લોએસ્ટ સ્કોર બન્યો છે. એશિયામાં આ પહેલાંના લોએસ્ટ ૫૩ રનની નામોશી વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાનના નામે હતી. ૧૯૮૬માં વેસ્ટ ઇન્ડીઝ ફૈસલાબાદમાં પાકિસ્તાન સામે અને ૨૦૦૨માં પાકિસ્તાન શારજાહમાં ઑસ્ટ્રેલિયા સામે ૫૩ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું.
ઘરઆંગણે ભારતનો આ પહેલાંનો લોએસ્ટ સ્કોર ૭૫ રનનો હતો, જે ૧૯૮૭માં દિલ્હીમાં વેસ્ટ ઇન્ડીઝ સામે નોંધાયો હતો.
ઓવરઑલ ભારતનો આ ૩૬ (૨૦૨૦માં ઑસ્ટ્રેલિયામાં) અને ૪૨ (૧૯૭૪માં ઇંગ્લૅન્ડમાં) બાદ ત્રીજા નંબરનો લોએસ્ટ સ્કોર બન્યો છે.
536
વિરાટ કોહલીની આ આટલામી ઇન્ટરનૅશનલ મૅચ છે. આ સાથે સૌથી ઇન્ટરનૅશનલ મૅચ રમનાર ભારતીય ખેલાડીઓમાં મહેન્દ્ર સિંહ ધોની (૫૩૫)ને પાછળ રાખીને તે બીજા નંબરે આવી ગયો હતો. ૬૬૪ મૅચ સાથે સચિન તેન્ડુલકર ટૉપ પર છે.
38
કોહલી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં કુલ આટલામી વાર ઝીરોમાં આઉટ થયો હતો. આવી નામોશીના લિસ્ટમાં તે ભારતીય બૅટરમાં હરભજન સિંહ (૩૭)ને પાછળ રાખીને ત્રીજા ક્રમાંકે આવી ગયો હતો. આ યાદીમાં ઝહીર ખાન (૪૪) પહેલા અને ઇશાન્ત શર્મા (૪૦) બીજા નંબરે છે.
પંત થયો ઇન્જર્ડ, મેદાન છોડીને જવું પડ્યું
નામોશીભર્યા દિવસે ટીમ ઇન્ડિયા માટે વધુ એક ઘટનાએ ચિંતામાં મૂકી દીધા હતા. વિકેટકીપર બૅટર રિષભ પંતના ઘૂંટણમાં ઈજા થતાં તેણે મેદાન છોડીને જતા રહેવું પડ્યુ હતું. જાડેજાનો એક બૉલ જજ કરવામાં પંત થાપ ખાઈ જતાં એ તેના ઘૂંટણ પર વાગ્યો હતો. મેડિકલ ટીમની મહેનત છતાં પંત ફિટ ન થતાં આખરે પૅવિલિયનમાં પાછો ફર્યા હતો. ધ્રુવ જુરેલે તેના સ્થાને કીપિંગની જવાબદારી સંભાળી હતી. આટલા મહિને શરૂ થનારી ઑસ્ટ્રેલિયન ટફ ટૂર માટે પંતનું ટીમમાં હોવું જરૂરી હોવાથી ટીમ મૅનેજમેન્ટ ચિંતામાં મુકાઈ ગયું છે.
એશિયામાં લોએસ્ટ ટેસ્ટ સ્કોર
સ્કોર ટીમ વિરુદ્ધ વર્ષ
૪૬ ભારત ન્યુ ઝીલૅન્ડ ૨૦૨૪
૫૩ વેસ્ટ ઇન્ડીઝ પાકિસ્તાન ૧૯૮૬
૫૩ પાકિસ્તાન ઑસ્ટ્રેલિયા ૨૦૦૨
૫૯ પાકિસ્તાન ઑસ્ટ્રેલિયા ૨૦૦૨
ઘરઆંગણે ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાના લોએસ્ટ સ્કોર
રન ઓવર વિરુદ્ધ સ્થળ
૪૬ ૩૧.૨ ન્યુ ઝીલૅન્ડ બૅન્ગલોર
૭૫ ૩૦.૪ ઑસ્ટ્રેલિયા દિલ્હી
૭૬ ૨૦ સાઉથ આફ્રિકા અમદાવાદ
૮૩ ૨૭ ન્યુ ઝીલૅન્ડ મોહાલી
૮૮ ૩૩.૩ ન્યુ ઝીલૅન્ડ મુંબઈ
ટેસ્ટમાં ભારતનો ઓવરઆૅલ ઓવર સ્કોર
રન ઓવર વિરુદ્ધ સ્થળ
૩૬ ૨૧.૨ ઑસ્ટ્રેલિયા ઍડિલેડ
૪૨ ૧૭ ઇંગ્લૅન્ડ લોર્ડ્સ
૪૬ ૩૧.૨ ન્યુ ઝીલૅન્ડ બૅન્ગલોર
૫૮ ૨૧.૩ ઑસ્ટ્રેલિયા બ્રિસ્બેન
૫૮ ૨૧.૪ ઇંગ્લૅન્ડ મૅન્ચેસ્ટર
૩૬૫ દિવસમાં આવી એકાદ-બે ભૂલ થઈ જતી હોય છે : રોહિત
ટૉસ જીતીને વરસાદી માહોલમાં પહેલી બૅટિંગ કરવાનો નિર્ણય મારો હતો જેને લીધે અમે એવી પરિસ્થિતિમાં મુકાઈ ગયા કે ટીમ માત્ર ૪૬ રનમાં ઑલઆઉટ થઈ ગઈ. કૅપ્ટન તરીકે આ આંકડો જોઈને તમને ચોક્કસ દુ:ખ થાય. જોકે ૩૬૫ દિવસોમાં તમે આવા એકાદ-બે ભૂલભરેલા નિર્ણય લઈ લેતા હો છો.