પુણે ટેસ્ટ ૧૧૩ રનથી જીતીને ન્યુ ઝીલૅન્ડે ૦-૨થી ટેસ્ટ-સિરીઝ પણ જીતી લીધી : ૪૩૩૧ દિવસ બાદ ઘરઆંગણે ટેસ્ટ-સિરીઝ હાર્યું ભારત, કૅપ્ટન તરીકે રોહિત શર્મા ભારતમાં પહેલી ટેસ્ટ-સિરીઝ હાર્યો
ગઈ કાલે રવીન્દ્ર જાડેજાની વિકેટ લીધા બાદ ખુશખુશાલ ન્યુ ઝીલૅન્ડની ટીમ
પુણે ટેસ્ટમાં ગઈ કાલે ભારતને ૧૧૩ રને હરાવીને ન્યુ ઝીલૅન્ડે ત્રણ મૅચની સિરીઝમાં ૦-૨થી સિરીઝ-જીત મેળવી છે. ન્યુ ઝીલૅન્ડે પહેલી ઇનિંગ્સમાં ૨૫૯ રન બનાવ્યા હતા. એ પછી ભારતને ૧૫૬ રનમાં ઑલઆઉટ કરી દીધું હતું. ન્યુ ઝીલૅન્ડે બીજી ઇનિંગ્સમાં ૨૫૫ રન બનાવીને ભારતને જીતવા માટે ૩૫૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ ભારતીય ટીમ બીજી ઇનિંગ્સમાં ૨૪૫ રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતની ધરતી પર ન્યુ ઝીલૅન્ડની આ પહેલી ટેસ્ટ-સિરીઝ જીત છે. ૧૯૫૫-’૫૬થી ન્યુ ઝીલૅન્ડ ૨૦૨૧-’૨૨ સુધી ભારતની ધરતી પર ૧૨ ટેસ્ટ-સિરીઝ રમ્યું હતું જેમાંથી બે ટેસ્ટ-સિરીઝ ડ્રૉ રહી હતી.
ADVERTISEMENT
મિચેલ સૅન્ટનર પહેલી ઇનિંગ્સમાં ૭ વિકેટ અને બીજી ઇનિંગ્સમાં ૬ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ રહ્યો
ત્રીજા દિવસે ૧૯૮/૫ના સ્કોરથી શરૂઆત કરતાં ન્યુ ઝીલૅન્ડ ૬૯.૪ ઓવરમાં ૨૫૫/૧૦ના સ્કોર સુધી પહોંચી શક્યું હતું. પહેલી ઇનિંગ્સમાં ૭ વિકેટ લેનાર ડાબોડી સ્પિનર મિચેલ સૅન્ટનર બીજી ઇનિંગ્સમાં ૨૯ ઓવરમાં ૧૦૪ રન આપીને ૬ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. ભારત તરફથી બીજી ઇનિંગ્સમાં યશસ્વી જાયસવાલે ૭૭ અને રવીન્દ્ર જાડેજાએ ૪૨ રન બનાવ્યા હતા.
રોહિત શર્મા સાથે યશસ્વી જાયસવાલ અને ન્યુ ઝીલૅન્ડનો કૅપ્ટન ટૉમ લૅથમ
૪૩૩૧ દિવસ પહેલાં એટલે કે ડિસેમ્બર ૨૦૧૨માં છેલ્લે ભારત ઘરઆંગણે ટેસ્ટ-સિરીઝ હાર્યું હતું. એ સમયે ચાર મૅચની ટેસ્ટ-સિરીઝમાં ઇંગ્લૅન્ડે ૧-૨થી જીત મેળવી હતી. ત્યાર બાદ ભારત ઘરઆંગણે ૧૮ ટેસ્ટ-સિરીઝ રમ્યું, પણ કોઈ ટેસ્ટ-સિરીઝ હાર્યું નહોતું. ડિસેમ્બર ૨૦૨૨થી ભારતમાં ભારતીય ટીમે ૫૪ ટેસ્ટ રમી જેમાંથી ૪૨માં જીત અને પાંચમાં હાર મળી હતી અને ૭ મૅચ ડ્રૉ રહી હતી. ૨૦૨૧થી ટેસ્ટ-કૅપ્ટન રોહિત શર્માની ઘરઆંગણે આ પહેલી ટેસ્ટ-સિરીઝ હાર છે. તે ૨૧મી સદીમાં ઘરઆંગણે સૌથી વધુ ચાર ટેસ્ટ હારનાર ભારતીય કૅપ્ટન બન્યો છે. ઘરઆંગણે તેના નેતૃત્વમાં ભારત ૧૫ ટેસ્ટ રમ્યું છે.
યશસ્વી જાયસવાલ
30
આટલી ટેસ્ટ-સિક્સર એક કૅલેન્ડર યરમાં ફટકારનાર યશસ્વી જાયસવાલ પહેલો ભારતીય ક્રિકેટર બન્યો.
1056
આટલા ટેસ્ટ-રન આ વર્ષે યશસ્વીએ ભારતની ધરતી પર ફટકાર્યા, એક ભારતીય દ્વારા એક વર્ષમાં ઘરઆંગણે સૌથી વધુ રનનો રેકૉર્ડ બન્યો.
મને કોઈની ક્ષમતા પર શંકા નથી. હું કોઈ પણ રીતે એનું પોસ્ટમૉર્ટમ નહીં કરું, પરંતુ બૅટ્સમેનોએ પોતાની રણનીતિ પર વિશ્વાસ કરવો પડશે. - ભારતીય કૅપ્ટન રોહિત શર્મા

