વન-ડેમાં ફાસ્ટેસ્ટ ૧૦૦૦ રન બનાવવાનો કોહલી-ધવનનો વિક્રમ તોડવાની તેને તક : ઓપનિંગમાં કિશનને બદલે રોહિત સાથે ગિલનો વધુ ચાન્સ : આજે ન્યુ ઝીલૅન્ડ સામે પહેલી વન-ડે : મૅચ શરૂ થવાનો સમય બપોરે ૧.૩૦ વાગ્યે
India vs New Zealand
શુભમન ગિલ
હૈદરાબાદમાં આજે ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે ત્રણ મૅચવાળી સિરીઝની પ્રથમ વન-ડે રમાશે અને આ મૅચ તેમ જ સમગ્ર સિરીઝ ખાસ કરીને ઓપનર શુભમન ગિલ માટે કદાચ સૌથી મહત્ત્વની બની શકે એમ છે. વન-ડે ક્રિકેટમાં ભારતીય બૅટર્સમાં સૌથી ઝડપે (સૌથી ઓછી ઇનિંગ્સમાં) ૧૦૦૦ રન પૂરા કરવાનો વિક્રમ સંયુક્ત રીતે વિરાટ કોહલી અને શિખર ધવનના નામે છે. તેમણે ૨૪-૨૪ મૅચમાં આ સિદ્ધિ મેળવી હતી. જોકે ગિલે ફક્ત ૧૮ ઇનિંગ્સમાં ૮૯૪ રન બનાવ્યા છે અને કોહલી-ધવનના રેકૉર્ડ સુધી પહોંચવા તેને ફક્ત ૧૦૬ રનની જરૂર છે. તે આ જ સિરીઝમાં (૨૦ જેટલી ઇનિંગ્સમાં) ૧૦૦૦ રનના મૅજિક ફિગર સુધી પહોંચી શકે એમ છે.
ગિલ બહુ સારા ફૉર્મમાં છે. તાજેતરમાં શ્રીલંકા સામે ભારતે ૩-૦ના વાઇટવૉશ સાથે જે સિરીઝ જીતી એમાં ગિલના સ્કોર્સ ૭૦, ૨૧, ૧૧૬ હતા. ભારતે છેલ્લી મૅચ ૩૧૭ રનના વિક્રમજનક માર્જિનથી જીતી હતી.
ADVERTISEMENT
ઈશાન કિશને તાજેતરમાં બંગલાદેશ સામે વન-ડેની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી (૨૧૦ રન, ૧૩૧ બૉલ, ૧૦ સિક્સર, ૨૪ ફોર) ફટકારી હતી અને તે રાહુલની ગેરહાજરીમાં વિકેટકીપર તરીકેની જવાબદારી સંભાળશે. જોકે ગિલ વન-ડેમાં સતત ફૉર્મમાં રહ્યો હોવાથી કૅપ્ટન રોહિત શર્મા પોતાની સાથે ઓપનિંગમાં કદાચ ગિલને જ રમાડશે અને કિશને મિડલમાં રમવું પડશે.
22
ભારતીય ટીમ ૨૦૧૦થી અત્યાર સુધીમાં ઘરઆંગણે કુલ પચીસમાંથી આટલી વન-ડે સિરીઝ જીતી છે એટલે ન્યુ ઝીલૅન્ડ સામે પણ જીતવા માટે ફેવરિટ છે. જોકે કિવીઓની ટીમ ખૂબ સ્ટ્રોન્ગ છે.
આ પણ વાંચો : ICC Rankingsમાં ટૉપ પર પહોંચેલી ટીમ ઈન્ડિયા, આટલા કલાકમાં બીજા નંબરે? આમ કેમ?
શ્રેયસ સિરીઝની બહાર : પાટીદાર ટીમમાં, પણ સૂર્યાને વધુ ચાન્સ
ભારતનો મિડલ-ઑર્ડર બૅટર શ્રેયસ અય્યર પીઠના દુખાવાને કારણે ન્યુ ઝીલૅન્ડ સામેની સિરીઝની બહાર થઈ ગયો છે. રણજી ટ્રોફીના ડિફેન્ડિંગ ચૅમ્પિયન અને આઇપીએલમાં બૅન્ગલોર વતી રમતા રજત પાટીદારને વન-ડે માટેની સ્ક્વૉડમાં સમાવાયો છે. જો તેને રમવાનો મોકો મળશે તો તેની ઇન્ટરનૅશનલ કરીઅર શરૂ થઈ કહેવાશે. તેણે ૫૦ ફર્સ્ટ-ક્લાસ મૅચમાં ૧૧ સદીની મદદથી ૩૬૬૮ રન બનાવ્યા છે. જોકે પાટીદાર કરતાં ટીમ-મૅનેજમેન્ટ કદાચ સૂર્યકુમાર યાદવને રમાડવાનું પસંદ કરશે. સૂર્યકુમારે ૧૭ વન-ડેમાં બે હાફ સેન્ચુરીની મદદથી ૩૮૮ રન બનાવ્યા છે.
બન્ને દેશની ઓડીઆઇ ટીમ
ભારત : રોહિત શર્મા (કૅપ્ટન), હાર્દિક પંડ્યા (વાઇસ-કૅપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન (વિકેટકીપર), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રજત પાટીદાર, કે. એસ. ભરત (વિકેટકીપર), વૉશિંગ્ટન સુંદર, શાહબાઝ અહમદ, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક.
ન્યુ ઝીલૅન્ડ : ટૉમ લેથમ (કૅપ્ટન, વિકેટકીપર), ફિન ઍલન, ડેવૉન કૉન્વે, માર્ક ચૅપમૅન, હેન્રી નિકોલ્સ, ડેરિલ મિચલ, ગ્લેન ફિલિપ્સ, માઇકલ બ્રેસવેલ,
મિચલ સૅન્ટનર, હેન્રી શિપ્લે, ઇશ સોઢી, ડગ બ્રેસવેલ, જૅકબ
ડફી, લૉકી ફર્ગ્યુસન અને બ્લેર ટિકનેર.