ભૂતપૂર્વ ભારતીય કોચના મતે ઈજાને કારણે પંત બહાર છે, તો ફાસ્ટ બોલર બુમરાહ પહેલી બે ટેસ્ટમાં નહીં રમી શકે એથી રોહિતના નેતૃત્વવાળી ટીમને ચાર મૅચની સિરીઝમાં ઑસ્ટ્રેલિયા હરાવી શકે છે
બૅન્ગલોરમાં ટેસ્ટ માટેની તૈયારી કરી રહેલી ઑસ્ટ્રેલિયાની ટીમે પ્રૅક્ટિસ પિચમાં આ પ્રમાણે ખાડા પાડીને તૈયારી કરી હતી, જેથી સ્પિન ફ્રેન્ડ્લી પિચમાં સામનો સારી રીતે કરી શકાય. આવા ફોટો જોઈને ઑસ્ટ્રેલિયાના પ્રશંસકો તેમની ટીમની તૈયારીઓ પર ખુશ થઈ ગયા હતા.
ઑસ્ટ્રેલિયાના દિગ્ગજ બૅટર ગ્રેગ ચૅપલના મતે ઈજાને કારણે રિષભ પંત અને જસપ્રીત બુમરાહ સિરીઝમાં ન રમતા હોવાથી રોહિત શર્માના નેતૃત્વવાળી ભારતીય ટીમ થોડી નબળી હશે અને એને કારણે ઑસ્ટ્રેલિયા ચાર મૅચની સિરીઝ જીતી શકે છે. એક ભયાનક કાર-ઍક્સિડન્ટમાં ઈજા પામેલો રિષભ પંત આખું વર્ષ નહીં રમી શકે. બીજી તરફ ફાસ્ટ બોલર બુમરાહ પીઠની સમસ્યાને લીધે પહેલી બે ટેસ્ટ મૅચમાં રમી નહીં શકે. ‘સિડની મૉર્નિંગ હેરાલ્ડ’ની પોતાની કૉલમમાં ચૅપલે કહ્યું કે ‘ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ઘૂંટણની ઈજામાંથી સાજો થયા બાદ વાપસી કરી રહ્યો છે. તે ગયા મહિને રણજી ટ્રોફીમાં રમ્યો હતો. નાગપુરમાં ગુરુવારથી શરૂ થઈ રહેલી મૅચમાં પણ તે રમશે.’
ભારતના ભૂતપૂર્વ કોચ રહી ચૂકેલા ગ્રેગ ચૅપલે કહ્યું કે ‘ઘણી વાર પ્રવાસી ટીમને એવું લાગે છે કે મૅચ ડ્રૉ જશે, પરંતુ અચાનક પરિસ્થિતિ બદલાઈ જાય છે. ભારત હાવી થઈ જાય છે. ઑસ્ટ્રેલિયાએ આવી પરિસ્થિતિમાં બૅટ અને બૉલ ઉપરાંત માનસિક રીતે પણ તૈયાર રહેવું પડશે. ઑસ્ટ્રેલિયામાં ઍસ્ટન ઍગર એકમાત્ર લેફ્ટ-આર્મ સ્પિનર છે, જે ટર્ન લેતી પિચ પર નૅથન લાયનનો સાથ આપશે.’
ADVERTISEMENT
ચૅપલે કહ્યું કે ‘ટેસ્ટ વિકેટમાં ૬૧૯ વિકેટ લેનાર સ્પિનર અનિલ કુંબલેનો બૉલ સીધો અને નીચો રહેતો હતો. બૅટરને ખબર હોય કે બૉલ ચૂકશે તો સમસ્યા સર્જાશે. જાડેજા પણ કોઈ જાતની ભૂલ વગર બોલિંગ કરે છે. ઍગરે આ બોલરોનું અનુકરણ કરવું પડશે.’
સ્પિનર એરાપલ્લી પ્રસન્ના સાથેની વાતચીતને યાદ કરતાં તેમણે કહ્યું કે ‘પ્રસન્ના કહેતો કે લાઇનમાં ભૂલ હોય તો ચાલે, પરંતુ લેંગ્થમાં કોઈ પણ જાતની ભૂલ ન ચાલે. સ્પિનર નૅથન લાયને પણ આ વાત શીખવી પડશે. ઑસ્ટ્રેલિયાએ પોતાના બૅટર્સની સમસ્યાને દૂર કરવી પડશે, ડેવિડ વૉર્નર ખરાબ ફૉર્મમાં છે. તેણે ભારતમાં તેનો રેકૉર્ડ સુધારવો પડશે. ઉસ્માન ખ્વાજા, ઍલેક્સ કેરી, ટ્રેવિસ હેડ અને કૅમરન ગ્રીને પાકિસ્તાન અને શ્રીલંકા કરતાં વધુ ગુણવત્તાવાળા સ્પિનરનો સામનો કરવો પડશે. માર્કસ લબુશેન માટે આ સૌથી મોટી પરીક્ષા હશે. સ્ટીવ સ્મિથની બૅટિંગક્ષમતાની પણ કસોટી થશે.’
19
ઑસ્ટ્રેલિયાની ટીમ છેલ્લે આટલાં વર્ષ પહેલાં ભારતને ઘરઆંગણે હરાવીને ટેસ્ટ સિરીઝ જીતી હતી.
15
ભારત આટલી ટેસ્ટ સિરીઝ ઘરઆંગણે જીતી છે.