ભારતનો વન-ડે અને ટેસ્ટ કૅપ્ટન રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ટી૨૦ નહીં રમે તેમ જ આ મામલે તેણે વન-ડે વર્લ્ડ કપ પહેલાં જ ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચા કરી હતી. નવેમ્બર ૨૦૨૨માં ટી૨૦ વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ભારતના પરાજય બાદ રોહિત એક પણ ટી૨૦ ઇન્ટરનૅશનલ રમ્યો નથી.
અરશદીપ સિંઘ, જીતેશ શર્મા, સૂર્યકુમાર યાદવ
વર્લ્ડ કપની ફાઇનલમાં મળેલી હારની નિરાશાને સૂર્યકુમાર યાદવે ખંખેરીને યુવા ખેલાડીઓ સાથે મળીને મજબૂત ઑસ્ટ્રેલિયાની ટીમ સાથે આજથી ટક્કર લેવી પડશે. પાંચ ટી૨૦ મૅચોની સિરીઝની પહેલી મૅચ આજે વિશાખાપટ્ટનમમાં રમાશે. હારના ઘા ઊંડા છે, જેને રૂઝાતા સમય લાગશે, પરંતુ સૂર્યકુમાર યાદવ પાસે એના પ્રદર્શનની સમીક્ષાનો કોઈ સમય નથી. ટીમના કૅપ્ટન તરીકે તે સિરીઝ જીતવા તો માગશે જ, સાથોસાથ નાના ફૉર્મેટમાં સારા ખેલાડીઓને પણ ચકાસશે, જેઓને આવતા વર્ષે જૂન-જુલાઈમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં રમાનારા આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપમાં રમાડી શકાય.
આઇપીએલ સ્ટાર્સની પરીક્ષા
યશસ્વી જયસ્વાલ, રિન્કુ સિંહ, તિલક વર્મા, જિતેશ શર્મા અને મુકેશ કુમારે છેલ્લા કેટલાક મહિનાઓ દરમ્યાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. જોકે હવે તેમની ખરી કસોટી થશે, કારણ કે ઑસ્ટ્રેલિયાની ટી૨૦ ટીમમાં ઓપનર ટ્રેવિસ હેડ, ગ્લેન મૅક્સવેલ, લેગ-સ્પિનર ઍડમ ઝૅમ્પા અને ભૂતપૂર્વ કૅપ્ટન સ્ટીવ સ્મિથ જેવા વર્લ્ડ કપના કેટલાક હીરો છે. વળી આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કરનારા માર્કસ સ્ટોઇનિસ, નૅથન એલિસ, ટિમ ડેવિડ જેવાં નામો છે. રેગ્યુલર પ્રેશર વિના મૅથ્યુ વેડની આગેવાની હેઠળ ટીમ ઘણી જ મજબૂત દેખાય છે. ટી૨૦ વર્લ્ડ કપની સેમી ફાઇનલની હાર બાદ કૅપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને લોકેશ રાહુલને ટી૨૦ માટે ગણતરીમાં લેવામાં આવતા જ નથી.
રિન્કુએ અત્યાર સુધી તમામને પ્રભાવિત કર્યા છે. યશસ્વી, તિલક અને મુકેશ કુમારે પણ સારું પ્રદર્શન કર્યું છે. ઈશાન કિશને પોતાના સ્થાનને મજબૂત કરવા ઘણી મહેનત કરવી પડશે. કૅન રિચર્ડ્સન, નૅથન એલિસ, સીન ઍબોટ અને લેફ્ટી જૅસન બેહરેનડોર્ફ જેવા બોલરો સામે ભારતના યુવા બૅટર્સની કસોટી થવાની છે.
ADVERTISEMENT
ગિલનો પાર્ટનર કોણ?
વચગાળાનો કોચ વીવીએસ લક્ષ્મણ કેવી કામગીરી કરે છે એ જાણવું રસપ્રદ રહેશે. શુભમન ગિલ સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં ટીમમાં વાપસી કરશે ત્યારે તેના પાર્ટનર તરીકે ઘણા બધા વિકલ્પો ટીમમાં હશે. ઑસ્ટ્રેલિયા સામે રમાનારી સિરીઝમાં ઋતુરાજ ગાયકવાડ અને જયસ્વાલ અથવા તો ઈશાન કિશન પૈકી કોઈ એક બૅટિંગની શરૂઆત કરશે. હાર્દિક પંડ્યા જ્યારે ટીમનું નેતૃત્વ કરશે ત્યારે તે વાઇસ કૅપ્ટન તરીકે ત્રીજા અથવા ચોથા ક્રમાંકે બૅટિંગ કરશે. વન-ડે ટીમ કરતાં ઊલટું ટી૨૦ ટીમમાં ઘણા બધા સાત લેફ્ટી છે, જેમાં જયસ્વાલ, કિશન, તિલક વર્મા, રિન્કુ સિંહ સાથે ઑલરાઉન્ડર અક્ષર પટેલ, શિવમ દુબે અને વૉશિંગ્ટન સુંદરનો સમાવેશ
થાય છે.
ઘા ભરાતાં વાર લાગશે
ઑસ્ટ્રેલિયા સામેની મૅચ પહેલાં પત્રકારો સાથે વાત કરતાં કૅપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે ‘હારને ભૂલવી મુશ્કેલ છે. આ ઘાને રૂઝાતા સમય લાગશે. એક ઘટના બની અને બીજા દિવસે તમે ઊઠ્યા અને બધું ભૂલી ગયા એવું ન બને, કારણ કે આ ઘણી જ લાંબી ટુર્નામેન્ટ હતી. અમે એ જીતવા માગતા હતા, પરંતુ અમારે બધું ભૂલીને આગળ વધવું પડશે. આ એક યુવા ટીમ છે, જેમાં નવો જુસ્સો છે. વન-ડે વર્લ્ડ કપમાં અમે ઘણી જ સકારાત્મક ક્રિકેટ રમ્યા હતા. અમને એના પર ગર્વ છે.
રોહિતની ટી૨૦ કરીઅરનો અંત?
ભારતીય કૅપ્ટને ઘણા સમય પહેલાં જ સિલેક્ટરોને પોતાના આ નિર્ણય વિશે માહિતી આપી હતી. ઓપનરના વિકલ્પ તરીકે યશસ્વી જૈસવાલ, ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડ પર નજર
ભારતનો વન-ડે અને ટેસ્ટ કૅપ્ટન રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ટી૨૦ નહીં રમે તેમ જ આ મામલે તેણે વન-ડે વર્લ્ડ કપ પહેલાં જ ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચા કરી હતી. નવેમ્બર ૨૦૨૨માં ટી૨૦ વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ભારતના પરાજય બાદ રોહિત એક પણ ટી૨૦ ઇન્ટરનૅશનલ રમ્યો નથી. હાર્દિક પંડ્યા જ ત્યારથી ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. ૩૬ વર્ષના ખેલાડીએ ૧૪૮ મૅચમાં ૩૮૫૩ રન બનાવ્યા છે, જેમાં ચાર સદી સામેલ છે. નામ ન આપવાની શરતે ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીએ કહ્યું હતું કે ‘આ કંઈ નવી વાત નથી. વન-ડે વર્લ્ડ કપ પર ધ્યાન આપવા માટે રોહિત એક વર્ષથી ટી૨૦ ઇન્ટરનૅશનલ રમ્યો નથી. આ મામલે તેણે સિલેક્શન કમિટીના ચૅરમૅન અજિત આગરકર સાથે વાત કરી છે.’ રોહિતની ગેરહાજરીમાં ભારત પાસે ઓપનિંગના ચાર વિકલ્પ છે જેમાં શુભમન ગિલ, યશસ્વી જૈસવાલ, ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડનો સમાવેશ થાય છે. આ તમામ આઇપીએલમાં પોતાને પુરવાર કરી ચૂક્યા છે. જો આ ખેલાડીઓ સારું પ્રદર્શન નહીં કરે એવા સંજોગોમાં જ રોહિતને પોતાના નિર્ણય વિશે ફેરવિચાર કરવાનું જણાવવામાં આવી શકે છે. કારકિર્દીના આ તબક્કે રોહિત કોઈ પણ જાતની ઈજાથી બચવા માગશે. કૅપ્ટન પોતાનું ધ્યાન રેડ પૉલ ક્રિકેટ પર આપશે તેમ જ ૨૦૨૫માં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરવા માગશે.

