ભારતીય વિકેટકીપરના પ્રદર્શનથી ડરી ગયો છે ઑસ્ટ્રેલિયન કૅપ્ટન પૅટ કમિન્સ
પેટ કમિન્સ
બાવીસમી નવેમ્બરથી રમાનારી પાંચ ટેસ્ટની બૉર્ડર-ગાવસકર ટ્રોફી પહેલાં ઑસ્ટ્રેલિયન કૅપ્ટન પૅટ કમિન્સે સ્ટાર ભારતીય વિકેટકીપર-બૅટર વિશે નિવેદન આપતાં કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયામાં સતત બે ટેસ્ટ-સિરીઝ જીતવાના ભારતના અભિયાનમાં રિષભ પંતનો મોટો પ્રભાવ રહ્યો છે. અમારે તેને શાંત રાખવાનો પ્રયાસ કરવો પડશે. દરેક ટીમમાં એક કે બે ખેલાડી એવા છે જે મૅચનો માર્ગ બદલી શકે છે. ટ્રૅવિસ હેડ અને મિચલ માર્શ અમારા એવા જ ખેલાડીઓ છે.’
૨૬ વર્ષના રિષભ પંતે ઑસ્ટ્રેલિયા સામેની તેની છેલ્લી બે ટેસ્ટ-સિરીઝમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આ સમયગાળા દરમ્યાન પંતે ૧૨ ઇનિંગ્સમાં ૬૨૪ રન બનાવ્યા અને એમાં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ ૧૫૯ રનનો હતો.