રેગ્યુલર બોલર્સ જાડેજા, શમી, ઉમેશને વિકેટ નહોતી મળી,
India vs Australia
ગઈ કાલે અમદાવાદમાં પ્લેયર ઑફ ધ સિરીઝનો સંયુક્ત અવૉર્ડ જીત્યા બાદ મજાકના મૂડમાં જાડેજા અને અશ્વિન. ‘બાપુ’ તરીકે જાણીતા જાડેજાએ અશ્વિનને સરખો હિસ્સો આપવાને બદલે છેલ્લી જાડી પ્લેટ પોતાના કબજામાં કરી લીધી હતી અને બન્ને સ્પિનર્સ હસતાં-હસતાં પાછા આવ્યા હતા.
અમદાવાદમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી અને નિર્ણાયક ટેસ્ટ ગઈ કાલે પાંચમા દિવસે નીરસ ડ્રૉમાં ગઈ હતી. કાંગારૂઓએ વિના વિકેટે ૩ રન પરથી રમવાનું શરૂ કર્યું હતું અને છેલ્લે લગભગ ૨૦ ઓવર બાકી હતી ત્યારે તેમનો સ્કોર (૭૯મી ઓવરની શરૂઆતમાં) ૧૭૫/૮ ડિક્લેર્ડ હતો અને બન્ને ટીમના ખેલાડીઓએ અમ્પાયર સાથેની ચર્ચા બાદ ડ્રૉ માટે હાથ મિલાવી લીધા હતા. એ વખતે ઑસ્ટ્રેલિયનો ૯૧ રનની લીડ ઉતાર્યા બાદ ૮૪ રનથી આગળ હતા. ટ્રેવિસ હેડ (૯૦ રન, ૧૬૩ બૉલ, ૨૪૩ મિનિટ, બે સિક્સર, દસ ફોર) અક્ષર પટેલના બૉલમાં ક્લીન બોલ્ડ થતાં ૧૦ રન માટે છઠ્ઠી સદી ચૂકી ગયો હતો. નાઇટ વૉચમૅન ૬ રને અશ્વિનના બૉલમાં એલબીડબ્લ્યુ થઈ ચૂક્યો હતો, જ્યારે માર્નસ લબુશેન (૬૩ અણનમ, ૨૧૩ બૉલ, ૨૭૦ મિનિટ, સાત ફોર) અને કૅપ્ટન સ્ટીવ સ્મિથ (૧૦ અણનમ, ૫૯ બૉલ, ૬૬ મિનિટ, બે ફોર) છેક સુધી આઉટ નહોતા થયા.
ભારતના સાત બોલર્સમાં અશ્વિને ૫૮ રનમાં અને અક્ષરે ૩૬ રનમાં એક વિકેટ લીધી હતી. રેગ્યુલર બોલર્સ જાડેજા, શમી, ઉમેશને વિકેટ નહોતી મળી, જ્યારે નૉન-રેગ્યુલર બોલર પુજારાની એક ઓવરમાં એક રન બન્યો હતો અને શુભમન ગિલની ૧.૧ ઓવરમાં એક રન થયો હતો. કોહલીને પ્રથમ દાવની યાદગાર સદી (૧૮૬ રન) બદલ મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. સિરીઝમાં સૌથી વધુ પચીસ વિકેટ લેનાર અશ્વિન તેમ જ પહેલી બન્ને ટેસ્ટમાં મૅન ઑફ ધ મૅચ બનેલા જાડેજા જેણે સિરીઝમાં કુલ બાવીસ વિકેટ લીધી હતી તેને સંયુક્ત રીતે પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.
ADVERTISEMENT