મેલબર્ન ટેસ્ટમાં મળેલી કારમી હાર બાદ કૅપ્ટન રોહિત શર્મા કહે છે...
રોહિત શર્મા
ખરાબ ફૉર્મમાં ચાલી રહેલા રોહિત શર્માએ છેલ્લી ત્રણ ટેસ્ટ-મૅચની છ ઇનિંગ્સમાં માત્ર ૩૧ રન બનાવ્યા છે. સિડની ટેસ્ટ બાદ તે આ ફૉર્મેટમાંથી રિટાયરમેન્ટ લેશે અથવા કૅપ્ટન્સી છોડશે એવી ચર્ચા થઈ રહી છે. મેલબર્નમાં ઑસ્ટ્રેલિયા સામે ચોથી ટેસ્ટ-મૅચમાં કારમી હાર બાદ તેણે પ્રેસ-કૉન્ફરન્સમાં પણ પ્રદર્શન વિશે નિરાશા વ્યક્ત કરી છે.
કેટલાંક પરિણામ અમારી તરફેણમાં નહોતાં એ જોઈ એક કૅપ્ટન તરીકે નિરાશા થઈ. આ હાર માનસિક રીતે ખૂબ પરેશાન કરનારી છે. જેના માટે અમે અહીં આવ્યા અને એ ન કરી શકાય ત્યારે નિરાશા થાય છે.
ADVERTISEMENT
અમારે ટીમ તરીકે અને વ્યક્તિગત રીતે અવલોકન કરવું પડશે. સિડનીમાં સારું પ્રદર્શન કરી શકીએ તો સિરીઝ ૨-૨થી બરાબર કરી લઈશું. ૩૧ ડિસેમ્બરે સિડની માટે રવાના થયા બાદ પાંચમી ટેસ્ટ માટે માત્ર બે દિવસ હશે. સમય ઘણો ઓછો છે, પરંતુ અમે હાર માનવા માગતા નથી. સિડની પહોંચીને અમે ફૉર્મમાં પરત ફરવા શક્ય એટલું બધું જ કરીશું. અમે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે ઑસ્ટ્રેલિયા આવનારી ટીમો માટે અહીં રમવું સરળ નથી.
મેલબર્નમાં અમને બોલિંગ માટે વધુ સપોર્ટ જોઈતો હતો. એથી શુભમન ગિલને ન રમાડવાનો નિર્ણય વ્યક્તિગત નહોતો. દરેકને સમજવું પડશે કે અમે ટીમના હિતને ધ્યાનમાં રાખીને પ્લેઇંગ ઇલેવન નક્કી કરીએ છીએ.
જ્યારે અમે નીતીશ કુમાર રેડ્ડીને પહેલી વાર જોયો ત્યારે અમને ખબર હતી કે તેનામાં ઘણી ક્ષમતા છે. એથી જ તે પહેલી વાર અહીં આવ્યો અને બતાવ્યું કે તે શું કરવા સક્ષમ છે. તેની પાસે ભારતના મહાન ક્રિકેટરોમાંના એક બનવાની ક્ષમતા છે. તે ખૂબ જ મજબૂત ભાવના ધરાવતો પ્લેયર છે. તે જાણે છે કે કેવી રીતે મેદાન પર લડવાનું છે.
જસપ્રીત બુમરાહ જેવા બોલર્સ જ્યારે શાનદાર ફૉર્મમાં હોય છે ત્યારે અમે તેનો શક્ય એટલો વધુ ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ ઈજાની સંભાવના વધારે હોય એટલે મેં ખૂબ કાળજી લીધી છે. હું બુમરાહ સાથે વાત કરું છું કે તે કેવું અનુભવે છે. જસપ્રીત બુમરાહે ૪ ટેસ્ટમાં કુલ ૧૪૧.૨ ઓવર ફેંકીને ૩૦ વિકેટ લીધી છે.
રિષભ પંતે જાતે જ નક્કી કરવું પડશે કે કયો શૉટ રમવાથી આઉટ થવાનું કેટલું જોખમ છે. બધાએ પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય શૉટ રમવા જોઈએ.