ચોથી ટેસ્ટમાં ૩૪૦ રનના ટાર્ગેટ સામે રોહિત ઍન્ડ કંપની માત્ર ૧૫૫ રનમાં સમેટાઈ ગઈ, ૧૮૪ રનની જીતથી કાંગારૂઓએ BGTમાં ૨-૧ની શાનદાર લીડ મેળવી લીધી
મેલબર્નમાં ભારતીય પ્લેયર્સની વિકેટની ઉજવણી કરતી કાંગારૂ ટીમ.
મેલબર્ન ટેસ્ટમાં પાંચમા દિવસે ઑસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમે ૧૮૪ રને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પાંચ મૅચની સિરીઝમાં ૨-૧થી લીડ મેળવીને કાંગારૂ ટીમે બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT) પર પોતાની પકડ મજબૂત કરી છે. પાંચમા દિવસે બીજી ઇનિંગ્સમાં ૨૩૪ રનના સ્કોર પર ઑલઆઉટ થઈને યજમાન ટીમે ૩૪૦ રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. જો રોહિત ઍન્ડ કંપનીએ આ ટાર્ગેટ ચેઝ કર્યો હોત તો આ મેદાન પર એ સૌથી મોટી સફળ રન-ચેઝ બની હોત પણ ભારતીય ટીમ બીજી ઇનિંગ્સમાં ૭૯.૧ ઓવરમાં ૧૫૫ રન બનાવી ઑલઆઉટ થઈ હતી. પહેલી ઇનિંગ્સમાં ઑસ્ટ્રેલિયાએ ૪૭૪ રન અને ભારતે ૩૬૯ રન બનાવ્યા હતા.
ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસમાં ૬૦મી વાર ભારતીય ટીમને ૩૦૦ પ્લસ રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતીય ટીમ ૪૯મી વાર આ ટાર્ગેટ ચેઝ કરવામાં અસફળ રહી છે, જ્યારે ૮ વાર ટેસ્ટ ડ્રૉ રહી છે અને માત્ર ત્રણ વાર ૩૦૦ પ્લસ રનનો ટાર્ગેટ ચેઝ કરવામાં ભારતીય ટીમ સફળ રહી છે.
ADVERTISEMENT
૭૮મી ઓવરમાં આખી ઑસ્ટ્રેલિયન ટીમે પિચની નજીક આવીને કરી હતી ફીલ્ડિંગ.
ઑસ્ટ્રેલિયન ટીમે પાંચમા દિવસની શરૂઆતમાં ૧૦ બૉલમાં ૬ રન ઉમેર્યા હતા. જસપ્રીત બુમરાહે નૅથન લાયન (૪૧ રન)ની વિકેટ લઈને તેની સ્કૉટ બોલૅન્ડ (૧૫ રન) સાથેની પાર્ટનરશિપ તોડીને ઑસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ્સનો અંત આણ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ચાર વિકેટ લેનાર બુમરાહે બીજી ઇનિંગ્સમાં ૨૪.૪ ઓવરમાં ૫૭ રન આપી પાંચ વિકેટ ઝડપી હતી.
૩૪૦ રનના ટાર્ગેટ સામે ભારતની ઓપનિંગ જોડીએ ૧૬.૧ ઓવરમાં પચીસ રનની ધીરજપૂર્વકની પાર્ટનરશિપથી ઇનિંગ્સની શરૂઆત કરી હતી પણ કૅપ્ટન રોહિત શર્મા (૯ રન), કે. એલ. રાહુલ (શૂન્ય રન), વિરાટ કોહલી (પાંચ રન)ની શરૂઆતની મોટી વિકેટથી ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો હતો. બીજા સેશનના અંત સુધી રિષભ પંત (૧૦૪ બૉલમાં ૩૦ રન) અને યશસ્વી જાયસવાલે (૨૦૮ બૉલમાં ૮૪ રન) ચોથી વિકેટ માટે ૧૯૭ બૉલમાં ૮૮ રનની પાર્ટનરશિપ કરીને ભારતની ઇનિંગ્સને સંભાળી હતી.
મૅચ બાદ સૅમ કૉન્સ્ટૅસ અને ટ્રૅવિસ હેડને મળ્યો વિરાટ કોહલી.
ત્રીજા સેશનમાં ઑસ્ટ્રેલિયન ટીમે શાનદાર વાપસી કરીને યાદગાર જીત મેળવી હતી. પહેલી ઇનિંગ્સના હીરો નીતીશ કુમાર રેડ્ડી એક રન અને વૉશિંગ્ટન સુંદર અણનમ પાંચ રન બનાવી શક્યા હતા. ડિસેમ્બર ૨૦૧૪ બાદ બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં પહેલી વાર કાંગારૂ ટીમ બે ટેસ્ટ જીતવામાં સફળ રહી છે. છેલ્લી ચાર ટેસ્ટ-સિરીઝમાં ઑસ્ટ્રેલિયા એક-એક ટેસ્ટ જ જીતી શક્યું છે.
5
ટેસ્ટક્રિકેટમાં આટલી હારનો એક સીઝનમાં સામનો કરનાર કૅપ્ટન સચિન તેન્ડુલકર (૧૯૯૯-૨૦૦૦)ના ભારતીય રેકૉર્ડની બરાબરી કરી કૅપ્ટન રોહિત શર્માએ.
6
આટલી ઇનિંગ્સમાં આ વર્ષે ભારત ૧૬૦ રનથી ઓછામાં ઑલઆઉટ થયું છે. વર્ષ ૧૯૫૨ અને ૧૯૫૯ બાદ ત્રીજી વાર આવું બન્યું.
10
આટલી વાર ટેસ્ટમાં આ સીઝનમાં સિંગલ ડિજિટમાં આઉટ થયો રોહિત શર્મા, ટૉપ-૭ બૅટર્સમાં આ વિશ્વની પહેલી ઘટના.