જોકે ટી૨૦નો આ નંબર-વન બૅટર ભારતીયોમાંથી વન-ડે ક્રિકેટમાં આ ખરાબ રેકૉર્ડ કરનાર પ્રથમ પ્લેયર છે ઃ સચિન એકથી વધુ બૉલમાં સતત ત્રણ વાર ઝીરો પર આઉટ થયેલો
India vs Australia
સૂર્યકુમાર યાદવ
ભારત ગઈ કાલે ચેન્નઈમાં ઑસ્ટ્રેલિયા સામે હારી ગયું એ પહેલાં ટી૨૦ ઇન્ટરનૅશનલ ક્રિકેટના આપણા વર્લ્ડ નંબર-વન બૅટર સૂર્યકુમાર યાદવે તેના કરોડો ચાહકોને નારાજ કરી દીધા હતા. તે ઉપરાઉપરી ત્રીજી વન-ડેમાં પોતાના પહેલા જ બૉલમાં આઉટ થઈ જતાં તેના નામે ગોલ્ડન ડકની હૅટ-ટ્રિક નોંધાઈ ગઈ છે. જોકે સૂર્યકુમાર લાગલગાટ ત્રણ વન-ડેમાં પહેલા બૉલે ઝીરો પર વિકેટ ગુમાવનારો પ્રથમ ભારતીય જરૂર છે, પરંતુ આવો ખરાબ રેકૉર્ડ નોંધાવનાર તે વિશ્વનો ૧૪મો ખેલાડી છે. સચિન તેન્ડુલકર સહિત બીજા કુલ પાંચ ખેલાડી વન-ડેમાં ગોલ્ડન-ડકની હૅટ-ટ્રિક કરી ચૂક્યા છે, પરંતુ એમાંથી એકેય ખેલાડીએ સતત ત્રણેય વખત પહેલા બૉલમાં વિકેટ નહોતી ગુમાવી.
2378
વન-ડેના ફૉર્મેટમાં કુલ આટલા ગોલ્ડન ડક (પહેલા જ બૉલમાં આઉટ) નોંધાયા છે, પરંતુ સૂર્યકુમાર ઓડીઆઇ સિરીઝની ત્રણેય મૅચમાં ગોલ્ડન ડકનો શિકાર થયો છે.
ADVERTISEMENT
મીડિયામાં સૂર્યા વિશે નેગેટિવ-પૉઝિટિવ કમેન્ટ્સ
(૧) સૂર્યકુમાર કેટલો બધો સારો બૅટર છે, તે એક પણ બૉલ બગાડતો નથી.
(૨) મિસ્ટર ૩૬૦ ડિગ્રી તરીકે જાણીતા સૂર્યકુમારે ત્રણ બૅક-ટુ-બૅક ગોલ્ડન ડકથી વન-ડે ક્રિકેટને પાછી ચર્ચામાં લાવી દીધી.
(૩) સૂર્યકુમારની દયા આવે છે. તે હવે પછી રમવાનો મોકો મળશે ત્યારે માનસિક રીતે વધુ મજબૂત બનીને આવશે અને પુષ્કળ રન બનાવશે એવી પ્રાર્થના.
(૪) સૂર્યા સતત ફ્લૉપ ગયો હોવાથી હવે સંજુ સૅમસનના ચાહકો ખુશ થયા હશે, કારણ કે હવે પછી તેના સ્થાને સૅમસનને રમવાનો મોકો મળી શકે.
(૫) વન-ડેના વર્લ્ડ કપ માટે આપણે ટીમ તૈયાર કરી રહ્યા છીએ અને એમાં સૂર્યકુમારનું પત્તું અત્યારથી જ કપાઈ ગયું સમજો.
કોણ સતત ત્રણ વન-ડેમાં પોતાના પહેલા બૉલમાં (ગોલ્ડન ડકમાં) આઉટ થયું છે?
(૧) ન્યુ ઝીલૅન્ડનો ટૉની બ્લેન, ૧૯૮૬માં (૨) ઇંગ્લૅન્ડનો ઍલેક સ્ટુઅર્ટ, ૧૯૮૯માં (૩) ઇંગ્લૅન્ડનો ઇયાન બ્લૅકવેલ, ૨૦૦૩માં (૪) કૅનેડાનો નિકોલસ ડી ગ્રુટ, ૨૦૦૩માં (૫) ઝિમ્બાબ્વેનો વુસી સિબાન્દા, ૨૦૦૩માં (૬) ઝિમ્બાબ્વેનો તિનાશે પન્યાનગરા, ૨૦૦૩માં (૭) ઑસ્ટ્રેલિયાનો ઍન્ડ્રયુ સાયમંડ્સ, ૨૦૦૩માં (૮) ઑસ્ટ્રેલિયાનો બ્રેટ લી, ૨૦૦૯માં (૯) ઑસ્ટ્રેલિયાનો શેન વૉટ્સન, ૨૦૦૯માં (૧૦) કેન્યાનો જેમ્સ ઍન્ગોશે, ૨૦૧૦માં (૧૧) વેસ્ટ ઇન્ડીઝનો દેવેન્દ્ર બિશુ, ૨૦૧૧માં (૧૨) આયરલૅન્ડનો ઍલેક્સ ક્યુસેક, ૨૦૧૨માં (૧૩) ઝિમ્બાબ્વેનો બ્લેસિંગ મુઝરબાની, ૨૦૨૧માં અને (૧૪) ભારતનો સૂર્યકુમાર યાદવ, ૨૦૨૩માં.
વન-ડેમાં ભારતીયોમાં કોના ગોલ્ડન ડક?
(૧) સચિનના સતત ત્રણ ઝીરો (૧૯૯૪માં બીજા, ચોથા, ચોથા બૉલે આઉટ)
(૨) કુંબલેના સતત ત્રણ ઝીરો (૧૯૯૬માં બીજા, બીજા, ત્રીજા બૉલે આઉટ)
(૩) ઇશાન્તના સતત ત્રણ ઝીરો (૨૦૧૦માં બારમા, ત્રીજા, બીજા બૉલે આઉટ)
(૪) ઝહીરના સતત ત્રણ ઝીરો (૨૦૦૩માં પહેલા, બીજા, પહેલા બૉલે આઉટ)
(૫) બુમરાહના સતત ત્રણ ઝીરો (૨૦૧૭-૨૦૧૯માં પંદરમા, ત્રીજા, બીજા બૉલે આઉટ)
(૬) સૂર્યકુમારના સતત ત્રણ ઝીરો (૨૦૨૩માં પહેલા, પહેલા, પહેલા બૉલે આઉટ)