ભારત પહેલી ટેસ્ટ મેચ ૧૩૨ રનથી જીત્યું
રવિન્દ્ર જાડેજાની ફાઈલ તસવીર (તસવીર સૌજન્ય : એ.એફ.પી)
ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે નાગપુર (Nagpur)માં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) પર મેચ ફીના ૨૫ ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. જાડેજાને આઈસીસી (ICC)ના નિયમોનો ભંગ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે. જાડેજા પર અમ્પાયરને જાણ કર્યા વિના આંગળી પર ક્રીમ લગાવવાનો આરોપ છે.
આ પણ વાંચો - જાડેજાના ક્રીમ વિવાદમાં થયો ખુલાસો
ADVERTISEMENT
નાગપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા પર ઇનિંગ અને ૧૩૨ રને જીત મેળવી હતી. ભારતની આ જીતમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જાડેજાએ ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી અને બાદમાં બેટિંગ કરતા ૭૦ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં જાડેજાએ બે વિકેટ ઝડપી હતી. જાડેજાએ પ્રથમ ટેસ્ટ મેચમાં કુલ સાત વિકેટ ઝડપી હતી. મેચ બાદ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને મેચ ફીના ૨૫ ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. વાસ્તવમાં, મેચના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ્સ દરમિયાન બોલિંગ કરતી વખતે જાડેજાએ પોતાના હાથ પર કંઈક લગાવતો જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયન મીડિયા અને પૂર્વ ક્રિકેટરો દ્વારા આ તસવીરો પર ઘણો હોબાળો થયો હતો.
આ પણ વાંચો - જાડેજાનો ડુપ્લિકેટ શોધવાનું કેમ ભૂલી ગયું ઑસ્ટ્રેલિયા?
બીસીસીઆઈના હસ્તક્ષેપ બાદ તપાસમાં જાણવા મળ્યું કે, જાડેજાએ અમ્પાયરને જાણ કર્યા વિના તેની આંગળી પર ક્રીમ લગાવી દીધી હતી. જે આઈસીસીની આચાર સંહિતા વિરુદ્ધ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે ઓસ્ટ્રેલિયા ટીમનો સ્કોર ૧૨૦/૫ હતો અને જાડેજા બોલિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન જાડેજાએ સિરાજ સાથે થોડી વાતચીત કરી હતી અને તે દરમિયાન જાડેજા બોલ પર આંગળીઓ ઘસતો જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયન મીડિયાએ જાડેજા પર બોલ સાથે ટેમ્પરિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ કારણે જાડેજાને મેચ ફીના ૨૫ ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.