પહેલી ટેસ્ટમાં ૫૩૪ રનના ટાર્ગેટ સામે ૨૩૮ રનમાં સમેટાઈ ગઈ ઑસ્ટ્રેલિયન ટીમ, ચોથા દિવસે ૨૯૫ રનથી મૅચ જીતીને ભારતીય ટીમે પાંચ મૅચની સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી, પર્થના નવા સ્ટેડિયમમાં કાંગારૂઓ પહેલી વાર હાર્યા
ગઈ કાલે ટ્રૅવિસ હેડની વિકેટ લીધા પછી ભારતીય કૅપ્ટન જસપ્રીત બુમરાહનો આ જોશ અને બૅટિંગ કરતી વખતે બૉલ વાગવાથી ઢળી પડેલો સ્ટીવ સ્મિથ આ મૅચમાં શું થયું એનાં પ્રતીક છે. ગઈ કાલે ડેન્જરસ ટ્રૅવિસ હેડને આઉટ કર્યા બાદ ખૂબ જ આક્રમક સેલિબ્રેશન કરી રહેલો કૅપ્ટન જસપ્રીત બુમરાહ. તેેણે બીજી ઇનિંગ્સમાં પણ શાનદાર ત્રણ વિકેટ લીધી હતી. (ડાબે) ગઈ કાલે મૅચ દરમ્યાન સ્ટીવન સ્મિથને બૉલ વાગતાં તે નીચે ફસડાઈ પડ્યો હતો ત્યારે તેને મદદ કરવા માટે દોડી આવેલા કે.એલ. રાહુલ અને યશસ્વી જાયસવાલ. (જમણે)
બૉર્ડર-ગાવસકર ટ્રોફીની પહેલી ટેસ્ટમાં ભારતીય ક્રિકેટ ટીમે ૨૯૫ રને ઐતિહાસિક જીત નોંધાવી છે. પહેલી ઇનિંગ્સમાં ભારત ૧૫૦ અને ઑસ્ટ્રેલિયા ૧૦૪ રનમાં ઑલઆઉટ થયા હતા. ભારતીય ટીમે ૪૮૭/૬ના સ્કોરે બીજી ઇનિંગ્સ ડિક્લેર કરીને ૫૩૪ રનનો વિશાળ ટાર્ગેટ ઑસ્ટ્રેલિયાને આપ્યો હતો, પણ ચોથા દિવસે યજમાન ટીમ બીજી ઇનિંગ્સમાં ૫૮.૪ ઓવરમાં ૨૩૮ રન બનાવીને ઑલઆઉટ થઈ હતી.
પર્થના આ નવા ઑપ્ટસ સ્ટેડિયમમાં આ પહેલાં ભારત (૨૦૧૮), ન્યુ ઝીલૅન્ડ (૨૦૧૯), વેસ્ટ ઇન્ડીઝ (૨૦૨૨) અને પાકિસ્તાન (૨૦૨૩) સામે રમાયેલી ચારેય ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયન ટીમે જીત મેળવી હતી. ભારતીય ટીમ પર્થના આ સ્ટેડિયમમાં ટેસ્ટ જીતનાર પહેલી વિદેશી ટીમ બની છે. ઑપ્ટસ સ્ટેડિયમમાં પહેલી વાર હારનારી ઑસ્ટ્રેલિયન ટીમની ઘરઆંગણે ભારત સામે ટેસ્ટમાં ૨૯૫ રને આ સૌથી મોટી હાર છે. આ પહેલાં ૧૯૭૭માં મેલબર્ન ટેસ્ટમાં ભારતીય ટીમે ૨૨૨ રને યજમાન ટીમને હરાવી હતી.
ADVERTISEMENT
પર્થમાં ગઈ કાલે ઑસ્ટ્રેલિયાને સિરીઝની પહેલી જ ટેસ્ટમાં પછાડ્યા પછી કૅપ્ટન જસપ્રીત બુમરાહને શાબાશી આપી રહેલી ભારતીય ટીમ
ઑસ્ટ્રેલિયા સામે ઓવરઑલ આ ભારતની બીજી સૌથી મોટી ટેસ્ટ-જીત છે. ૨૦૦૮માં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયા સામે મોહાલી ટેસ્ટમાં ૩૨૦ રને સૌથી મોટી જીત મેળવી હતી.
૪.૨ ઓવરમાં ૧૨/૩ના સ્કોર સાથે ઓપનર ઉસ્માન ખ્વાજા અને સ્ટીવ સ્મિથે ચોથા દિવસની રમતની શરૂઆત કરી હતી પણ બીજી ઇનિંગ્સમાં કૅપ્ટન જસપ્રીત બુમરાહ (૪૨ રનમાં ત્રણ વિકેટ) અને મોહમ્મદ સિરાજ (૫૧ રનમાં ત્રણ વિકેટ)ની શાનદાર બોલિંગે ઑસ્ટ્રેલિયન મિડલ ઑર્ડરને ધરાશાયી કરવામાં મદદ કરી. નીતીશ કુમાર રેડ્ડી (૨૧ રનમાં એક વિકેટ) અને હર્ષિત રાણા (૬૯ રનમાં એક વિકેટ) સાથે સ્પિનર વૉશિંગ્ટન સુંદરે (૪૮ રનમાં બે વિકેટ) બીજી ઇનિંગ્સમાં ઑસ્ટ્રેલિયાની છેલ્લી ચાર વિકેટ ઝડપી હતી.
મૅચ દરમ્યાન રિષભ પંતની શૂઝની દોરી બાંધી રહેલો દેવદત્ત પડિક્કલ
ઑસ્ટ્રેલિયા તરફથી શાનદાર ફૉર્મમાં ચાલી રહેલા ટ્રૅવિસ હેડે બીજી ઇનિંગ્સમાં સૌથી વધુ ૮૯ રન બનાવ્યા હતા. તેણે સ્ટીવ સ્મિથ (૧૭ રન) સાથે પાંચમી વિકેટ માટે ૬૨ રન અને મિચલ માર્શ (૪૭ રન) સાથે છઠ્ઠી વિકેટ માટે ૮૨ રનની પાર્ટનરશિપ કરી હતી, પરંતુ તે ઑસ્ટ્રેલિયાને હારથી બચાવી શક્યો નહોતો.
વિરાટ કોહલીને અમારી જરૂર નથી, પણ અમને તેની જરૂર છે : જસપ્રીત બુમરાહ
ભારતીય ટીમની યાદગાર જીત બાદ જસપ્રીત બુમરાહે પ્રેસ-કૉન્ફરન્સમાં વિરાટ કોહલી સહિત ટીમના યંગ પ્લેયર્સની પ્રશંસા કરી હતી. ૩૦મી ટેસ્ટ-સેન્ચુરી ફટકારનાર વિરાટ કોહલી માટે તેણે કહ્યું કે ‘વિરાટ કોહલીને અમારી જરૂર નથી, અમને તેની જરૂર છે. તે એક અનુભવી ક્રિકેટર છે. આ તેની ઑસ્ટ્રેલિયામાં ચોથી કે પાંચમી ટૂર છે એથી જ તે ક્રિકેટને બીજા બધા કરતાં વધુ જાણે છે.’ કૅપ્ટન તરીકે પોતાની બીજી ટેસ્ટમાં પહેલી જીત મેળવવા વિશે તેણે કહ્યું કે ‘આ એક ખાસ જીત છે. કૅપ્ટન તરીકે પ્રથમ જીત. હું એનાથી ખૂબ ખુશ છું. મારો દીકરો હજી ઘણો નાનો છે, પણ જ્યારે તે મોટો થશે ત્યારે હું તેને એની વાર્તા કહીશ. હું તેને કહીશ કે જ્યારે અમે ભારત માટે આટલી મહત્ત્વપૂર્ણ મૅચ જીત્યા ત્યારે તું દર્શકો વચ્ચે હતો. મેં બર્મિંગહૅમમાં પણ કૅપ્ટન્સી કરી હતી. અમે પહેલી ઇનિંગ્સમાં આગળ હતા, પરંતુ એ પછી ઇંગ્લૅન્ડની ટીમ સારું રમી અને મૅચ જીતી ગઈ. કૅપ્ટન તરીકે પહેલી જીતથી હું ખૂબ ગર્વ અનુભવી રહ્યો છું.’