ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચની T20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર : રિષભ પંત, જસપ્રીત બુમરાહ, કે. એલ. રાહુલ, મોહમ્મદ સિરાજને આરામ : અક્ષર પટેલ વાઇસ કૅપ્ટન
ફાઇલ તસવીર
ઇંગ્લૅન્ડ સામે બાવીસમી જાન્યુઆરીથી બે ફેબ્રુઆરી વચ્ચે આયોજિત પાંચ મૅચની T20 સિરીઝ માટે ગઈ કાલે ભારતીય સ્ક્વૉડ જાહેર કરવામાં આવી છે. ૧૫ સભ્યોની સ્ક્વૉડમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની એન્ટ્રીએ ભારતીય ફૅન્સને ખુશ કરી દીધા છે. ૩૪ વર્ષનો આ બોલર ૧૪ મહિના બાદ ભારતીય ટીમમાં સામેલ થયો છે. તેણે છેલ્લે ૨૦૨૩ની ૧૯ નવેમ્બરે અમદાવાદમાં વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ મૅચ રમી હતી. પગની ઇન્જરીની સર્જરી બાદ તે ઇન્ટરનૅશનલ ક્રિકેટથી દૂર હતો. રણજી ટ્રોફી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હઝારે ટ્રોફીમાં તરખાટ મચાવી તેણે પોતાની જગ્યા પાછી મેળવી લીધી છે.
T20 વર્લ્ડ કપ વિજેતા વિકેટકીપર રિષભ પંતને આ સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને વિકેટકીપર-બૅટર સંજુ સૅમસન અને ધ્રુવ જુરેલને ટીમમાં સ્થાન મળ્યું છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને બૅટર કે. એલ. રાહુલ જેવા સ્ટાર પ્લેયર્સને પણ ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં આરામ આપવામાં આવ્યો છે. વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં ભારતીય ટીમ ઇંગ્લૅન્ડ સામે વન-ડે સિરીઝ પણ રમવાની છે. એના માટે આજે ચૅમ્પિયન્સ ટ્રોફીની સ્ક્વૉડ જાહેર કરવાની ડેડલાઇન છે. સંભાવના છે કે ચૅમ્પિયન્સ ટ્રોફી માટે સિલેક્ટ થનાર સ્ક્વૉડ જ ઇંગ્લૅન્ડ સામે વન-ડે સિરીઝ રમતી જોવા મળશે.
ADVERTISEMENT
ઇંગ્લૅન્ડ સામે ભારતની T20 ટીમ
સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), સંજુ સૅમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિન્કુ સિંહ, નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ (વાઇસ-કૅપ્ટન), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વૉશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ.
T20 સિરીઝનું શેડ્યુલ
૨૨ જાન્યુઆરી કલકત્તા
૨૫ જાન્યુઆરી ચેન્નઈ
૨૮ જાન્યુઆરી રાજકોટ
૩૧ જાન્યુઆરી પુણે
૨ ફેબ્રુઆરી મુંબઈ