ગઈ કાલે ચાર્જ લીધા બાદ ૨૦૨૮માં થનારી આૅલિમ્પિક્સમાં ક્રિકેટને પણ સામેલ કરવા સહિતની પ્રાથમિકતાઓની તેમણે વાત કરી
જય શાહ
ક્રિકેટ ઍડ્મિનિસ્ટ્રેશનમાં ૨૦૦૯થી ગુજરાત ક્રિકેટ અસોસિએશન સાથે પોતાની સફર શરૂ કરનાર જય શાહે ગઈ કાલે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચૅરમૅન તરીકે ચાર્જ સંભાળ્યો હતો. છેલ્લાં પાંચ વર્ષથી ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)નું સેક્રેટરી પદ સંભાળનાર ૩૬ વર્ષના જય શાહ ICCના સૌથી યંગેસ્ટ ચૅરમૅન બન્યા છે. ઑગસ્ટમાં તેઓ આ પદ માટે નિર્વિરોધ ચૂંટાયા હતા. તેમણે ૨૦૨૦થી આ પદ સંભાળી રહેલા ન્યુ ઝીલૅન્ડના ગ્રેગ બાર્કલેનું સ્થાન લીધું છે.
જય શાહ પહેલાં ભારત તરફથી ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ જગમોહન દાલમિયા, શરદ પવાર, વકીલ શશાંક મનોહર અને ઉદ્યોગપતિ એન. શ્રીનિવાસને ICCનું નેતૃત્વ કર્યું છે. આ પદ સંભાળ્યા બાદ જય શાહે પોતાની પ્રાથમિકતાઓ જાહેર કરી હતી જેમાં લૉસ ઍન્જલસમાં ૨૦૨૮ થનારી ઑલિમ્પિક્સ ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરવો. ગ્રાસરૂટ લેવલનું ક્રિકેટ, ટેસ્ટ-ક્રિકેટ અને વિમેન્સ ક્રિકેટના વિકાસને વેગ આપવાની સાથે આ રમતને ફૅન્સ માટે વધુ રોમાંચક બનાવવા તરફ પણ ધ્યાન કેન્દ્રિત કરવાનું તેમણે કહ્યું હતું.
ADVERTISEMENT
ભારતના ગૃહપ્રધાન અમિત શાહના દીકરા જય શાહનો કાર્યકાળ પડકારો સાથે શરૂ થયો છે, કારણ કે ICCને પાકિસ્તાનમાં યોજાનારી ચૅમ્પિયન્સ ટ્રોફી માટે હાઇબ્રિડ મૉડલ લાગુ કરવા માટે સ્વીકાર્ય ઉકેલ શોધવાનો છે. જય શાહને પાકિસ્તાન સિવાય ICC બોર્ડ રૂમમાં જબરદસ્ત સમર્થન મળશે અને નીતિગત નિર્ણયો લેવામાં તેમને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.
અગાઉ જય શાહ ICCમાં BCCIનું પ્રતિનિધિત્વ કરતા હતા, પરંતુ હવે આ જવાબદારી બોર્ડના પ્રમુખ રૉજર બિન્ની અથવા ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા કરશે. ભારતીય ક્રિકેટ બોર્ડના આગામી સેક્રેટરી કોણ હશે એ હજી નક્કી નથી.