સૌપ્રથમ અન્ડર-19 ટી૨૦ વિશ્વકપની સેમીમાં ન્યુ ઝીલૅન્ડને ૮ વિકેટે કચડી નાખ્યુંઃ પાર્શ્વી પ્લેયર ઑફ ધ મૅચ : ઇંગ્લૅન્ડ સામે ફાઇનલ
શેફાલીની શેરનીઓ વર્લ્ડ કપની ફાઇનલમાં
મૂળ રોહતક (હરિયાણા)ની ઓપનિંગ બૅટર શેફાલી વર્માના સુકાનમાં ભારતની ગર્લ્સ ટીમ ગઈ કાલે સૌપ્રથમ અન્ડર-19 ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગઈ હતી. સેમી ફાઇનલમાં તેમણે ન્યુ ઝીલૅન્ડની પડકારરૂપ ટીમને ૩૪ બૉલ બાકી રાખીને ૮ વિકેટના તોતિંગ માર્જિનથી હરાવી દીધી હતી. ઉત્તર પ્રદેશના બુલંદશહેરની ૧૬ વર્ષની લેગ-સ્પિનર પાર્શ્વી ચોપડા (૪-૧-૨૦-૩)ને પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેણે કિવી ટીમની વિકેટકીપર ઇસાબેલા ગેઝ (૨૬ રન), કૅપ્ટન ઇઝ્ઝી શાર્પ (૧૩ રન) અને એમ્મા ઇરવિન (૩ રન)ની મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી. એટલું જ નહીં, ચોપડાએ સૌથી વધુ રન બનાવનાર વનડાઉન પ્લેયર જ્યૉર્જિયા (૩૫ રન)નો કૅચ પણ પકડ્યો હતો.
બીજી સેમીમાં ઇંગ્લૅન્ડે (૯૯ રન) ઑસ્ટ્રેલિયા (૯૬ રન)ને ત્રણ રનથી હરાવીને ભારત સામેની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ADVERTISEMENT
ધોનીના ધુરંધરો બનેલા ચૅમ્પિયન
ટી૨૦ ક્રિકેટમાં ભારતીય ખેલાડીઓ આ ફૉર્મેટના વિશ્વકપના આરંભથી જ દેશને સિદ્ધિ અપાવતા આવ્યા છે. ૨૦૦૭માં મહેન્દ્ર સિંહ ધોનીના સુકાનમાં ભારતે સૌપ્રથમ ટી૨૦ વર્લ્ડ કપ જીતી લીધો હતો. ૨૦૦૯માં ઝુલન ગોસ્વામીના સુકાનમાં ભારતની મહિલા ટી૨૦ ટીમ સેમી ફાઇનલમાં પહોંચી હતી.
સેહરાવતના સુપર સિક્સ્ટીવન
ગઈ કાલે સાઉથ આફ્રિકાના પોશેફ્સ્ટ્રુમમાં શેફાલી વર્માએ ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી હતી. ન્યુ ઝીલૅન્ડની ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટે માત્ર ૧૦૭ રન બનાવી શકી હતી. ચોપડાની ત્રણ વિકેટ ઉપરાંત શેફાલી, તીતાસ સાધુ, મન્નત કશ્યપ અને અર્ચનાદેવીએ એક-એક વિકેટ લીધી હતી. પછીથી કૅપ્ટન શેફાલી (૧૦ રન, ૯ બૉલ, એક ફોર) અને વાઇસ-કૅપ્ટન શ્વેતા સેહરાવત (૬૧ અણનમ, ૪૫ બૉલ, દસ ફોર)ની જોડીએ ૩૩ રનની સારી ભાગીદારી સાથે શરૂઆત કરી હતી. શેફાલી કૅચઆઉટ થયા બાદ સેહરાવતે સૌમ્યા તિવારી (બાવીસ રન, ૨૬ બૉલ, ત્રણ ફોર) સાથે બીજી વિકેટ માટે ૬૨ રનની પાર્ટનરશિપ કરી હતી. સૌમ્યાની વિકેટ પડ્યા બાદ સેહરાવત અને જી. ત્રિશા (પાંચ અણનમ)ની જોડીએ ૧૫ રનની ભાગીદારી સાથે ભારતને વિજય અપાવ્યો હતો. ભારતે ૧૦૮ રનના લક્ષ્યાંક સામે ૧૪.૨ ઓવરમાં બે વિકેટના ભોગે ૧૧૦ રન બનાવ્યા હતા. બન્ને વિકેટ પેસ બોલર ઍના બ્રાઉનિંગે લીધી હતી.
ફાઇનલ રવિવારે સાંજે
સૌપ્રથમ ગર્લ્સ અન્ડર-19 ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલ રવિવારે ૨૯ જાન્યુઆરીએ પોશેફ્સ્ટ્રુમમાં ઇંગ્લૅન્ડ સામે રમાશે. આ મુકાબલો ભારતીય સમય મુજબ સાંજે ૫.૧૫ વાગ્યે શરૂ થશે.