ભારતીય ટીમ આજથી શરૂ થતી ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રણ ટેસ્ટ-મૅચની સિરીઝ બાદ આવતા મહિને પાંચ ટેસ્ટ-મૅચની સિરીઝ માટે ઑસ્ટ્રેલિયા જવાની છે. આ સિરીઝ પહેલાં પેસ બોલર મોહમ્મદ શમી સંપૂર્ણ ફિટ થઈ જાય
રોહિત શર્મા
ભારતીય ટીમ આજથી શરૂ થતી ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રણ ટેસ્ટ-મૅચની સિરીઝ બાદ આવતા મહિને પાંચ ટેસ્ટ-મૅચની સિરીઝ માટે ઑસ્ટ્રેલિયા જવાની છે. આ સિરીઝ પહેલાં પેસ બોલર મોહમ્મદ શમી સંપૂર્ણ ફિટ થઈ જાય અને ટીમને ઑસ્ટ્રેલિયામાં જસપ્રીત બુમરાહ સાથે મળીને સિરીઝ જીતની હૅટ-ટ્રિક કરાવી આપે એવી આશા સૌ રાખી રહ્યા છે. જોકે કૅપ્ટન રોહિત શર્માએ ગઈ કાલે આપેલા આ વિશેના અપડેટને લીધે શમીના ચાહકોમાં નિરાશા છવાઈ ગઈ છે. પ્રામાણિકતાથી કહું તો શમી વિશે હાલ તરત કંઈ જણાવવું મુશ્કેલ છે એમ કહીને રોહિતે કહ્યું હતું કે ‘તે ઑસ્ટ્રેલિયા સિરીઝ પહેલાં ફિટ થઈ જશે કે નહીં એ કહી શકાય નહીં. તે ૧૦૦ ટકા ફિટ થવા તરફ આગળ વધી રહ્યો હતો પણ તેના ઘૂંટણમાં સોજો છે. આ તદ્દન અસામાન્ય છે જેને લીધે તેના સમયસર સાજા થવા વિશે પ્રશ્નાર્થ મૂકી દીધો છે. તેણે ફરીથી શરૂઆત કરવી પડશે. અત્યારે તે બૅન્ગલોરમાં નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં ફિઝિયો અને ડૉક્ટરોની ટીમ સાથે મહેનત કરી રહ્યો છે. અમે આશા રાખી રહ્યા છીએ કે તે ૧૦૦ ટકા ફિટનેસ પાછી મેળવી લે પણ અમે અડધાઅધૂરા ફિટનેસવાળા શમીને ઑસ્ટ્રેલિયા નથી લઈ જવા માગતા. એ યોગ્ય પણ નહીં હોય. ફાસ્ટ બોલર માટે લાંબો સમય સુધી મેદાનની બહાર રહ્યા બાદ અચાનક કમબૅક કરીને તરત જ બેસ્ટ પર્ફોર્મ કરવું આસાન નથી હોતું.’